Dec 2, 2017

Yog-Vasishth-Gujarati-યોગવાસિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-998

એ સર્વ-શક્તિમાન પરબ્રહ્મ,સંકલ્પ વડે જેવું જેવું પોતાનું રૂપ પ્રસારવા ધારે છે,તેવા તેવા રૂપે તે પોતાના વાસ્તવ-શુદ્ધ-સ્વરૂપને છોડ્યા વિના થઇ જાય છે.જેમ સ્વપ્નની અંદર દેખવામાં આવતું નગર,મનુષ્યની અંદર રહેલા ચિદાત્માનો જ એક વિલાસ છે,તેમ સૃષ્ટિના આદિકાળમાં સૃષ્ટિ પણ શુદ્ધ ચૈતન્યનો વિલાસ જ છે.
તે ચિદાકાશ(પરબ્રહ્મ) પોતાની ભાવનાને લીધે સ્વરૂપમાંથી ભ્રષ્ટ થયા વિના વિવર્ત-ભાવથી સૃષ્ટિ-આકારે ભાસે છે.

"ભાવનાનો વિષય,ભાવના કરનાર અને ભાવના-એ ત્રિપુટીની સ્થિતિ પણ સ્વચ્છ ચિદાકાશ-રૂપ છે,
અને તે ચિદાકાશ જ પોતાની અંદર,એ સર્વના રૂપે થઇ રહેલું છે" આવો જયારે દૃઢ નિશ્ચય થાય
ત્યારે પછી સૃષ્ટિ પણ ક્યાંથી રહી? અવિદ્યા પણ ક્યાંથી રહી? અને અજ્ઞાન પણ ક્યાંથી રહ્યું?
અને જયારે સર્વ,શાંત-એક-રસમય-બ્રહ્મરૂપ જ છે-તો પછી અહંકાર-આદિ પણ ક્યાંથી રહ્યાં?

આમ,અહંકારની શાંતિનો ઉપાય મેં તમને કહી બતાવ્યો.અહંકારનું સ્વરૂપ જાણવામાં આવે,એટલે તે
મિથ્યા જણાયાથી,તે અહંકાર શમી જાય છે.આ અહંકારનું સ્વરૂપ પૂર્ણ-રીતે મારા જાણવામાં આવી ગયું છે,
એટલે,પછી ભલે એ મારો અહંકાર આભાસ-રૂપે વિદ્યમાન રહ્યો હોય,પણ તે નિષ્ફળ જ છે.
હું સમાધિ-કાળમાં  અહંકારના ત્યાગમાં અને વ્યવહાર-કાળમાં અહંકારના સ્વીકારમાં સમાન જ રહું છું.
અહંકાર મારો નથી અને હું અહંકારનો નથી.સૃષ્ટિ ભલે હો કે ના હો,મારી સ્થિતિ સમાન જ રહે છે.
આમ  આ સર્વ એકરસ-રૂપ થઇ ચિદાકાશ-રૂપ જ છે-એમ તમે સમજો.
જેવી રીતે આ મારો નિશ્ચય છે-તેવો જ બીજા જ્ઞાનીઓનો પણ નિશ્ચય છે.

પોતાના આત્મ-સ્વરૂપમાં સૃષ્ટિ,અહંકાર-આદિની ભ્રાંતિ હોતી નથી."હું નથી,કોઈ બીજા પણ નથી અને આ સર્વ પણ નથી"આવો નિશ્ચય રાખીને તમે પ્રાકૃત વ્યવહાર કરતા રહો,અને શિલાના જેવું મૌન ધારણ કરીને રહો.તમે ઘણા લાંબા કાળ સુધી મનન-આદિ સર્વ વડે સર્વ ભાવોનો નિષેધ કરો અને આકાશના અંદરના ભાગ જેવા શુદ્ધ સ્વરૂપ-વાળા થઈને શિલાના જેવા નિરવકાશ જેવા થઈને રહો."સર્વ દૃશ્ય (જગત) છે જ નહિ"
એમ તત્વજ્ઞાન વડે જાણવામાં  આવે છે ત્યારે સર્વ પરમ-મંગલ-પરમાત્મા-રૂપ જ સિદ્ધ થાય છે.

(૫૮) સૃષ્ટિ છે અને નથી

રામ કહે છે કે-હે મહારાજ,આપે મને ફરીવાર,વિસ્તારવાળી,ઉદાર,નિર્મળ,વિશાળ,અચળ અને મોક્ષદાયિની જ્ઞાન-દૃષ્ટિ બતાવી,કે જેથી,સર્વ,સર્વ ઠેકાણે,સર્વથા,સદ-રૂપે રહેલ છે અને સર્વત્ર સદાકાળ સર્વ સદ-રૂપે છે-
એ વિષય અનુભવ વડે વિચારી જોતાં સત્ય લાગે છે,અને સર્વ પરબ્રહ્મ સાથે એકરસ-રૂપ છે એમ જણાય છે.
પરંતુ મારા મનમાં એક સંશય છે કે-આપે જે મને પાષાણ-આખ્યાન વિષે કહ્યું -તેથી શું કહેવા માગો છો?
   PREVIOUS PAGE          
        NEXT PAGE       
      INDEX PAGE