Dec 10, 2017

Yog-Vasishth-Gujarati-યોગવાસિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-1006

વસિષ્ઠ કહે છે કે-હે રામચંદ્રજી,તમને કદાચ પ્રશ્ન થાય કે-સ્વપ્નમાં દૃશ્યની શોભા ક્યાંથી હોય? અને શા હેતુથી તે (દૃશ્ય) જોવામાં આવે છે? તો તે પ્રશ્ન અયોગ્ય જ છે,કેમ કે -"અનુભવની બાબતનો હેતુ" અનુભવ સિવાય બીજો કોઈ નથી.વળી,જો કોઈ "સ્વપ્ન કેમ આવે છે?" એમ તે "સ્વપ્નનો હેતુ" પૂછવા માંડે તો-તેને "જેમ તમે દૃશ્ય દેખો અને તેનો તમને અનુભવ થાય તેમ-તે સ્વપ્નનો હેતુ (સ્વપ્નમાં દેખાયેલનો અનુભવ) છે " એટલો જ માત્ર હેતુ બતાવી શકાય,બીજો કશો પણ-સ્વપ્નનો હેતુ- બતાવી શકાય નહિ.

જેમ,સ્વપ્નનો મનુષ્ય,એ ચિદાકાશની અંદર વિવર્તરૂપે પ્રતીતિમાં આવતું એક ચિદાકાશ જ છે અને ચિદાકાશ જ તે સ્વપ્નના મનુષ્યની જેમ પ્રતીતિમાં આવે છે,તેમ,પ્રથમ સૃષ્ટિના આરંભકાળથી માંડીને ચિદાકાશ જ પોતાના સ્વરૂપની અંદર વિવર્ત-રૂપે વિરાટના આકારે પ્રતીતિમાં આવે છે,એ બંનેનો આધાર અને આધેયનો ભાવ પરસ્પર અપેક્ષા રાખનારો છે.આ સર્વ તમને સમજાવવા માટે હું "સ્વપ્ન" શબ્દ વડે (તમારી સાથે) વ્યવહાર કરું છું,
પરંતુ વાસ્તવિક રીતે (વસ્તુતઃ) આ દૃશ્ય  (જગત) બાધિત થઇ જવાથી તે સત્ય પણ નથી
અને પ્રતીતિમાં આવતું હોવાથી સાવ અસત્ય કે સ્વપ્ન-તુલ્ય પણ નથી,પરંતુ તે કેવળ બ્રહ્મ-રૂપ જ છે.

જાગ્રત-આદિ અવસ્થામાં પરોવાઈ રહેલો જીવાત્મા-એ સ્વપ્ન-રૂપે વિવર્ત-ભાવને પામે છે એટલે સ્વપ્ન નામથી કહેવાય છે,અને સૃષ્ટિના આદિ-કાળમાં રહેલો ચિદાત્મા જગત-રૂપે વિવર્તભાવને પામે,એટલે જગત નામે કહેવાય છે.આમ,આ જગતનો પ્રપંચ,એ એક આત્માના સ્વપ્ન જેવો છે.સ્વપ્નનો દૃષ્ટા તો તમે-વગેરે (વાસનાના યોગે આકારને ધારણ કરી રહેલ) મનુષ્ય છો,તેમ,સૃષ્ટિ-રૂપી સ્વપ્નનો દૃષ્ટા તો ચિદાકાશ જ છે કે જે સદાકાળ શુદ્ધ છે,
નિરાકાર છે.આથી તે ચિદાકાશના હૃદયમાં જે સ્વપ્ન આપોઆપ સ્ફૂરી આવે તેનો જન્મ ક્યાંથી સંભવે?
અસત્ય જગત વડે પરમ તત્વને સાકાર-પણું ક્યાંથી હોઈ શકે?

તમારા જેવા "સાકાર-પુરુષ"ને સ્વપ્નની અંદર જે સૃષ્ટિ જોવામાં આવે છે,તે જો સાવ મિથ્યા જ છે અને નિર્મળ ચિદાકાશરૂપ જ છે,તો,પછી નિરાકાર ચિદાકાશના સ્વપ્નરૂપ-આ સૃષ્ટિ કેમ મિથ્યા ના હોય?
વસ્તુતઃ ચિદાકાશે આ જગતરૂપી સ્વપ્ન રચેલું જ નથી,છતાં ચિદાકાશ પોતે કોઈ સાધન-સંપત્તિ વિના,
અને કોઈ પણ આધાર વિના કેવળ પોતાના સ્વરૂપમાં જ જાણે છે અને તેને પોતે રચ્યું હોય તેમ દેખે છે.

હિરણ્યગર્ભ-રૂપી બ્રાહ્મણે (બ્રહ્માએ) ચિદાકાશ-રૂપી-કોમળ માટી વડે,ચિદાકાશની અંદર ઇન્દ્રિયોના છિદ્રો-રૂપી ગોખો-વાળો (દેહ-આદિનો) સૃષ્ટિ-રૂપી માંડવો બનાવેલો છે,તો પણ વસ્તુતઃ તો બનાવેલો જ નથી.
એટલે કર્તાપણું પણ નથી,જગતો પણ નથી,ભોક્તાપણું પણ નથી,તેમ કશું પણ નથી,
સર્વનો અભાવ છે-એમ પણ નથી,તો ચિન્માત્ર તત્વ સિવાય બીજું કશું છે-તેમ પણ નથી.

માટે તમે એ સર્વના સાક્ષી-રૂપ-ચૈતન્ય થઇ રહી,પાષાણની જેમ મૌનનો આશ્રય કરી,બહાર સંસારના પ્રવાહ પ્રમાણે  (પ્રારબ્ધ-વશ આવી પડેલા વ્યવહારો,પ્રારબ્ધ-ક્ષય થાય ત્યાં સુધી) સુખથી આચરણ કર્યે જાઓ.
   PREVIOUS PAGE          
        NEXT PAGE       
      INDEX PAGE