More Labels

Jan 7, 2018

Yog-Vasishth-Gujarati-યોગવાસિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-1034
(૭૮) પ્રલયકાળના મહાસમુદ્રનું વર્ણન
વસિષ્ઠ કહે છે કે-પવન,વૃષ્ટિ,બરફના ઉત્પાતોથી છિન્નભિન્ન થઇ ગયેલી પૃથ્વીમાં જળના વેગની વૃદ્ધિ થઇ હતી.
ક્ષણેક્ષણે ઉછળ્યા કરતા સમુદ્રના ભારે તરંગો પર્વતોની ઉંચી ગુફાઓ સુધી પહોંચી ગયા હતાં.
એ મહાસમુદ્રની અંદર મેરુ,કૈલાસ-આદિ પર્વતો પણ ડૂબી જઈ જળચળ પ્રાણીઓ જેવા થઇ રહ્યા હતા.
પવનના ઝપાટાથી ભમ્યા કરતા ઇન્દ્ર,વાયુ,સૂર્ય,ચંદ્ર -આદિનાં નગરો સમુદ્રના જળથી પુરાઈ ગયાં હતાં.
આથી દેવ,દાનવ અને માનવના મોટા સમૂહો તે સમુદ્રમાં લાકડાની જેમ તણાતા હતા.

ધીરે ધીરે એ મહાસમુદ્ર પણ ક્રમે ક્રમે સૂર્યમંડળ સુધી પહોંચી ગયો હતો.ઉચ્ચ સ્વરથી ગર્જના કરનારા
વરસાદની વૃષ્ટિથી,મોટા પરપોટાઓ ઉત્પન્ન થયા હતા અને મોટા પર્વતો સાથે પાણીમાં તણાતા જતા હતા.
આથી તે 'પરપોટાના જ કૃત્રિમ પર્વતો છે કે ખરેખરા મોટા પાર્થિવ પર્વતો છે' એ વિષે સંદેહ રહેતો હતો.
ત્રણે લોકને ગળી જઈ તૃપ્ત થઇ રહેલો એ મહાસમુદ્ર પોતાના ઘોંઘાટવાળા શબ્દથી જાણે ગાતો હોય,
અને તરંગોરૂપી તથા વૃક્ષો-રૂપી  હાથો વડે જાણે નૃત્ય કરતો હોય તેવો દેખાતો હતો.

એકાકાર થયેલ,મહાસમુદ્ર નો જળનો મોટો પ્રવાહ વહેતો હતો ત્યારે તેના સપાટામાંથી
કોઈ બચાવી શકે તેમ નહોતું.કાળે પોતાની દાઢમાં લીધેલા પુરુષોની રક્ષા કરવા કોણ સમર્થ છે?
ત્યારે આકાશ પણ નહોતું,દિશાઓનો અંત પણ નહોતો,નીચે કે ઉપર કશું નહોતું.
કોઈ પ્રાણી નહોતું કે કોઈ સૃષ્ટિ નહોતી,માત્ર જળ જ ચારે તરફ ભરપુર દેખાતું હતું.

(૭૯) બ્રહ્માનું નિર્વાણ તથા જ્ઞાન થતાં સર્વનો બાધ

વસિષ્ઠ કહે છે કે-તે વખતે મેં આકાશમાં બેઠાં બેઠાં મારી દ્રષ્ટિને મહાપ્રકાશવાળા બ્રહ્મલોક તરફ કરી તો ત્યાં,
પાષાણની બનાવેલી પૂતળીની જેમ સમાધિમાં સ્થિર થયેલા બ્રહ્મા મારા જોવામાં આવ્યા.
વળી તેમની પાસે (બ્રહ્મલોકમાં રહેનાર જીવનમુક્ત પુરુષોનો) તેમનો મુખ્ય પરિવાર પણ બેઠો હતો.
ત્યાં દેવતાઓનો અને શુદ્ધ ચિત્તવાળા ઋષિઓનો સમૂહ હતો.એ સર્વ જાણે ચિત્રમાં આલેખાયેલા હોય,
તેમ પદ્માસન વાળી ધ્યાનમાં પરાયણ થઇ રહ્યા હતા,અને સાવ નિર્જીવ હોય તેવા જણાતા હતા.
પછી બાર સૂર્યો પણ તે જ પ્રદેશમાં આવ્યા અને તે પણ પદ્માસન વાળી સમાધિમાં બેસી ગયા.

ત્યારે એક મુહુર્ત ગયા બાદ,જેમ જાગી ગયેલ પુરુષ,સ્વપ્નમાં દેખેલા પુરુષને,સ્વપ્નમાંથી ઉઠતાં,પોતાની પાસે જોવા માંડે,
તેમ હું બ્રહ્માને જોવા લાગ્યો.તો જેમ જાગી ગયેલા પુરુષને સ્વપ્નમાં ખડું થઇ ગયેલું નગર,જાગી ગયા બાદ દેખાતું નથી
તેમ,બ્રહ્મલોકનો એ સર્વ (આગળ વર્ણવેલ) ઠાઠ મારા જોવામાં આવ્યો નહિ.
બ્રહ્મના સંકલ્પ માત્રથી ખડો થયેલો બ્રહ્મલોક શૂન્ય જણાવા લાગ્યો.બ્રહ્મલોકના સર્વ રહેવાસીઓ પણ નિર્વાણને લીધે
શૂન્ય જ જણાતા હતા.અને તેમનું પૂર્વ-રૂપ ક્યાંય પ્રતીતિમાં આવતું નહોતું.
   PREVIOUS PAGE          
        NEXT PAGE       
      INDEX PAGE