Aug 6, 2017

Yog-Vasishth-Gujarati-યોગવાસિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-880

વિદ્યાધર કહે છે કે-બ્રહ્માથી માંડીને નાના તણખલા સુધીના સર્વ દુષ્ટ ભોગોના સમુહને હજારો વર્ષ સુધી ભોગવવામાં આવે તો પણ તેથી તૃપ્તિ થતી જ નથી.ઘણા કાળ સુધી રાજ્ય ભોગવીને અને શત્રુઓની સેનાઓને જીતીને,શું અપૂર્વ ફળ મળવાનું ?મહા-પરાક્રમી  પુરુષો પણ થોડાક જ સમયમાં,બીજા સર્વ મનુષ્યોની જેમ જ કાળની (મૃત્યુની) ઝાળમાં ભસ્મ થઇ જાય છે. એટલે જે વસ્તુ મળ્યા પછી,બીજું કંઈ મેળવવાનું રહેતું નથી,
તે જ વસ્તુને મેળવવા માટે કષ્ટ વેઠીને પણ મહેનત કરવી જોઈએ.

જેમને ઘણા કાળ સુધી,અતિમનોહર ભોગો ભોગવ્યા છે,તેમના કોઈનાયે મસ્તક પર કલ્પ-વૃક્ષ ઉગેલું દીઠું નથી,
કે જેની છાયામાં નિરંતર બેસીને સર્વ કામનાઓ તે પૂરી કરી શકે ને વિશ્રાંતિ લઇ શકે.
જેમ,ધુતારાઓ કોઈ ભોળા બાળકને છેતરી લે છે,તેમ ઇન્દ્રિયોએ મને ઘણા લાંબા કાળ સુધી છેતર્યો છે.
તે વિષય-લંપટ દુષ્ટ ઇન્દ્રિયો તો પારધીઓ જેવી છે,અને હું મનુષ્ય-રૂપે એક અતિમૂઢ-મૃગ છું.
હું સંસારના અનેક તાપોથી તપી રહ્યો છું,અને આ સંસાર-રૂપી-વનમાં,એ પારધી (ઇન્દ્રિયો) મને ફોસલાવી ફોસલાવીને માર મારે છે.ઇન્દ્રિયોએ જેને પોતાના તાપથી ના તપાવેલા હોય તેવા તો કદાચ કોઈક જ હશે.

હે પ્રિય ભુશુંડજી,આ ઇન્દ્રિયો-રૂપી એક દુષ્ટ સેના છે,ત્યાં ભોગો-રૂપી ભયંકર હાથીઓ છે,
તૃષ્ણા-રૂપી જાળ છે,લોભ-રૂપી કરવતો છે અને ક્રોધ-રૂપી ભાલાઓ છે,
આ સેનામાં સુખ-દુઃખ-આદિ-દ્વંદ્વો-રૂપી રથો છે,અહંકાર-રૂપી-રક્ષક-સેનાપતિ છે,ચેષ્ટાઓ-રૂપી-ઘોડાઓ છે.
જેઓ આ સેના જીતી શકે-તે જ ખરા યોદ્ધાઓ છે.
મદોન્મત્ત હાથીને વશમાં કરવો હજી થોડોક પણ સહેલો હશે,
પણ અવળે માર્ગે જતી પોતાની ઇન્દ્રિયોને સારી રીતે વશ કરી સંયમમાં લાવવી,એ વાત કંઈ સહેલી નથી.

એટલે જ જ્યાં સુધી પુરુષ,એક હલકા તણખલાની જેમ ઇન્દ્રિયોને આધીન થઇ જતો નથી,ત્યાં સુધી દેવો પણ તેની પૂજા કરે છે.જે મહાધૈર્યવાળા પુરુષો આ પૃથ્વીમાં જિતેન્દ્રિય છે-તેજ ખરા પુરુષો છે,બાકીના બીજા પુરુષોને તો હું પ્રાણ-આદિ પવનથી ચાલનારાં,માંસ-યંત્રોના સમૂહ-રૂપ જ સમજુ છું.
હે મહારાજ,મન-રૂપી-સેનાપતિની આ પાંચ-ઇન્દ્રિયો-રૂપી સેનાને,જો હું જીતી લેવા યત્ન કરું,તો જ તે જીતી શકાય તેમ છે.ઇન્દ્રિયો-રૂપી પ્રબળ-રોગની શાંતિ માટે,ભોગોની આશા છોડી દેવી તે જ ઉપાય છે,
તે સિવાય ઔષધો કે મંત્રો તેને શાંત કરી શકતાં નથી.

તે ઇન્દ્રિયો રજોગુણ-તમોગુણથી વ્યાપ્ત છે,અને મનુષ્યને ઉત્તમ-પદમાંથી નીચે પાડી નાખવામાં જ કુશળ છે.
તે રાગ-દ્વેષ-આદિ દોષો-રૂપી-સર્પો વડે આશ્રય કરાયેલી છે અને કઠોર-વિપત્તિથી વ્યાપ્ત છે.
તે ફક્ત પોતાના પોષણની વાત જ જાણે છે,નીચ-વૃત્તિ-વાળી મહાસાહસિક છે
અને અજ્ઞાન-રૂપી અંધકારમાં વિહાર કરે છે.
   PREVIOUS PAGE          
        NEXT PAGE       
      INDEX PAGE