Dec 3, 2017

Yog-Vasishth-Gujarati-યોગવાસિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-999

વસિષ્ઠ કહે છે કે-પરબ્રહ્મ,સદાકાળ,સર્વ-રૂપે સર્વ ઠેકાણે રહેલું છે-એ વિષયનું પ્રતિપાદન કરવામાં મેં તે પાષાણ-આખ્યાન,એક દૃષ્ટાંત-રૂપે કહેલું છે.છિદ્ર વગરના એક ઘટ્ટ અવયવ-વાળા પાષાણની અંદર પણ,રહેલા ચિદાકાશમાં પણ હજારો સૃષ્ટિઓ રહેલી છે,એ વાત મેં તમને પાષાણ-આખ્યાન વડે સુચવેલી છે.પંચમહાભૂતોના અને સર્વ પ્રાણીમાત્રના અધિષ્ઠાન-રૂપ આ મહાચિદાકાશ,પોતાના આકાશના જેવા શૂન્ય-રૂપને છોડ્યા વિના જ પોતાના સ્વરૂપની અંદર જ રહેલું છે,તેની અંદર હજારો સૃષ્ટિઓ વિવર્ત-રૂપે રહી છે.એ વાત એ પાષાણ-આખ્યાન વડે બતાવવાનો હેતુ છે.

રામ કહે છે કે-હે મહારાજ,જો આપ કહો છો,કે ભીંત (પાષાણ) આદિની અંદર રહેલા,
ચિદાકાશમાં સૃષ્ટિના સમૂહો રહેલા છે,તો પછી શુદ્ધ ચિદાકાશમાં જ એ સર્વ રહેલ છે-એમ શા માટે નથી કહેતા?

વસિષ્ઠ કહે છે કે-હે રામચંદ્રજી,તમે જે કહો છો,તે સત્ય જ છે,અને તે વિષે મેં પ્રથમ કહેલ જ છે.
દૃશ્ય-જગતની જે પ્રતીતિ થાય છે,તે બ્રહ્મ જ પોતાના શુદ્ધ સ્વરૂપની અંદર વિવર્ત-ભાવથી તેવે-રૂપે થઇ રહેલ છે.
આરોપ-દૃષ્ટિથી જોતાં,પૃથ્વી,તેજ,વાયુ,જળ,આકાશ-વગેરેમાં તથા  હિરણ્યગર્ભમાં પણ એક અણુમાત્ર એવો નથી કે જે સૃષ્ટિથી ખીચોખીચ ભરેલો ના હોય, એમ આરોપ-દૃષ્ટિથી સૃષ્ટિ સર્વત્ર છે અને અપવાદ-દૃષ્ટિથી જોતાં
તે સૃષ્ટિ વિદ્યમાન જ નથી,અને જે કંઈ આ સૃષ્ટિ-રૂપે જોવામાં આવે છે,તે ચિદાકાશ-રૂપ (બ્રહ્મ-રૂપ) જ છે.

આથી બ્રહ્મ અને સૃષ્ટિ-એ બંનેનો ભેદ કેવળ કહેવામાત્ર જ છે.જેમ અગ્નિની અને સૂર્યની ઉષ્ણતામાં
કોઈ ફરક નથી,તેમ એ બંનેમાં કોઈ ભેદ નથી.અમુક સૃષ્ટિ છે અને અમુક બ્રહ્મ છે-એવી કલ્પના
પરબ્રહ્મની અંદર આરોપિત-રૂપે પ્રતીતિમાં આવે છે,બાકી તત્વ-દૃષ્ટિએ જોતાં,એ સર્વ શબ્દ-રચના નિરર્થક છે.
જ્યાં દ્વિત્વ અને એકત્વ-આદિ વિકલ્પનો લેશમાત્ર સંભવ નથી,
ત્યાં સૃષ્ટિ-બ્રહ્મ આદિ શબ્દો અને તેના અર્થો કેવી રીતે સંભવે ? કોને સંભવે? અને તેનું સ્વરૂપ વળી કેવું હોય?

હે રામચંદ્રજી,જેમ,મનુષ્યના હૃદયની અંદર સ્વપ્નમાં દેખાતો વ્યવહારોનો સમૂહ,જાગી ગયા પછી પણ સ્મૃતિ-રૂપે આભાસ-માત્ર જોવામાં આવે છે,તેમ,આ સર્વ જગત પણ આભાસમાત્ર જોવામાં આવે છે.બાકી તે બધું ઉપાધિ-માત્રથી રહિત શુદ્ધ ચિદાકાશ-રૂપ જ છે-એમ તમે સમજો અને જ્ઞાન-દૃષ્ટિથી તેનું અવલોકન કરો.

(૫૯) વસિષ્ઠને અનંત જગતની પ્રતીતિ

રામ કહે છે કે-આકાશ-રૂપી (કલ્પિત) કોટડીની અંદર,સેંકડો વર્ષોને અંતે તમે ધ્યાનમાંથી જાગ્યા,પછી શું બન્યું?
   PREVIOUS PAGE          
        NEXT PAGE       
      INDEX PAGE