Dec 16, 2017

Yog-Vasishth-Gujarati-યોગવાસિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-1012

(૬૬)શિલાગર્ભમાં જગત-વિસ્તાર
વસિષ્ઠ કહે છે કે-આકાશની અંદર કલ્પિત (સંકલ્પથી રચિત) આસન પર બેઠેલી,
તે વિદ્યાધરીને પૂછ્યું કે-હે બાલા,તારા જેવા સ્થૂળ દેહ-વાળા પ્રાણીઓની સ્થિતિ શિલાના ઉદરમાં શી રીતે થઇ શકે?
એમાં હલનચલન શી રીતે થઇ શકે? શા માટે તેં એવા સ્થાનમાં ઘર બાંધ્યું?


વિદ્યાધરી કહે છે કે-હે મહારાજ,જેવી રીતે તમારું આ (સંકલ્પિત) વિશાળ જગત દીપી રહ્યું છે,તેવું અમારું જગત પણ
અનેક સૃષ્ટિઓ અને સંસારો સાથે જોડીને એ શિલાની અંદર (સંકલ્પિત રીતે) દીપી રહ્યું છે. તેમાં પણ પાતાલલોક છે,પૃથ્વીલોક છે.પર્વતો,આકાશ,જળ વગેરે પણ છે અને તેની અંદર પ્રાણીઓ સંચાર કરે છે,અને અહીંની જેમ જ પ્રાણીઓ નિરંતર ઉત્પન્ન અને નાશને પામ્યા કરે છે.

વળી અહીંની જેમ જ,અમારા જગતમાં (શિલાના ઉદરમાં) પણ પાતાળમાં રહેનારો પ્રાણીઓનો સમૂહ પાતાળમાં
પ્રવેશ કરે છે,આકાશમાં વસવા યોગ્ય આકાશમાં પ્રવેશ કરે છે,તો બીજા કેટલાંક જીવો,દિશાઓના મંડળમાં ચારે બાજુ
ભમતા રહે છે,અને પવનની ગતિના ક્રમ પ્રમાણે પર્વતો અને મહાસાગરની અંદર ઘૂમ્યા કરે છે.

(૬૭) અભ્યાસથી સર્વ થઇ શકે છે

વિદ્યાધરી કહે છે કે-હે મહારાજ,આપને મારા કહેવા ઉપર કંઈ સંશય રહતો હોય,
તો આપ પોતે કૃપા કરીને અમારા જગતને સંપૂર્ણ રીતે જોવા માટે પધારો,
કેમ કે આપ જેવા મહાન પુરુષો,આશ્ચર્યયુક્ત બાબત સાંભળવામાં આવે તો તે જોવામાં અતિ ઉત્સુક હોય છે.

વસિષ્ઠ (રામને) કહે છે કે-વિદ્યાધરીની એ વાતનો મેં સ્વીકાર કર્યો.પછી જેમ પવનના ઝપાટા સાથી સુગંધ ઉડે,
તેમ શૂન્યરૂપધારી એવો હું,તે શૂન્યરૂપધારિણી વિદ્યાધરીની સાથે આકાશમાં ઉડવા લાગ્યો.ઘણા કાળ પછી,
ઉત્તરમાં રહેલા લોકાલોક પર્વતના પૂર્વભાગમાં રહેલાં ધોળાં વાદળોમાંથી ઉતરીને એ વિદ્યાધરી મને,
ઉંચી અને સુવર્ણની બનાવેલી પોતાની શિલાની અંદર લઇ ગઈ.

તે શુભ્ર શિલામાં હું ચોતરફ જોવા લાગ્યો પણ વિદ્યાધરીએ વર્ણવેલ જગત મારા જોવામાં આવ્યું નહિ

ત્યારે મેં તે વિદ્યાધરીને પૂછ્યું કે-તમારી સૃષ્ટિ કઈ જગ્યાએ રહેલી છે? અને તેની અંદર વર્ણવેલા સાત-લોકો,
સૂર્ય,આકાશ,દિશાઓ-વગેરે ક્યાં છે? ત્યારે વિદ્યાધરીએ મને કહ્યું કે-

   PREVIOUS PAGE          
        NEXT PAGE       
      INDEX PAGE