Feb 3, 2018

Yog-Vasishth-Gujarati-યોગવાસિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-1059



(૯૧) તેજની ધારણાથી તેજરૂપ થતાં સૂર્ય-આદિનો દેખાવ
વસિષ્ઠ કહે છે કે-પછી પ્રકાશમય તેજની ધારણા વડે હું 'તેજ-રૂપ' બની ગયો.
તે તેજ સૂર્ય,ચંદ્ર,તારા ને અગ્નિ આદિ અનેક અવયવો વડે યુક્ત હતું.
એ તેજ સત્વ-પ્રધાન હોવાથી સર્વ જગતમાં પ્રકાશ-રૂપે વ્યાપી રહ્યું હતું
અને અંધારા પર પોતાના પ્રતાપને દેખાડતું હતું.એ તેજ સેંકડો (દીવાની)વાટોમાં પ્રગટી,
અને તેલવાળા દીપ-આદિ પદાર્થો વડે પ્રત્યેક ઘરના સર્વ પદાર્થોને પ્રત્યક્ષ કરતુ હતું.
તે તેજ જગત-આદિ રૂપ સમસ્ત 'ગુણો'ને ઢાંકી દેનાર,અંધકાર-રૂપી દીનતાને ખસેડી નાખતું હતું.

એ તેજ અંધકારને કુહાડાની જેમ કાપી નાખતું હતું અને અશુદ્ધ પદાર્થની પરમ-શુદ્ધિ કરતુ હતું.
એ તેજ પ્રકાશમાં રહેનારા ધોળા,કાળા,રાતા-આદિ અનેક રંગોને ઉત્પન્ન કરતુ હતું.
એ તેજને પૃથ્વી સાથે ગાઢ સંબંધ બંધાયો હતો તેથી તે પૃથ્વીની માટીને બાળતું ન હતું
અને પૃથ્વી પણ પોતાનો પ્રેમ પ્રગટ કરવાને પ્રત્યેક ઘરમાં અત્યંત આનંદથી ભીંત-છત-આદિરૂપે થઈને,
એ તેજના 'દીવા-રૂપી-પુત્ર'ની રક્ષા કરતી હતી.પાતાળ (તમોગુણ) માં તે તેજનો થોડો પ્રકાશ દેખાતો હતો,
ભૂલોક (રજોગુણ) માં મધ્યમ પ્રકાશ દેખાતો હતો,અને સ્વર્ગ (સત્વગુણ) માં મહાપ્રકાશ નિરંતર પડ્યા કરતો હતો.

એ તેજ,'જગત-રૂપી-જૂની કોટડી'માં દીવાના જેવો પ્રકાશ આપતું હતું,
અને દિશાઓને નિર્મળ અરીસાની જેમ પ્રકાશ આપતું હતું.રાત્રિને ખસેડી કાઢવામાં તે પ્રચંડ પવન જેવું હતું.
ચંદ્ર,સૂર્ય અને અગ્નિનું તો તે સર્વસ્વ હતું અને આકાશને જાણે કંકુનો લેપ કર્યો હોય તેવો તેનો  દેખાવ હતો.
તે તેજ,દિવસ-રૂપી-ધાન્યોને ઉત્પન્ન કરવામાં ક્યારા જેવું હતું.અને અંધકારથી ઢંકાઈ રહેલાં રૂપોને તે પ્રકાશ આપી
બહુ અનુગ્રહ કરતુ હતું.આકાશ-રૂપ-વિશાળ કાચના વાસણને ધોવા સારું તે જળ-રૂપ જ હોય તેમ દેખાતું હતું.

પદાર્થોને પ્રકાશની 'સત્તા' આપવાથી તે તેજ,અધિષ્ઠાનચૈતન્યનો નાનો ભાઈ હોય તેમ દેખાતું હતું.
અંધકારને દુર કરવામાં 'ક્રિયા' (તેજ આપવાની) કરીને તે પોતાનો ચમત્કાર દેખાડતું હતું.અને
પૃથ્વી પર રહેલા જીવોનો (જીવન આપીને) તે,તેમના એક મોટા આધાર-રૂપ હતું.
એ તેજ બ્રહ્માંડ-રૂપી મોટી ખાઈમાં રહેલા એક મહાસાગર જેવું જણાતું હતું અને તેની અંદર આકાશમાં રહેલ
અસંખ્ય નક્ષત્રો-રૂપી-મણિઓ શોભી રહ્યા હતા.જો કે તેજ-રૂપી-મહાસાગર જળ વિનાનો હતો પણ
તે તેજમાં ફેલાઈ રહેલ  રજ વડે જાણે કાદવ-વાળો (મલિન) હોય તેમ જણાતો હતો.
પણ તે તેજનો કદી ક્ષય જ ના થતો હોય તેમ જણાતું હતું.

હે રામચંદ્રજી,જેમ,નિર્જળ ભૂમિ,ઝાંઝવાના જળ-રૂપ બની જાય છે તેમ,પોતાની ધારણા વડે કલ્પી લીધેલા
જગત-રૂપી-આકાશની અંદર હું સૂર્ય-રૂપ બની ગયો અને મેં સૂર્ય-પણાનો અનુભવ કર્યો.
   PREVIOUS PAGE          
        NEXT PAGE       
      INDEX PAGE