Dec 4, 2017

Yog-Vasishth-Gujarati-યોગવાસિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-1000

વસિષ્ઠ કહે છે કે-હું જયારે ધ્યાનમાંથી જાગ્યો ત્યારે અસ્પષ્ટ પદ અને અક્ષર-વાળો,તથા હૃદયને મનોહર લાગે તેવો,શબ્દ મારા સંભાળવામાં આવ્યો.એ શબ્દ જાણે સ્ત્રીના કંઠમાંથી ઉત્પન્ન થયો હોય,તેમ તે કોમળ,મધુર અને રણકતો હતો.એ શબ્દ બોલનારની શોધ કરવા માટે હું ચોતરફ વિસ્મયપૂર્વક જોવા લાગ્યો.અને મનમાં વિચાર કરવા લાગ્યો કે-"આકાશનો આ ભાગ ઘણે જ દુર રહેલો છે,ને જે સિદ્ધ પુરુષોનો પણ સંચાર-માર્ગ નથી,તો આવા એકાંત સ્થાનમાં સ્ત્રીના શબ્દનો અહી સંભવ ક્યાંથી હોઈ શકે?"

એ પ્રમાણે વિચાર કરી,મેં વારંવાર ચારે બાજુ જોવા માંડ્યું,છતાં કોઈ શબ્દ બોલનાર જોવામાં આવ્યું નહિ,
એટલે મેં પાછો મનમાં વિચાર કર્યો કે-"હું ચિદાકાશરૂપ થઇ જઈને આકાશની સાથે એકતાને પ્રાપ્ત થઇ જાઉં,
જેથી આકાશની અંદર રહેલાં તથા આકાશના ગુણ-રૂપ એવા શબ્દના અર્થનો અનુભવ કરી શકીશ"
પછી દેહાનુસંધાનને છોડી દેવા મેં પદ્માસન વાળ્યું.ફરીવાર હું આંખો મીંચી દઈ સમાધિ ચડાવવામાં તત્પર થયો.

ઇન્દ્રિયો દ્વારા થનારા બાહ્ય-વિષયોના સંબંધને મેં વૃત્તિ-વિરોધ વડે છોડી દીધા,તેમ જ અંદર મનન-આદિ-રૂપે થયા કરતા માનસિક વિષયોનો પણ ત્યાગ કર્યો.એમ હું ચિદાત્માના એક સ્ફુરણ-રૂપ-ચિદાકાશરૂપ થઇ ગયો.
પછી એ ભાવને પણ છોડી દઈ,મેં બુદ્ધિ-તત્વમાં સ્થિતિ રાખી,પછી તેનો પણ ત્યાગ કરી હું ચિદાકાશની અંદર સ્થિર થઈને રહ્યો.ત્યાં હું અંદર પ્રતિબિમ્બિત થઇ રહેલા જગતનો ચિતાર આપવામાં એક અરીસા જેવો થઇ ગયો.

પછી જળ જેમ જળની અંદર મળી જાય છે તેમ,પંચમહાભૂતો પૈકીના એક આકાશની સાથે હું મળી ગયો.
ને એ મહાકાશની અંદર સર્વત્ર વ્યાપીને અનંત અને સર્વ-વ્યાપી થઇ ગયો.
નિરાકાર હોવા છતાં,અસંગપણા ને અદ્વૈતપણાના લીધે કશાના આધારરૂપ નહિ હોવા છતાં,
સર્વના આધારરૂપ એવા આકાશની સાથે અભેદ થઇ જવાને લીધે,હું સર્વ પદાર્થોના આધારરૂપ થઇ રહ્યો.
મેં તે આકાશની અંદર અગણિત એવા સેંકડો સંસારો,બ્રહ્માંડો અને ત્રૈલોક્યના સમૂહો દીઠાં.એ સર્વ બ્રહ્માંડો એકબીજાની દૃષ્ટિમાં નિર્મળ આકાશરૂપ જ હતાં,તેથી પરસ્પર જોવામાં આવતાં નહોતાં.(શૂન્યરૂપ જ હતાં)

એ સર્વ બ્રહ્માંડની રચના મોટા આરંભોવાળી હોવા છતાં,એકબીજાને જોવામાં ન આવવાથી,એકબીજાની દૃષ્ટિએ શૂન્ય જેવી જ હતી.તે બ્રહ્માંડની રચનાઓ ઉત્પન્ન થઈને નાશ પામી જતી હતી અને વારંવાર વધતી જતી હતી.
તે બ્રહ્માંડની રચનાઓ વર્તમાનમાં પણ છે,ભૂતકાળમાં પણ થઇ ગયેલ છે અને ભવિષ્યમાં પણ થશે.

મહા-ચિદાકાશ-રૂપી-ભીંતની અંદર આલેખાયેલ ચિત્રોની જેમ તે જોવામાં આવતી હતી,
પરંતુ તત્વ-દૃષ્ટિથી જોતાં,તે નિરાધાર (પાયા ) અને આકાશરૂપ જ હતી.
જુદા જુદા સ્વભાવનાં પ્રાણીઓએ પોતાના મન વડે (મનોમય-રૂપે) કલ્પીને રચી લીધેલાં
મોટાં રાજ્યોની જેમ જ તે બ્રહ્માંડની રચના મન વડે જ કલ્પી લીધેલી હતી.
   PREVIOUS PAGE          
        NEXT PAGE       
      INDEX PAGE