More Labels

Mar 14, 2018

Yog-Vasishth-Gujarati-યોગવાસિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-1098

વસિષ્ઠ કહે છે કે-ઉપર પ્રમાણે પોતાના ચારે દિશાના સામંતો પરાજિત થયાના સમાચાર દૂતો પાસેથી સાંભળીને,
રાજાએ 'હવે સમય બરબાદ કરવો એ સારું નથી'એમ વિચારી તે પોતાના મહેલમાંથી બહાર નીકળ્યો અને
પોતાની પાસેના મંત્રીને હુકમ કર્યો કે-યુદ્ધની તૈયારી કરો.રાજાઓ,સામંતો અને મંત્રીઓને બોલાવી
ઉત્તમ યુક્તિઓથી સૈન્યની ગોઠવણ કરો,સેનાના અધ્યક્ષોની નિમણુક કરી ચારે બાજુ દૂતો મોકલો.
રાજા આમ કહેતો હતો ત્યારે દ્વારપાળ દોડતો આવી કહેવા લાગ્યો કે-
ઉત્તર તરફનો સામંત આપને મળવા ઈચ્છે છે.ત્યારે રાજાએ કહ્યું કે-તેને સત્વરે અહી બોલાવી લાવો.

થોડીવારમાં તે ઉત્તર તરફનો ઘવાયેલો સામંત આવ્યો અને કહેવા લાગ્યો કે-હે મહારાજ,ત્રણે દિશાના સામંતોનું મૃત્યુ
થયું છે,હું તેમના દેશોને સંભાળતો હતો પણ મને અશક્ત જોઇને ઘણા રાજાઓ મારી પાછળ લાગ્યા છે,
અને ઠેઠ અહી સુધી આવી પહોંચ્યા છે.શત્રુઓના મોટા સૈન્યે આપણા સૈન્યની જેવી દશા કરી તેવી આપે પણ તેમના
સૈન્યની દુર્દશા કરી તેમને મારી હટાવવા જોઈએ,આપ જેવા મહારાજાને માટે કશું દુર્જય નથી.

(૧૦૯) રાજાએ સ્વદેહને અગ્નિમાં હોમી,ચાર દેહ ઉત્પન્ન કર્યા

શત્રુઓએ પોતાનો દેશ ઘેરી લેવાથી વ્યાકુળ થયેલા તે રાજાની પાસે સર્વ મંત્રીઓ ભેગા થઇ ગયા,ને કહેવા લાગ્યા કે-
હે મહારાજ,અમે વિચાર કરી સર્વેએ નિર્ણય કરી લીધો છે કે-સામ-દામ-ભેદ-એ ત્રણે ઉપાયો આપણા શત્રુઓ પાસે
કાર્ય કરી શકે તેમ નથી,માટે તેમને દંડ આપવો જ જોઈએ.આપણા શત્રુઓ,એ મલેચ્છ લોકો છે,મહાપાપી છે,ધનાઢ્ય છે
અને જુદાજુદા દેશોમાંથી બહોળી સંખ્યામાં ભેગા થઈને આવ્યા છે.તેઓ આપણા છિદ્રોને જાણનારા છે,
એટલે તેઓ,દંડ સિવાયના, સામ-દામ-ભેદ આદિ ઉપાયને માને એમ નથી.

માટે આ બાબતમાં સાહસ કર્યા વિના કોઈ છૂટકો (ઉપાય) નથી.તેથી હવે તરત જ રણ-સંગ્રામની તૈયારી કરો.
શૂરવીર પુરુષોને આજ્ઞા આપો,ઇષ્ટ-દેવતાની પૂજા કરો,સામંતોને બોલાવો,રણનાં નગારાં વગડાવો અને
રણ-સંગ્રામમાં નીકળી પડો.ત્યારે રાજાએ કહ્યું કે-તમે સર્વ યુદ્ધ માટે નીકળો,નગરની રક્ષા માટે વ્યૂહરચના વગેરે સંબંધી
જે ગોઠવણ કરવી ઘટે તે કરો.હું સ્નાન કરી અગ્નિનું પૂજન કરી રણભૂમિમાં આવું છું.

ત્યાર બાદ તે રાજાએ સ્નાન કરી અગ્નિશાળામાં પ્રવેશ કર્યો અને શાસ્ત્રાનુસાર અગ્નિનું પૂજન કરી તે વિચાર કરવા
લાગ્યો કે-અનાયાસે મળેલા વૈભવો વડે મેં આખું આયુષ્ય ગાળ્યું,અને ચોતરફ મેં મહોર-છાપ પાડી મારો હુકમ જ
વર્તાવ્યો છે.શત્રુઓના રાજ્ય લઇ,મેં તેમને મારા પગ તળે દબાવ્યા છે અને તેમના પર કર નાખી તેમને તથા તેમની
પ્રજાને મેં નમાવી મારો યશ-કીર્તિ,ચોતરફ સારી રીતે ફેલાવી દીધો છે.સંબંધીઓ,મિત્રો,બંધુઓ,બ્રાહ્મણોના ઘરોને
મેં ખજાનાની જેમ રત્નોથી ભરી દીધેલા છે.દિગ્વિજય કરતાં આસવનું પાન પણ કર્યું છે.
મેં પ્રજાના પ્રિય અર્થનું સંપાદન કરીને સમૃદ્ધ દેશો પર જય કર્યો હતો અને દુષ્ટ રાક્ષસોને બેડીઓમાં નાખ્યા હતા.
   PREVIOUS PAGE          
        NEXT PAGE       
      INDEX PAGE