Aug 7, 2017

Yog-Vasishth-Gujarati-યોગવાસિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-881

જેમ,જૂનાં વાંસનાં લાકડાં,અંદર પોલાં (શૂન્ય),સાર વગરનાં,વાંકાં અને ગાંઠો(ગ્રંથિ)વાળાં હોવાથી માત્ર બાળવાને યોગ્ય જ હોય છે,તેમ,ઇન્દ્રિયો પણ અંદર પોલાણ-વાળી (શૂન્ય),રક્ત-માંસ-વગેરે વડે ભરેલી હોવાથી નિઃસાર,વાંકા-ચૂકા આકાર-વાળી અને ગ્રંથિ (જળ-ચેતન-અહંકાર વગેરે-રૂપી) વડે યુક્ત છે.
તે ઇન્દ્રિયો બહુ દૃઢ-રીતે બંધાઈ ગયેલા મોહના લીધે,બહુ ઊંડે સુધી,દુર્વ્યસનોના બંધાણવાળી હોય છે.તે અનંત પદાર્થોના કારણ-રૂપ છે,ભ્રાંતિથી યુક્ત છે અને પાપ-વાળી છે.

હે ભુશુંડજી,હું કે જે ઉપર જણાવ્યા મુજબ,ઇન્દ્રિયોએ ઉત્પન્ન કરેલ અનેક આપત્તિઓ-રૂપી-સાગરમાં ડૂબેલો છું,
પણ હવે સર્વસ્વનો ત્યાગ કરીને,કશો પણ પરિગ્રહ નહિ રાખતાં,આપને શરણે આવ્યો છું,તેનો આપ કૃપા વડે ઉદય પામનારા તત્વ-જ્ઞાનના ઉપદેશથી ઉદ્ધાર કરો,કેમ કે આપ જેવા જે કોઈ દયાળુ સાધુઓ,
આ જગતમાં સર્વથી શ્રેષ્ઠ-પણે વર્તી રહ્યા છે,એટલે આપનો સમાગમ કરવો અને આપને શરણે જવું,
તે શોકનો નાશ કરનાર છે,એમ ઉત્તમ શાસ્ત્રો અને વિવેકી પુરુષો કહે છે.

(૭) સંસાર-વૃક્ષનું વર્ણન

ભુશુંડ કહે છે કે-હે વિદ્યાધર,કંઇક ભાગ્યોદય થવાથી,તમે અજ્ઞાન-રૂપી નિંદ્રામાંથી ઠીક જાગી ગયા છો.
અને હવે લાંબા સમય બાદ તમે આ સંસાર-રૂપી અંધારા કૂવામાંથી બહાર નીકળવા ઈચ્છો છો.
અત્યંત વિવેક-વાળી તમારી પવિત્ર બુદ્ધિ બહુ દીપે (ચમકે) છે કે જે અનાયાસે જ મારી ઉપદેશ-વાણીના અર્થને બરાબર ગ્રહણ કરી શકશે.જે કંઈ હવે હું તમને કહું છું,તે "અંગીકાર કરવાને યોગ્ય જ છે" એવી બુદ્ધિ વડે તમે,
તેને સ્વીકારી લેવાને યોગ્ય જ છો,કેમ કે અમે આ બાબતમાં ઘણા લાંબા કાળ સુધી શોધ કરેલી છે.
માટે હવે તેમાં (ઉપદેશ-વાણીમાં) બીજો (વધુ) કશો વધારે "વિચાર" કરવા જેવું નથી.

જે કંઈ અહંકાર-વગેરે તમારા હૃદયની અંદર "દૃશ્ય-રૂપે" જોવામાં આવે છે,તે-રૂપ તમે નથી.
"દૃશ્ય-પદાર્થ-માત્રમાં,કંઇક આત્મા જેવું છે,તે શોધી મારે તેને પ્રાપ્ત થવું છે" એવા વિચારથી,ઘણા લાંબા કાળ સુધી,તમે દૃશ્ય-પદાર્થની અંદર શોધ કર્યા છતાં પણ,તમે કે જે પોતે જ "એક આત્મ-રૂપ છો,અને સાક્ષી-રૂપે સર્વથી જુદા છો"---તે --"આત્મા" ને તમે તે (બગરાબા) "દૃશ્ય-વર્ગ" માં ખોળી શકતા નથી.
માટે દૃશ્ય-પદાર્થના અજ્ઞાનને મૂકી દઈ,સર્વના સાક્ષી-રૂપ શુદ્ધ આત્માને તમે ઓળખી લો.

"હું પણ નથી,તમે પણ નથી અને આ જગત પણ નથી"એવો તમે નિશ્ચય બાંધશો,એટલે,સર્વ-પરમ-મંગલ-રૂપ,
એક જ બ્રહ્મભાવ-જ- થઈને રહેશે કે જે તમને સુખ-કે દુઃખ,એ બંનેમાંથી કશું ઉત્પન્ન કરશે નહિ.
શું અજ્ઞાનથી જગત ઉત્પન્ન થયેલ છે? અથવા શું અજ્ઞાન જ જગતથી ઉત્પન્ન થયેલ છે?
આ વિષે વિચાર કરતાં,એ બંનેનું (બ્રહ્મ-ભાવે) એક-રૂપ-પણું હોવાથી,તે બરાબર જાણી શકાતું નથી.

જે કંઈ આ દૃશ્ય-રૂપે ભાસે છે,તે "અધ્યારોપ" (જગત) ની દૃષ્ટિએ જોઈએ - તો,
અજ્ઞાનનો નાશ થઇ જતાં (તે દૃશ્ય) ,બાધિત થઇ જવાથી તે (દૃશ્ય) કંઈ પણ નથી (મિથ્યા છે) અને
"અધિષ્ઠાન" (બ્રહ્મ) ની દૃષ્ટિએ જોઈએ તો,જે કંઈ છે તે (દૃશ્ય) બ્રહ્મ-રૂપ જ છે.
ઝાંઝવાના જળની પેઠે આ જગત સાવ મિથ્યા હોવાથી તે છે જ નહિ,અને જો કંઈ છે તે (જગત કે-દૃશ્ય),
તમે કે જે બ્રહ્મ-રૂપ જ છો,તેનો જ એ સઘળો "વિવર્ત" છે.

   PREVIOUS PAGE          
        NEXT PAGE       
      INDEX PAGE