Jan 17, 2018

Yog-Vasishth-Gujarati-યોગવાસિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-1042



તે અતિ-વિશાળ આકૃતિનો આકાર ક્ષણમાત્રમાં એક હાથવાળી તો ક્ષણમાત્રમાં અનેક ભુજાઓ વાળી થઇ જઈ,
આ જગત-રૂપી નૃત્ય-મંડપને ધ્રુજાવતી હતી.તે ક્ષણમાત્રમાં તે એક-મુખી તો ક્ષણમાત્રમાં તે અનેક-મુખી
દેખાતી હતી તો ક્ષણમાત્રમાં તો તેનું એક પણ મુખ દેખાતું નહોતું.ક્ષણમાત્રમાં તે એક ચરણ-વાળી,
ક્ષણમાત્રમાં અનેક ચરણવાળી તો ક્ષણમાત્રમાં તેનું એક પણ ચરણ દેખાતું નહોતું.
આમ તેનો દેહ જોઈ મેં (વસિષ્ઠ) અનુમાન કર્યું કે આ કાળ-રાત્રિ (ભગવતી કે ચેતન શક્તિ કે કાળ) છે.

તેના મહા-વિશાળ શરીરની અંદર આખું જગત જાણે અરીસામાં પ્રતિબિમ્બિત થઇ રહ્યું હોય તેમ,
તે પ્રથમનું જગત જ જાણે જોવામાં આવતું હતું,વસ્તુતઃ જોઈએ તો તે પોતે નૃત્ય કરતી નહોતી,પણ તેના અંગમાં રહેલ
પર્વતો,વનો વગેરે સહિતનું અનેક પ્રકારનું જગત જ વારંવાર મરણને વશ થઇ,તેમાં ખડું થઇ નાચ્યા કરતું હતું.
એ કાળરાત્રિના નૃત્યમાં બ્રહ્મા,વિષ્ણુ,મહાદેવ,ઇન્દ્ર-આદિ દેવતાઓ અને દૈત્યો પણ,
પોતપોતના અધિકારનો કાળ આવી રહેતાં ભ્રષ્ટ થઈને નીચે પડતા હતા.

એ કાળરાત્રિના શરીરમાં,મિથ્યા-રૂપે પ્રતીતિમાં આવતા અને વસ્તુતઃ શૂન્ય-રૂપે રહેલા,સૃષ્ટિ,સંહાર,જગત,
પૃથ્વી-વગેરેના વિલાસોના અધિષ્ઠાનચૈતન્યમાં ઉત્પત્તિ-સ્થિતિ-લય,વારંવાર થયા જ કરતાં હતાં.
એ કાળરાત્રિના ચિદાકાશમય શરીરની અંદર સ્વભાવિક રીતે જ પ્રતિતીમાં આવતી અને કંઇક અનિર્વચનીય
એવી માયાના આવરણને લીધે અનુભવાતી જગતની વ્યવસ્થા અને તેનો લય ભ્રાંતિથી જ અનુભવમાં આવતું હતું.

જેવી રીતે પર્વત અચળ છે,છતાં અરીસામાં પ્રતિબિમ્બિત થયા પછી,જો અરીસો ચલાયમાન થાય તો તે પર્વત
પોતે પણ ચલાયમાન જ જણાય છે,તેમ,જગત એ અચળ એવા અધિષ્ઠાન-ચૈતન્યની અંદર સ્થિતિને રાખીને
રહેલું છે,તેથી વસ્તુતઃ તે ક્ષોભને નહિ પામ્યા છતાં માયાના યોગથી ક્ષોભને પ્રાપ્ત થતું દેખાતું હતું.
આ દેવી (કાળરાત્રિ) સંપૂર્ણ રીતે ત્રણે લોકમાં રહેનારી એક જાતની 'ચેતન-શક્તિ' જ છે.
જો તેનું મૂળ રૂપ તપાસીએ તો તે પરમ શુદ્ધ ચિદાકાશ-રૂપ જ છે પણ અવિદ્યાને લીધે સર્વરૂપ થઇ રહેલ છે.

આમ,પ્રલયકાળના રુદ્ર 'ભૈરવ'નો આકાર ધારણ કરી રહ્યા હતા અને તેમની પાસે એ મહાભૈરવી-દેવી (કાળરાત્રિ)
પોતાના વિશાળ-રૂપથી આકાશને પૂરી દઈ નૃત્ય કરતાં દેખાતા હતાં.કે જેમણે
ફળો,કુંભો-વગેરેની માળાઓ અને હારો પહેર્યા હતાં.એ ભૈરવી દેવી,આકાશ-ભૈરવને વંદન કરી રહ્યાં હતાં.
રક્તના આસવથી ભરેલાં,યમના પાડાનાં મોટાં શિંગડાને હાથમાં લઇ,નૃત્ય કરનારી,પોતાના વક્ષ-સ્થળમાં ખોપરીઓની
માળાને ધારણ કરી રહેલી,ગરુડનાં પીંછા ખોસી મુગુટને શોભા આપનારી અને પ્રલયકાળમાં જગતને ગળી જઈ પ્રસન્ન
થયેલી,એ કાળરાત્રિથી સ્તુતિ પામતા ભૈરવ (રુદ્ર) સર્વની રક્ષા કરો.
(નોંધ-મૂળ બુકમાં દેવીનું (કાળરાત્રિનું) સકળ સૃષ્ટિ તરીકે વિસ્તૃતતાથી વર્ણન કરેલું છે કે જેનો અહીં સારમાત્ર લખ્યો છે)
   PREVIOUS PAGE          
        NEXT PAGE       
      INDEX PAGE