Jan 31, 2018

Yog-Vasishth-Gujarati-યોગવાસિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-1056

વસિષ્ઠ કહે છે કે-જેમ,આકાશ અનેક સૃષ્ટિઓ વડે વીંટાયેલુ છે,તેમ,પૃથ્વી પણ અનેક સૃષ્ટિઓ વડે વ્યાપ્ત છે.
અને આવી બુદ્ધિ જયારે મને ઉત્પન્ન થઇ,ત્યારે હું ધ્યાનપરાયણ થઇ ગયો અને 'પૃથ્વી'ની ધારણા વડે યુક્ત થઇ ગયો.
ચિદાકાશ-રૂપ મેં બ્રહ્મમાંથી અહંભાવને ના છોડતા 'પૃથ્વી'ની ધારણા બાંધી એ અહંકારને જોડી દઈને
પૃથ્વીના રૂપને ધારણ કર્યું.આમ પૃથ્વીના અભિમાની જીવની અંદર પ્રવેશ કર્યો,
એટલે 'પર્વત-વૃક્ષ-આદિ દેહવાળો હું છું' એમ મને અનુભવ થયો.અને હું પૃથ્વી-રૂપ થઇ ગયો.

(૮૮) પૃથ્વીના અનેક દેખાવોનું વર્ણન

વસિષ્ઠ કહે છે કે-હે રામચંદ્રજી,હું ત્યાં ભૂલોક-રૂપ થઇ ગયો હતો,અને મારા પોતાના દેહને પાર્થિવ ધર્મવાળો જોયા પછી,
મને મારો વિશેષ આકાર જોવાની 'ઈચ્છા' થઇ,એટલે જે કંઈ અનુભવમાં આવ્યું તે તમે  સાંભળો.
કોઈ સ્થળે પોના આપ્તજનોના મરણને લીધે મહાદુઃખ તો કોઈ સ્થળે મોટા ઉત્સવથી મહાસુખ પથરાઈ રહેલ જણાતું
હતું.કોઈ ઠેકાણે દુકાળ તો કોઈ ઠેકાણે સુકાળ નજરે પડતો હતો.
કોઈ ઠેકાણે આગ લાગેલી હતી તો કોઈ ઠેકાણે અતિવર્ષા થતી જણાતી હતી.
આમ,'પૃથ્વી-તત્વ' થી બનેલ બનેલ ભૂલોક પર દુઃખ અને સુખનું જે વાતાવરણ બન્યું હતું તે અતિ કૌતુકવાળું હતું.
(નોંધ-મૂળ બુકમાં અતિ લંબાણથી પૃથ્વી પરના પદાર્થોના દેખાવનું અલંકારિક ભાષામાં વર્ણન કરેલું છે)

(૮૯) દૃશ્ય પદાર્થો મનોમય જ છે

રામ કહે છે કે-તમે કૌતુકને લીધે પોતાના આત્મામાં જ જગતને જોવા પ્રવૃત્ત થઇ રહ્યા હતા,
તો ત્યારે તમે પૃથ્વી સંબંધી ધારણા બાંધી આ દૃશ્ય અને જડ એવા પાષાણ આદિ ભૂલોક-રૂપ થઇ રહ્યા હતા
કે મનોરાજ્યના જેવા સ્વપ્ન-જેવા ભૂલોક-રૂપ થઇ રહ્યા હતા?

વસિષ્ઠ કહે છે કે-'કાલ્પનિક દૃષ્ટિ'થી જોતાં હું જે ભૂલોક (પૃથ્વી)રૂપ બની ગયો હતો
તે જડ-પાષાણમય આ પૃથ્વી જ હતી.તે માત્ર મનનો જ એક વિકાર હોવાથી તેને મનોમય પણ કહી શકાય.
બાકી 'વાસ્તવિક દૃષ્ટિ'થી જોતાં હું ચિદાકાશરૂપ જ છું અને બીજા કશારૂપ થયો નહોતો.
મન એ સંકલ્પ-વિકલ્પના આધાર-રૂપ છે અને એ મન વિના ભૂલોકની સ્થિતિ સંભવતી જ નથી.
તમે જે કંઈ સદ્રુપ કે અસદ્રુપ સમજતા હો,તે બધું મનોમાત્ર જ છે.

હું શુદ્ધ ચિદાકાશ-રૂપ છું અને મારા એ ચિન્મય સ્વરૂપમાં જે કંઈ સ્ફુરણ ઉઠે છે,તેને 'સંકલ્પ' નામથી કહેવામાં આવે છે.
તે જ મનોરૂપ,પૃથ્વી રૂપ,જગતરૂપ કે બ્રહ્મારૂપ છે.મનોમય નગરની જેમ ચિદાકાશની અંદર મન જ આવા
અનેક આકારે પ્રસરી રહેલું છે પણ, વસ્તુતઃ તો તે મન પણ ચિદાકાશ-રૂપ જ છે.
એવી રીતે તે સર્વ મનોમાત્ર કે સંકલ્પમાત્ર જ હતું પણ મારી ધારણાના યોગે જ ભૂલોક પ્રતીતિમાં આવતું હતું.
તે અમુક આકાર-રૂપ છે એવું પ્રત્યક્ષ અનુભવમાં આવ્યા પછી તેનું મનોમયપણું જતું રહ્યું હતું.
   PREVIOUS PAGE          
        NEXT PAGE       
      INDEX PAGE