Jul 26, 2017

Yog-Vasishth-Gujarati-યોગવાસિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-869

રામ કહે છે કે-હે મહારાજ,"હું ને મારું" એવું અભિમાન કે જેનું મૂળ તપાસીએ તો તે મિથ્યા જ છે,
તો,તેનો ત્યાગ કરનાર જ્ઞાની પુરુષને કર્મોનો ત્યાગ કરવાથી શી હાનિ થાય અને કર્મો કરવાથી શો લાભ થાય?

વસિષ્ઠ કહે છે કે-હે રામચંદ્રજી,તમે જો યથાર્થ રીતે જાણતા હો (કે જાણી જ ચૂક્યા છો),તો તમે જ કહો,કે-વાસ્તવિક રીતે- પ્રથમ  તો કર્મ જ શી વસ્તુ છે? તે કર્મનું મૂળ શું છે? અને તેમાં નાશ કરવાનું શું છે? અને કઈ રીતે નિપુણતાથી તેનો નાશ કરી શકાય?

રામ કહે છે કે-હે મહારાજ,જે કંઈ નાશ કરવાનું હોય તેને મૂળમાંથી જ ઉખેડી નાખવામાં આવે-તો જ તેનો નાશ થઇ શકે,બાકી ઉપરની ડાળીઓ વગેરે કાપી નાખવાથી (તે નિર્મૂળ નહિ થવાને લીધે) તેનો નાશ થઇ શકતો નથી.
બુદ્ધિમાન પુરુષે,પોતાનું પુણ્ય-પાપ-રૂપી-શુભાશુભ કર્મ જ નાશ કરવાનું છે
અને તેના મૂળને ઘસીઘસી સંપૂર્ણ રીતે ઉખેડી નાખવાથી તેનો (કર્મોનો) નાશ થાય છે.
હે મહારાજ,તે કર્મ-રૂપી-વૃક્ષનાં મૂળોને ઉખેડી નાખવાથી,નિર્મૂળ થયેલું એ કર્મ-રૂપી વૃક્ષ ફરી ઉગતું જ નથી.

વિચિત્ર પ્રકારના "અવયવો-રૂપી-વેલો" વડે શોભતો આ "દેહ" જ,"પ્રાચીન-કર્મ-રૂપી-બીજ"માંથી
"વૃક્ષ-રૂપે" ઉત્પન્ન થઇ,આ "સંસાર-રૂપી-અરણ્ય" માં મૂળ નાખી રહેલો છે.
તે "દેહ-રૂપી-વૃક્ષ" ને "સુખ-દુખ-રૂપી-ફળો" અને ,"વૃદ્ધાવસ્થા-રૂપી-પુષ્પ" લાગે છે.
કે જે પુષ્પો,ક્ષણમાત્ર તાજાં રહેવાને લીધે મનોહર લાગે છે,ને તેને વારંવાર "કાળ-રૂપી-વાંદરાઓ" તોડી નાખે છે.
પોતાના ઘડપણથી શરદ-ઋતુના અંતમાં ખરી પડેલ,શાંત અને શિથિલ થઇ ગયેલ,
"ચેષ્ટાઓ-રૂપી-પાંદડા" ના જથ્થા-વાળા,આ "જગત-રૂપી-જંગલ"માં ઉત્પન્ન થઇ ચોતરફ ફેલાયલા,
એવા આ "દેહ-રૂપી-વૃક્ષ"નું પ્રારબ્ધને અનુસરીને પ્રગટ થવું-એ (પ્રારબ્ધ કે પ્રાચીન કર્મ) જ "બીજ" છે.

આ રીતે,પ્રારબ્ધ-કર્મ કે જે આ દેહ-રૂપે પ્રગટ થયું છે,તેનું "મૂળ કર્મેન્દ્રિયો" જ છે.(કર્મેન્દ્રિયો જ કર્મ કરે છે)
કે જે કર્મેન્દ્રિયો,કામ-આદિ દૂષણો-વાળી-ગાંઠો-વાળી હોવાથી કઠોર છે,નાડીઓમાં ભરાયેલા "અન્નરસ-રૂપી-વાસના-રૂપી-રસ" પીવાથી પુષ્ટ થયેલી છે,અને પોતાના સ્થાનમાં રક્ત-રસને ધારણ કરીને રહેલ છે.આ "કર્મેન્દ્રિયો" નું પણ "જ્ઞાનેન્દ્રિય" જ "મૂળ" છે,અને એ જ્ઞાનેન્દ્રિયો બહાર (દૂર સુધી) જઈને પણ વિષયોનો અનુભવ કરી શકે તેવી,"વાસના-રૂપ-ગારા"માં લદબદ થઇ રહેલી,રસથી ભરપુર અને બહુ બળવાન છે.

આ જ્ઞાનેન્દ્રિયોનું પણ મૂળ સર્વના આધાર-રૂપ "મન" છે,જે પાંચ ઇન્દ્રિયોના દ્વાર-રૂપે રહેલી નાડીઓ વડે,
શબ્દ-સ્પર્શ-રૂપ-રસ-ગંધ-એ વિષય-રૂપી-અનંત-રસ ને પ્રથમ અંદર ખેંચી લઇ,તેને ભોગવી લીધા પછી મૂકી દે છે.
એ ચિત્ત (મન) નું મૂળ "જીવ" (જીવ-ચૈતન્ય કે આત્મા) છે.
કે જેનું સ્વ-રૂપ,લિંગ-દેહ-આદિ દૃશ્ય-પદાર્થમાં "ચિદાભાસ-રૂપે પ્રતિબિંબવાળું થયેલું ચેતન" છે.
અને આ "ચિદાભાસ-રૂપે પ્રતિબિંબવાળું થયેલું ચેતન"  નું મૂળ "બ્રહ્મ-ચૈતન્ય" (પરમાત્મા) છે.
(નોંધ-આમ કર્મનું મુખ્ય-બીજ "જીવ-ચૈતન્ય" છે કેમ કે આત્મા એ પરમાત્માનું ચિદાભાસ-રૂપે પ્રતિબિંબ છે )

   PREVIOUS PAGE          
        NEXT PAGE       
      INDEX PAGE