Jul 27, 2017

Yog-Vasishth-Gujarati-યોગવાસિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-870

રામ કહે છે કે-એ "બ્રહ્મ-ચૈતન્ય" નું બીજું કંઈ પણ મૂળ નથી,કેમ કે તે અવર્ણનીય,અનંત,શુદ્ધ અને સત્ય-રુપ છે.આ રીતે સર્વ કર્મ-માત્રનું બીજ "જીવ-ચૈતન્ય" છે -કે જેમાં અંદર અહંકાર-વગેરેમાં "આત્મ-બુદ્ધિ" થઇ,"હું કર્તા છું"એવો "સંકલ્પ" સ્ફૂર્યા પછી,ક્રિયા(કે કર્મ) થવા માંડે છે.

"જીવ-પણું" હોય તો જ આ દેહ-રૂપ-વૃક્ષ ઉગી નીકળે છે."જીવ-ચૈતન્ય" (આત્મા) એ અહંકાર-વગેરેમાં મળી જઈ,તેમાં (અહંકારમાં) આત્મ-રૂપતા માની લઇ- "હું અમુક-રૂપ છું અને કર્તા છું" એવી નામ-રૂપ-વાળી-ભાવના વડે વીંટાઈ જાય તો તે "કર્મના બીજ-રૂપ" થાય છે અને જો એમ ના બને (એટલે કે પોતાના શુદ્ધ સ્વરૂપ-આત્માને જ ઓળખી લે) તો તે પોતે પરમ-પદ-રૂપ (બ્રહ્મ-ચૈતન્ય-રૂપ કે પરમાત્મા) જ છે.
માટે દેહ-આદિમાં અહંકારને કારણે-જે "આત્મ-બુદ્ધિ" થવી,તે જ "કર્મનું કારણ" છે.
હે મહારાજ,આ જે કંઈ મેં કર્મ અને કર્મના ફળ વિષે કહ્યું,તે આપે જ મને કહેલ છે.

વસિષ્ઠ કહે છે કે-એ જીવ-ચૈતન્ય(આત્મા) જ ઉપાધિ (માયા) ને લીધે,ભ્રાંતિ વડે ઉત્પન્ન થયેલાં,
"વાસના-મન-કર્મ-ઈચ્છા-સંકલ્પ" વગેરે નથી વિસ્તાર પામે છે.
મનુષ્ય ભલે જ્ઞાની હોય કે અજ્ઞાની હોય,પરંતુ જ્યાં સુધી તેનો દેહ રહે,ત્યાં સુધી,ચિત્ત-રૂપ-ઉપાધિ કે જેમાં ચૈતન્ય-બિંબ (બ્રહ્મ-ચૈતન્ય) નું પ્રતિબિંબ પડી "ચિદાભાસ" એવી સંજ્ઞા થઇ (એવા નામે થઇ) તે વડે તે ક્રિયા (કર્મ) કરે છે,તે (ચિત્ત-રૂપ-ઉપાધિ અને કર્મ) આ દેહ-રૂપી ઘરમાં રહે છે અને તેનો જીવનપર્યંત ત્યાગ થઇ શકતો નથી.
જીવતા પુરુષમાં તેનો ત્યાગ શી રીતે ઘટી શકે?

પણ, આવી પડેલ વ્યવહાર કર્યે જતાં,"હું અસંગ,અદ્વિતીય,કૂટસ્થ અને ચિદ્રુપ છું તથા અકર્તા છું"
એવી "નિષ્ક્રિય સ્થિતિ" આત્મામાં રાખી,કર્મનાં નામ અને રૂપ -એ બંનેની ભાવના જ મનમાં નહિ થવા દેતાં,
કર્મ-અકર્મ-વગેરે "વિકલ્પો" નો ત્યાગ કરી દેવામાં આવે તો-કર્મ-ત્યાગ અને ચિત્ત-ત્યાગ એની મેળે જ થઇ જાય છે.
બાકી,સ્થૂળ દૃષ્ટિએ તો કર્મનો ત્યાગ સંભવતો જ નથી.
આમ,સ્થૂળ દ્રષ્ટિએ કર્મનો ત્યાગ અસંભવિત છે,માટે કોઈ,કર્મ કરવા છતાં,પણ તે "અમુક રીતે કરવું" એવો
"સંકલ્પ-વિકલ્પ" નો ત્યાગ કરીને,નિઃસંકલ્પ-પણાથી તે કર્મ કરે,તો તેણે તે કર્મ કરેલું જ નથી એમ કહી શકાય.

સત્યમાં તો,તત્વ-જ્ઞાન વડે,આ જે કંઈ દૃશ્યની ભ્રાંતિ દેખાય છે,તે સર્વનું,મિથ્યા-પણું સમજાઈ,અને તે દૃશ્યનો બાધ થઇ જતાં "જગતનો અત્યંત અભાવ છે" એમ અનુભવમાં આવે,તે જ-એ જગતનો-તેમાં રહેલ ચિત્તનો-અને-કર્મનો- ખરેખરો ત્યાગ છે.(કે જેથી આત્માનું અસંગ-પણું અનુભવાતાં,એની મેળે જ મોક્ષ મળે છે)

જો કોઈ લિંગ-દેહ (વગેરે-દૃશ્ય) હોય,તો જ તેમાં "જીવ-ચૈતન્યનું પ્રતિબિંબ" પડતાં ચિદાભાસ થાય,
પણ તત્વ-દૃષ્ટિથી જોતાં,લિંગ-દેહ (વગેરે-દૃશ્ય) ઉત્પન્ન થયેલો જ નથી અને એથી જો તે છે જ નહિ,
તો પછી,કોનામાં (જીવ-ચૈતન્યનું) પ્રતિબિંબ થઈને ચિદાભાસ થાય?

   PREVIOUS PAGE          
        NEXT PAGE       
      INDEX PAGE