More Labels

Jan 14, 2018

Yog-Vasishth-Gujarati-યોગવાસિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-1041

વસિષ્ઠ કહે છે કે-આ વિશાળ જગત (બ્રહ્માંડ) સ્વપ્નના નગરની જેમ,કોઈએ ધારણ નહિ કર્યા છતાં ધારણ કરાઈ રહ્યુ છે,
નાશ નહિ પામવા છતાં નાશ પામતું દેખાય છે અને નિરાકાર છતાં સાકાર અનુભવમાં આવે છે,.
એ કશું પણ નથી,માત્ર ચિદાત્માનો જેવોજેવો દૃઢ સંકલ્પ સ્ફુરે છે,તેવું તેવું તેના અનુભવમાં આવે છે.
જેમ,આકાશમાં શૂન્યપણું અને પવનમાં ચલન-શક્તિ દેખાય છે,તેમ ચિદાકાશની અંદર તેનાથી અભિન્ન એવું (શક્તિથી)
જગત જોવામાં આવે છે.બ્રહ્માંડ નામનું જગત-રૂપી ઘર અધિષ્ઠાન-ચૈતન્યની અંદર સંકલ્પનગરની જેમ ખડું થઇ દેખાય છે,
સ્થિર દેખાય છે અને ક્ષય થવાનો સંકલ્પ  સ્ફુરતાં તે ક્ષય પામતું પણ દેખાય છે.

(૮૧) રુદ્ર-રૂપ ભૈરવ અને કાળ-રાત્રિનું વર્ણન

વસિષ્ઠ કહે છે કે-હે રામચંદ્રજી,પછી એ મહાકાશની અંદર પોતાના આકારને પ્રસરી રહેલા,મત્ત બની ગયેલા
અને નૃત્ય કરવામાં પ્રવૃત્ત થયેલા એ રુદ્રને મેં જોયા.તે વખતે જાણે આકાશ જ પોતાના વ્યાપકપણાને નહિ છોડતાં,
જાણે સાકાર-રૂપે બની ગયું હોય તેમ જણાતું હતું.ત્યારે એ રુદ્રની મૂર્તિ (સ્વરૂપ) ઘનશ્યામ હતી,દશે દિશાઓને
તે પોતાના સ્વરૂપથી પૂરી રહ્યા હતા અને તેમનો આકાર મહા-વિશાળ (ભૈરવ કે રુદ્ર) હતો.

તે સૂર્ય-ચન્દ્ર અને અગ્નિ-રૂપી નેત્રને ધારણ કરી રહ્યા હતા અને દશ દિશાઓ-રૂપી-ચપળ વસ્ત્ર વડે
સુશોભિત હતા.તેમનો કાંતિ-સમૂહ ઘાટો હતો અને ચોતરફ ઘણા લાંબા પ્રદેશ સુધી પ્રસરાઈ રહ્યા હતો.
તેમની દૃષ્ટિ વડવાગ્નિના જેવી મહાપ્રચંડ જણાતી હતી.સર્વત્ર એકરસરૂપે ભરપુર થઇ રહેલા
મહાસાગરનું જળ જ જાણે દેહધારી મૂર્તિમાં થઇ બેઠેલું હોય એવા તેમના રૂપની તરફ હું જોવા લાગ્યો,
તો એ રુદ્રના નૃત્યનું અનુકરણ કરી રહેલી એક આકૃતિ (કાળ-કાળરાત્રિ-ભૈરવી કે ભગવતી) મારા જોવામાં આવી.

તે આકૃતિ જાણે રુદ્રની છાયા જ હોય તેવી દેખાતી હતી.ત્યાં મારા મનમાં શંકા થઇ કે-
'હજી સૂર્યો તો ઉગ્યા નથી,તો આવા ઘાટા અંધકારની અંદર આ છાયા કેવી રીતે હોઈ શકે?'
આમ હું  તે સંબંધમાં વિચાર કરતો હતો,એટલામાં તો તે છાયા રુદ્રની પાસે નૃત્ય કરવા લાગી.
તેનો વિસ્તાર ઘણો લાંબો હતો,રંગ કાળો હતો અને ત્રણ નેત્રો હતાં.તેનું શરીર કૃશ દેખાતું હતું,
તેના અંગમાં ચારે બાજુ નસો ઉપસી આવી હતી અને તેનું અંગ શિથિલ થઇ ગયું હતું.તેનું મુખ
જ્વાળાઓથી વ્યાકુળ જણાતું હતું અને પુષ્પ-પલ્લવ આદિથી સુશોભિત એવા મુકુટને ધારણ કરી રહી હતી.

જાણે રાત્રિ પોતે જ આકૃતિવાળી થઇ ગઈ હોય,જાણે અંધકારની શોભાએ જ દેહને ધારણ કરી લીધો હોય,
કે જાણે આકાશની શોભા જ સાકાર થઈને આવી ઉભી હોય એવી તે જણાતી હતી.
તે ઘણી જ લાંબી હતી,તેનું મુખ મહાભયાનક દેખાતું હતું અને લાંબા ગોઠણ અને હાથ ફેરવી તે જાણે દિશાઓને
માપવા ઈચ્છતી હોય એમ જણાતું હતું.તેના મસ્તકથી માંડી ઠેઠ પગના નખ સુધીનું તેનું આખું શરીર જોવા,
મેં ઘણાકાળ સુધી નીચે-ઉંચે જઈને,ઘણો પ્રયત્ન કર્યો ત્યારે જ માંડ મારા જોવામાં આવ્યું.
   PREVIOUS PAGE          
        NEXT PAGE       
      INDEX PAGE