Dec 22, 2017

Yog-Vasishth-Gujarati-યોગવાસિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-1018

બ્રહ્મા કહે છે કે-હું ચિદાકાશ-રૂપ છું,મારો આત્મા ચિદાકાશરૂપ છે અને તેની અંદર જ હું સદાકાળ સ્થિતિ
રાખીને રહ્યો છું.ઉત્પન્ન થઇ સ્થિતિ પામનારી સૃષ્ટિ વિષે હું વ્યવહાર-દૃષ્ટિએ સ્વયંભૂ કહેવાઈશ.
તત્વ-દૃષ્ટિથી જોઈએ તો હું ઉત્પન્ન થયો જ નથી.અને કશું ઉત્પન્ન થયેલું દેખતો જ નથી.હું ચિદાકાશરૂપ છું
અને કોઈ જાતના આવરણ વિના જ ચિદાકાશની અંદર રહ્યો છું."આ અમુક વસ્તુ છે,આ તમે છો,
આ હું છું કે આ મારું છે" વગેરે સર્વ વ્યવહાર એક તરંગ-માત્ર છે,અને ચિદાકાશનો એક વિલાસ જ છે.

હું વસ્તુતઃ ચિદાકાશરૂપ છું,પણ કાળને લીધે મારા સ્વરૂપનું વિસ્મરણ થઇ ગયું છે.આથી મારું આ શુદ્ધ સ્વરૂપ સ્પષ્ટ
નથી જણાતું અને હું ચિદાભાસ-રૂપે સર્વ લોકોની પ્રતીતિમાં આવું છું.તેની અંદર સ્વાભાવિક રીતે
"અમુક મારું છે-અમુક હું છું" એવી જે વાસના ઉદયને પ્રાપ્ત થઇ છે,તે આ વિદ્યાધરીને,બીજાં પ્રાણીઓને અને
તમને જુદી જણાય છે,પણ મારી દૃષ્ટિમાં તો તે મારાથી જુદી નથી.
આમ તે તમારી દૃષ્ટિમાં ઉત્પન્ન થયેલી દેખાય છે પણ મારી દૃષ્ટિમાં તે ઉત્પન્ન થયેલી જ નથી.

હું પોતે ઉત્પન્ન થયેલો નથી અને નાશ તથા સત્તા એ બંનેથી રહિત છું,હું આત્મા-રૂપ છું અને આત્મામાં જ સ્થિતિ
રાખીને રહ્યો છું.હું મારા પોતાના સ્વરૂપમાંથી જરા પણ ભ્રષ્ટ થયો નથી.હું તો મારા આત્મામાં જ રમ્યા કરું છું.
અને સ્વતઃ સામર્થ્યવાન છું.મારામાં રહેલી અહંકાર-રૂપી ભ્રાંતિની અને જગતની સ્થિતિને જાળવી રહેલી
"વાસના"ની આ (વિદ્યાધરી) અધિષ્ઠાત્રી દેવી-રૂપ છે અને તે આ વખતે અહી બેઠી છે.

એ (વાસના) કંઈ મારી પત્ની નથી,તેમ મેં કંઈ તેનો પત્ની-ભાવથી અંગીકાર કર્યો નથી. પરંતુ એ પોતે જ
આ સર્વ જગતની અંદર વાસના-રૂપે રહી છે.પોતાની વાસનાના આવેશના અધીન થઈને જ તે કહે છે કે-
"હું બ્રહ્માની પત્ની છું" અને એવો ભાવ પોતાની અંદર કલ્પી લઈને તે પોતાની મેળે જ દુઃખને પામી રહી છે.

(૭૦) વિદ્યાધરીના વૈરાગ્યનું કારણ અને જગતનું મિથ્યાત્વ

તે જગતના બ્રહ્મા કહે છે કે-હું ચિદાકાશના એક વિવર્ત-રૂપ છું.અને હું હવે એ સ્થિતિને છોડી દઈ,
શુદ્ધ બ્રહ્માકાશ-રૂપી કૈવલ્ય મોક્ષની સ્થિતિ પામવા ઈચ્છું છું.એટલે મારી વાસના વડે કલ્પાયેલા આ જગતનો
જયારે,મહાપ્રલય થવાનો સમય આવ્યો છે,ત્યારે મેં આ વાસના-દેવી (વિદ્યાધરી) ને સમુળગી છોડી દેવાનો
આરંભ કર્યો છે,તેથી તે (વિદ્યાધરી) વૈરાગ્યને પ્રાપ્ત થઇ છે.

હું ચિદાકાશ-રૂપ છું,છતાં તેના એક વિવર્ત-રૂપે જુદો પ્રતીતિમાં આવું છું,પણ હવે હું મારા મૂળ સ્વરૂપના
ભાવને પામનાર છું,તેથી મહાપ્રલયનો સમય અને વાસનાદેવીના ક્ષયનો સમય આવી ચુક્યો છે.
તેથી આ વાસનાદેવી ઉદાસીન થઇ જઈને મેં લીધેલા માર્ગ તરફ વળે છે,
કેમ કે ઉદાર બુદ્ધિવાળો કયો જીવ પોતાના નિર્માણ કરનારને ના અનુસરે?
   PREVIOUS PAGE          
        NEXT PAGE       
      INDEX PAGE