Nov 22, 2017

Yog-Vasishth-Gujarati-યોગવાસિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-988

"અનેક પ્રકારે વધેલું,જે કંઈ આ સ્થાવર-જંગમ-જગત દેખાય છે,તે સર્વ પ્રલય-કાળમાં અવશ્ય નાશ પામે છે,એમાં કોઈ અટકાવ કરી શકે તેમ નથી.આમ જો જગતનો નાશ સિદ્ધ થાય તો-જગતનું "બ્રહ્મ-પણું" સંભવતું નથી.કેમ કે જો જગતને જો બ્રહ્મ-રૂપે ગણવામાં આવે તો,જગતના નાશ સાથે તેનો પણ નાશ થાય,અને તેથી તે બ્રહ્મ અવિનાશી-અનંત અને સત્તા-વાળું છે એમ કહી શકાય નહિ.મદિરાના કણોમાં જેમ મદ-"શક્તિ" રહી છે તેમ,પૃથ્વી-આદિ જડ-મહાભૂતોમાં ચૈતન્ય નામની એક શક્તિ રહી છે" એવો ચાર્વાકનો (નાસ્તિક) વાદ છે.

પણ,તે આપણા આસ્તિકો આગળ ઉભો રહી શકતો નથી.આપણા (આસ્તિક અને અદ્વૈત) મતમાં તો,
દેહ-સિદ્ધિ,એ અંદર રહેલા વિજ્ઞાન (આત્મા) ને અધીન છે,માટે સ્વપ્ન-દેહની પેઠે જાગ્રત (દેખાતો) દેહ પણ
આભાસ-માત્ર જ છે અને તાત્વિક દૃષ્ટિએ (ઝાંઝવાના જળની જેમ) છે જ નહિ.

આ જગત,નાશ પામી જાય છે-માટે તે બ્રહ્મ-રૂપ નથી-એમ પણ નથી કે બ્રહ્મથી જુદું છે એમ પણ નથી,પણ,
"તે જગત તો અનિર્વચનીય (બ્રહ્મ-રૂપ) પણ છે અને અવિદ્યા (અજ્ઞાન કે માયા) રૂપ પણ છે"
એમ માનવાથી બ્રહ્મ-વિદ્યા (બ્રહ્મ-જ્ઞાન) વડે તે જગતનો બાધ (નાશ) થઇ જતાં,શાસ્ત્રની વાત કાયમ રહે છે.
અને એ જ યોગ્ય છે.બીજી બધી વાત (કે વાદ-જેમ કે નાસ્તિક-વાદ) બરાબર બંધ-બેસતી થતી નથી.

જે સૃષ્ટિ (જગત) પ્રલયકાળમાં એક વખત નાશ પામી હોય,તેની તે જ સૃષ્ટિ પાછી ઉત્પન્ન થાય-
એ વાત અસંભવિત છે,કેમ કે જેનો નાશ થઇ ગયો હોય-તેનો પાછા ઉત્પન્ન થવાનો સંભવ શી રીતે ઘટી શકે?
વળી,તેની તે જ સૃષ્ટિ ઉત્પન્ન થઇ કે બીજી સૃષ્ટિ ઉત્પન્ન થઇ?એ વિષે પણ કોઈ પાકો નિર્ણય થઇ શકતો નથી!!
માટે જ તે સૃષ્ટિ અનિર્વચનીય (બ્રહ્મ-રૂપ) છે-તે વાત જ અમારા વિચાર પ્રમાણે વધારે યોગ્ય લાગે છે,
કેમ કે અમે (વશિષ્ઠ-વગેરે જ્ઞાનીઓ) "અનુભવ"ને અનુસરીને ચાલનારા છીએ.(તર્કને અનુસરીને નહિ)

"(સૃષ્ટિના) અવયવવાળા પદાર્થો (જેમ કે દેહ-વગેરે)જ,પ્રલયકાળમાં અવયવરહિત-આકાશરૂપે થઇ રહ્યા હતા"
એ વાત પણ અસત્ય લાગે છે-કેમ કે-અવયવવાળા પદાર્થો અવયવ-રહિત રૂપે શી રીતે રહી શકે?
પણ (કદાચિત) "એ અવયવવાળા પદાર્થો,પ્રલય-કાળમાં અવયવ-રહિત આકાશ-ભાવને પ્રાપ્ત થયા છતાં,
પોતાની પૂર્વ અવસ્થા (અવયવ-વાળીને આકાશ-રૂપે) ને ધારણ કરી રહ્યા હતા" એમ માનીએ તો-
પ્રલયકાળમાં પણ તેમના અવયવ-પણાનો નાશ થતો નથી-એમ સિદ્ધ થાય છે.

હવે,પ્રલય અને સૃષ્ટિ-એ બંને એકબીજામાંથી એકબીજાની ઉત્પત્તિ થવાથી,તેઓ કાર્ય-કારણના જેવાં પરસ્પર (એક-રૂપ) થઈને રહ્યા છે-તેમ જો બંનેનું એક-રૂપ-પણું સ્વીકારવામાં આવે તો-
"કાર્ય-કારણ" નો "ભેદ" ઉડી જાય છે અને તેથી અમારા સિદ્ધાંતમાં સ્વીકારેલો "અદ્વૈત-વાદ" જ સિદ્ધ થાય છે.

જે પદાર્થ (જગત) દેખવામાં આવતો હોય,છતાં તત્વ-વિચાર વડે જે શૂન્યતાને પ્રાપ્ત થઇ જાય એ નષ્ટ જ છે-
એમ તમે સમજો, કેમ કે દેખાતા છતાં તે સ્વપ્નમાં દેખાતા પદાર્થ ની જેમ છે જ નહિ.(તેનો નાશ જ છે!!)
એટલે આ સિવાય બીજું કોઈ નાશનું સ્વરૂપ તમે વિચારતા હો -તો ભલે સુખથી તેમ વિચારો !! (કે કહો!!)
   PREVIOUS PAGE          
        NEXT PAGE       
      INDEX PAGE