Dec 20, 2017

Yog-Vasishth-Gujarati-યોગવાસિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-1016

જેને સાધારણ મનુષ્યો સુખ માને છે,તેનો ક્ષણમાત્રમાં નાશ થઇ જાય છે-આ વાત અનુભવસિદ્ધ છે.આથી એ માની લીધેલું સુખ,એ કેવળ દુઃખ-રૂપ જ છે,એમ તત્વવેત્તાઓ કહે છે.પરંતુ સ્વભાવથી જ સિદ્ધ,અનાદિ  અને અનંત  જે ખરું પરમાર્થિક આત્મીય સુખ છે,તે જ સાચું સુખ છે.

ચક્ષુ-આદિ ઇન્દ્રિયો વડે અનુભવમાં આવતાં પ્રત્યક્ષ પ્રમાણ,એ સહુ પ્રથમ પ્રત્યક્ષ અનુભવ વડે વિચારવાં.ત્રણે લોકનો અનુભવ કરાવનાર પ્રત્યક્ષ ચૈતન્ય-તત્વને છોડી દઈ,જે પુરુષ આ લોક-સંબંધી માયામય પ્રત્યક્ષ (જગત) ને જ કેવળ વળગી રહે છે-તેના જેવો આ જગતમાં બીજો કોઈ મૂર્ખ નથી.

આ સર્વ પ્રાણીઓનું આતિવાહિક શરીર જ હોય છે,તેની અંદર આધિભૌતિકપણાની જે પ્રતીતિ થાય છે,
તે પિશાચની જેમ સાવ અસત્ય-રુપે જ પેસી ગયેલી છે.
પ્રત્યક્ષ પ્રમાણ,એ સંકલ્પને અધીન હોવાથી સંકલ્પમય છે,તો પછી તે વડે જ ખડું થનારું પ્રત્યક્ષ,
કેમ કરીને સત્ય કહી શકાય ? વળી ચક્ષુ આદિ-ઇન્દ્રિયો પોતે સત્ય નથી તો એ "કાર્ય" ને શી રીતે કરી શકે?
આમ જ્યાં પ્રત્યક્ષ-પ્રમાણ જ અસત્ય ઠરે છે,તો પછી બીજું શું સત્ય કહી શકાય તેવું છે?

અને જો "પ્રત્યક્ષ પ્રમાણ"ની સિદ્ધિ પણ પણ ઉડી જાય છે તો બાકીના "અનુમાન-પ્રમાણ"-વગેરેની તો શી વાત કહેવી?
જ્યાં મોટા હાથીઓ ઉપાડવામાં આવતા હોય ત્યાં એક સાધારણ ઘેટાને ઉપાડવાની વાત વિષે શું કહેવાનું હોય?
પ્રત્યક્ષ-આદિ પ્રમાણો જ જો અસિદ્ધ છે,તેથી તે વડે સિદ્ધ થનારી આ સર્વ દૃશ્ય-જાળ કોઈ ઠેકાણે છે જ નહિ.
જે કંઈ આ ચિદાકાશની અંદર તેનાથી અભિન્ન સત્તા-વાળું અને અનિર્વચનીયપણે જુદે રૂપે દેખવામાં આવે છે,
તે ચિદાત્માથી જુદું નથી,પણ સર્વદા એકરસ-રૂપે  રહેલ બ્રહ્મ જ સર્વત્ર ભરપુર છે.

પોતાના ઘરમાં સૂતેલા કોઈ પુરુષને સ્વપ્નમાં જોવામાં આવતો પર્વત વસ્તુતઃ તો શૂન્ય અને ચિદાકાશરૂપ જ છે,
કેમ કે બીજાને તે પર્વત જોવામાં આવતો નથી,તે જ પ્રમાણે શિલાની ભાવનાને લીધે શિલા જોવામાં આવી,
તો પણ તે ચિદાકાશરૂપ જ છે.ચૈતન્ય આત્મા પોતે પરબ્રહ્મરૂપ છે,તે પોતે જ પોતામાં
"આ પર્વત છે-આ આકાશ છે-આ જગત છે" એમ અનેક આકારે ભ્રાંતિને લીધે ભાસ્યા કરે છે.

જેનો આત્મા જ્ઞાનને પ્રાપ્ત થઇ જાય છે,તેને જ આ વાત સમજવામાં આવે છે,બાકી અજ્ઞાનીને તે કોઈ દિવસ
સમજવામાં આવતી જ નથી,કેમ કે જેમ,જે કથાનું શ્રવણ કરે છે,તેને જ કથાના અર્થનું જ્ઞાન થાય છે,
પણ જે કથાનું શ્રવણ ના કરે તેને કોઈ દિવસ પણ તે કથાના અર્થનું જ્ઞાન થઇ શકે નહિ.
સર્વત્ર નિર્બાધ રીતે રહેલા અને યોગીઓને પ્રત્યક્ષ અનુભવમાં આવનારા એ ચૈતન્યસ્વરૂપને જાણ્યા છતાં,
જે મૂઢ પુરુષો અતિ તુચ્છ એવાં બીજાં પ્રત્યક્ષ-આદિ પ્રમાણોનો આશ્રય કરે છે,
તેવા તૃણ જેવા તુચ્છ શઠ પુરુષોનું આપણે કશું પ્રયોજન (કામ) નથી.
   PREVIOUS PAGE          
        NEXT PAGE       
      INDEX PAGE