More Labels

Feb 2, 2018

Yog-Vasishth-Gujarati-યોગવાસિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-1058જેવી રીતે ધારણ વડે મેં પૃથ્વી-રૂપ બની જઈને મેં એ અનેક જગતોનો અનુભવ કર્યો,
તે જ પ્રમાણે,મેં ધારણા વડે 'જળ-રૂપ' થઈને તેમાં પણ એ બધું ય દીઠું.'ચેતનરૂપ જળ'ની ધારણા વડે,
મેં એ 'જડ-ભાવવાળા જળ' નો ભાવ સ્વીકારી લીધો હતો અને ધારણા વડે મેં તૃણ,લતા,વૃક્ષ-વગેરેમાં
દૃઢપણે પ્રવેશ કરી આરોહણ કર્યું.તેમાં રસ-રૂપે વિશ્રામ પામી,મેં કાળના યોગે વૃદ્ધિ પામી,ફૂલ-ફળ આદિની રચના કરી હતી.

એ જ રીતે,હું પ્રાણીઓના દેહની અંદર મુખ દ્વારા પ્રવેશી,હૃદય પ્રત્યે જળ-રૂપ થઇ રહ્યો હતો.
પ્રાણીઓના દેહમાં ઋતુઓની વિષમતા (બદલાતી ઋતુઓ)ના યોગે,જુદી જુદી વિષમતાને ધારણ કરી રહ્યો હતો.
મેં કોઈક સમયે દેહની અંદર વાત,પિત્ત,કફ,રસ,રક્ત-આદિ ધાતુઓને ધારણ કરી રાખી હતી.
કોઈક સમયે મેં તેમને જુદી પાડી,જઠરાગ્નિથી પચાવી કે કેટલીકને ખંડિત પણ કરી દીધી.

સર્વ 'દિશાઓ'માં,હું  હિમના કણ-રૂપે રહ્યો,તો નદીઓમાં વાસ કરી,નિરંતર વહ્યા કરતો હતો.
મેં અનેક જળાશયોમાં ચકરી-રૂપે ભ્રમણ કર્યું હતું તો પર્વતો પરથી શિલાઓ પર ઝરણા-રૂપે પડીને,અનેક-રૂપે વિખરાઈ
ગયો હતો.કાષ્ઠમાંથી ધુમાડા-રૂપે બહાર આવીને,શ્યામ-વર્ણનાં નક્ષત્ર-રૂપી રત્નોમાં પ્રવેશ કરી હું રત્ન-કણ-રૂપ થઇ રહ્યો
હતો તો વળી (કાળાં)વાદળાંની અંદર વીજળી-રૂપ-વનિતાની સાથે વિશ્રામ લીધો હતો.

'પરમાણુઓની બનેલી સૃષ્ટિ'ની અંદર 'પિંડરૂપે રહેલા પદાર્થો' માં સર્વત્ર પ્રસરી રહેલા બ્રહ્મની જેમ,હું 'જળ-રૂપે' સર્વત્ર
રહ્યો હતો.મેં જીહવા (જીભ)ના ઝીણા પરમાણુઓ સાથે સંગ પામીને તેનો ઉત્તમ અનુભવ કર્યો હતો.
એ અનુભવ જડ-દેહમાં સંભવતો નથી,પરંતુ જ્ઞાનસ્વરૂપ આત્મામાં જ કેવળ સંભવે છે.
હું કે જે અધિષ્ઠાન-ચૈતન્યરૂપ છું,તેણે કે જડ-દેહે કે બીજા કોઈએ દૃશ્ય (જગત)નો વસ્તુતઃ અનુભવ કર્યો નથી,
તે દૃશ્યના અધિષ્ઠાન-ચૈતન્યે પોતાની અંદર જે (માયાનો) પ્રકાશ કર્યો છે તે કેવળ અજ્ઞાની જીવોના મોહ માટે જ છે.

મેં સર્વ ઋતુઓના રસ-રૂપે થઈને,અનેક પ્રકારના જુદાજુદા પુષ્પોના સમુહોને સારી રીતે ભોગવ્યા હતાં.
મેં ચેતન-વસ્તુની જેમ જ પ્રાણીઓના અવયવોની સંધિમાં નિવાસ કર્યો હતો.
જળ-બિંદુ-રૂપે હું પવનમાં રહ્યો હતો.અને આકાશમાર્ગે ક્રીડા કરી લોકોને આનંદ કરાવ્યો હતો.
એ અવસ્થામાં એક પરમાણુ જેટલા ભાગમાં પણ મેં સર્વ જગત યથાસ્થિતપણે અનુભવ કરીને જોયું હતું.

હું ચેતન-રૂપ હોવા છતાં જળના જેવો જડ-રૂપ બની ગયો હતો અને સર્વ પદાર્થોની અંદર જ્ઞાત-અજ્ઞાત-પણે સ્થિતિ કરી
હતી.અને એ અવસ્થામાં લાખો જગતો-તેના નાશો તથા ઉત્પાતો મેં રૂઢપણે અનુભવ્યા હતા.
હે રામચંદ્રજી,આ રીતે એ સર્વ જગત-રૂપ હો કે ના હો-કે-સાકાર હો કે નિરાકાર હો-તે સર્વ ચિદાકાશ-રૂપ જ છે.
અને તે જ તમે પોતે પણ છો.માટે તમે સર્વ દ્વૈતનો બાધ કરીને સદા આનંદિત થઈને રહો.
   PREVIOUS PAGE          
        NEXT PAGE       
      INDEX PAGE