Sep 5, 2017

Yog-Vasishth-Gujarati-યોગવાસિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-910

આંખ ઉઘાડતાં જેમ,જગત દેખાય છે-તે-
ચેતન તત્વની સત્તા જ વાસના વડે વિકસિત થઇ જગત-રૂપે થઇ ગયેલી જોવામાં આવે છે,
અને આંખ બંધ થઇ જતાં જેમ,કશું દેખાતું નથી,તેમ,વાસનારહિત થયેલી ચિત્ત-સત્તાને
(યોગ દ્વારા) સમેટી લેવામાં આવે-તો જગત-આદિ કશું ના દેખાતું નથી (પરમપદ-અવસ્થા)
અને ત્યારે,નામ-રૂપથી રહિત સર્વ-વ્યાપી એક પરમ-તત્વ જ બાકી રહે છે.

જે દૃશ્ય-રૂપે જોવામાં આવે છે,તે સર્વ નાશ પામી જઈ વળી પાછું પુનર્જન્મને પ્રાપ્ત થાય છે,
પરંતુ જે નાશ પામતું નથી,અને ઉત્પન્ન પણ નથી થતું,એ જ તત્વ સત્ય છે.અને એ જ તમારું પોતાનું સ્વરૂપ છે.
આ જગતની ભ્રાંતિ-કે જે સાવ નિર્મૂળ છે,તે જ્ઞાન થયા પછી,તેની શોધ કરવા છતાં પણ જોવામાં આવતી નથી.
અને જન્મ-મારાં આદિ-સંસાર-રૂપ અંકુરને પેદા પણ કરી શકતી  નથી.

સત્ય-આત્મ-સ્વ-રૂપનો બરાબર અનુભવ થવાથી નષ્ટ થઇ ગયેલી "હું અમુક દેવ-આદિ-રૂપ છું"
એવી અહંકારની ભાવના જીવનમુક્ત પુરુષોમાં  (કદીક)"આભાસ-રૂપે" દેખાય છે-તો પણ,
જેમ,ભૂંજાઈ ગયેલું બીજ ફરી અંકુર પેદા કરવાને સમર્થ થતું નથી,
તેમ જ્ઞાન વડે નિર્મૂળ થયેલી તે વાસના,જન્મ-મરણ-આદિ સંસાર-રૂપ અંકુરને ફરી ઉત્પન્ન કરી શકતી નથી.
રાગ-દ્વેષથી રહિત થયેલો,સંસારથી મુક્ત થયેલો,સંકલ્પ-આદિ માનસિક-ધર્મથી રહિત થયેલો,
અને અક્ષય-મોક્ષ-પદને પ્રાપ્ત થઇ ગયેલો,જીવનમુક્ત પુરુષ,ભલે કર્મો કરે કે ના કરે,
તે તો નિરંતર પોતાના સ્વરૂપમાં જ સ્થિર રહેલો હોય છે.

જે યોગી પુરુષો હઠયોગના અભ્યાસ વડે શાંતિ મેળવવા મથે છે,તેઓ પણ ચિત્તની શાંતિ થયા પછી,જ સારી રીતે શાંતિને પ્રાપ્ત થાય છે,કેમકે ભોગોમાં લપટાવનારી તેમની ભોગવાસનાઓ મૂળમાંથી છેદાઈ જાય પછી જ શાંતિ પ્રાપ્ત થાય છે.અને ચિત્ત એ જ સર્વ વાસનાઓની ખાણ રૂપ છે.અને તે ચિત્ત જ્ઞાન થતાં સુધી કાયમ રહે જ છે.

ખરી રીતે જીવ,દેહ-આદિ આકારથી રહિત છે,ચૈતન્ય છે અને પ્રકાશ-રૂપ છે,તે (જીવ) ની પરબ્રહ્મ સાથે,
એકતા કરવા જઈએ તો તે યોગ્ય જ છે.જો કે તે (જીવ) અનાદિ-અવિદ્યાને લીધે (બ્રહ્મ) થી જુદા જેવો ભાસે છે,
પરંતુ તેનું અંદરનું શુદ્ધ સ્વરૂપ વિચારતાં  તે બ્રહ્મથી જરા પણ જુદો નથી.
તે (જીવ) પોતાના શુદ્ધ સ્વરૂપનો વિચાર કરે,તો તે કેવળ પ્રકાશ-રૂપ અને આવરણથી રહિત થઇ જાય છે.

અનંત અને અસ્ફુટ-પણે સર્વ "શક્તિ-રૂપી-સુગંધ"ને ધારણ કરી રહેલ,ચિદાકાશ(બ્રહ્મ)રૂપી-કપૂર,
પોતાની અંદર "માયા" વડે,જે કંઈ ચમત્કાર ઉત્પન્ન કરે છે,તે જ આ જગત-રૂપે જોવામાં આવે છે.
આમ,જીવનમુક્ત પુરુષોની દૃષ્ટિમાં,આ જગત ભ્રાંતિ વિનાનું અને પ્રકાશમય અને બ્રહ્મ-રૂપ જ છે.
જયારે અજ્ઞાનીની દૃષ્ટિ માં,આ જગત,ઈશ્વરી નિયમ પ્રમાણે,પ્રારબ્ધ આદિની વ્યવસ્થા પ્રમાણે અને
જીવોની ભોગ-વાસના અનુસાર ઈશ્વરમાંથી ઉત્પન્ન થઈને આકાશની અંદર ખડું થઇ રહેલું હોય છે.
   PREVIOUS PAGE          
        NEXT PAGE       
      INDEX PAGE