Dec 21, 2017

Yog-Vasishth-Gujarati-યોગવાસિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-1017

(૬૯) વસિષ્ઠઋષિનો શિલામાં પ્રવેશ

વસિષ્ઠ કહે છે કે-પછી,એ વિદ્યાધરીએ તે શિલાની સૃષ્ટિમાં પ્રવેશ કર્યો અને મેં પણ સંકલ્પ-રૂપે તેની સાથે જ શિલાના
ગર્ભમાં પ્રવેશ કર્યો.પછી એ વિદ્યાધરી સુંદર આકાર ધારણ કરીને બ્રહ્માજીની પાસે બેસી ગઈ.
અને મને કહેવા લાગી કે-હે મહારાજ,આ બ્રહ્મા જ મારા પતિ છે.તે જ મારી રક્ષા કરે છે,અને પોતાના મન વડે પૂર્વે
મને (વાસનાને) તેમણે વિવાહ માટે ઉત્પન્ન કરેલી છે.પણ,આ પુરાણપુરુષે,હું આજ વૃદ્ધાવસ્થાને પ્રાપ્ત થઇ,
છતાં હજી સુધી મારી સાથે વિવાહ કર્યો નથી,આથી મને વૈરાગ્ય ઉપજ્યો છે.

આ મારા પતિ પણ વૈરાગ્યને પામ્યા છે અને તે એવા પરમપદને પામવાને ઈચ્છે છે કે-જ્યાં દૃષ્ટા-દૃશ્ય કે શૂન્યતાપણું નથી.આ જગતની અંદર હમણાં મહાપ્રલયનો સમય આવી ચુક્યો છે,છતાં આ મારા આ પતિ પર્વતના જેવા સ્થિર મૌનને ધારણ કરી ધ્યાનમાં રહ્યા છે અને ધ્યાનમાંથી જાગ્રત થતા નથી.માટે હે મહારાજ,આપ મને અને મારા પતિને બોધ આપો અને સર્વ સૃષ્ટિઓના મૂળરૂપ એવા પરમપદ-રૂપી ઉત્તમ માર્ગમાં જોડી દો.

ઉપર પ્રમાણે કહીને તે વિદ્યાધરીએ બ્રહ્માને જાગ્રત કરવા માટે કહ્યું કે-"હે નાથ,આજ આ મુનિ વશિષ્ઠ આપણે ઘેર
પધાર્યા છે.કે જે "બીજા જગત"-રૂપી-ગૃહમાં બ્રહ્માના પુત્ર તરીકે પ્રખ્યાત છે,તો આપ ગૃહસ્થના ઘરને શોભે તેવી
પૂજા વડે તેમનો સત્કાર કરો." આમ જયારે તેણે વિનંતી કરી ત્યારે,જેમ સમુદ્રમાંથી તરંગ ઉઠે તેમ,તેમ બ્રહ્મા,
પોતે પોતાનું સ્વરૂપ-પોતાના સંકલ્પ-રૂપી-રસનો એક ભાગ હોવાથી સમાધિમાંથી જાગ્રત થયા અને ધીરેધીરે
પોતાની મીંચાઈ રહેલી આંખો ઉઘાડી.અને નીચે પ્રમાણે રમણીય વચનો કહ્યાં.

"તે જગત"ના બ્રહ્મા કહે છે કે-હે વસિષ્ઠ મુનિ,આપ ભલે અહી પધાર્યા.આપ બહુ દૂરના સ્થાનથી આવ્યા છો
અને લાંબો માર્ગ કાપવાથી થાકી ગયા હશો તો આપ આસન પર વિરાજમાન થાઓ.

એ પ્રમાણે બ્રહ્માએ મને કહ્યું,એટલે "હે ભગવન,હું આપને નમન કરું " એમ કહી હું આસન પર બેઠો.
અરસપરસ પૂજન અર્ચન થયા પછી,એ (જગતના) બ્રહ્માજીને મેં  કહ્યું કે-
હે ગંધર્વ,દેવ આદિ જીવોના પણ અધિશ્વર,આ વિદ્યાધરી મારી પાસે આવીને કહે છે કે -અમને બોધ આપો.
તો આ વાત ઉચિત છે કે નહિ? હે મહારાજ,આપ તો સર્વ પ્રાણીઓના સાક્ષાત ઈશ્વર છો અને જ્ઞાનના પારને પામી
ગયેલા છો.આ વિદ્યાધરીને આપે પત્ની તરીકે પ્રગટ કરી છે તો આપ તેને ભાર્યા-રૂપે કે  સ્વીકારતા નથી?
આપે કેમ તેને વૈરાગ્ય ઉત્પન્ન થાય તેવું કર્યું છે?

ત્યારે તે જગતના બ્રહ્માએ કહ્યું કે-હે મહારાજ,હું તમને યથાર્થ વૃતાંત કહું છું તે તમે સાંભળો.
જન્મ-આદિ વિકારથી રહિત કંઇક અનિર્વચનીય અને શાંત એવું એક પરમતત્વ છે,
અને ચિદાભાસોને રૂપે વિવર્ત-ભાવને પામનારા,તે પરમતત્વમાંથી હું પ્રગટ થયો છું.
   PREVIOUS PAGE          
        NEXT PAGE       
      INDEX PAGE