More Labels

Apr 19, 2018

Yog-Vasishth-Gujarati-યોગવાસિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-1130

તે મછરાએ પૃથ્વીની અંદર શેરડી-આદિમાં ગણગણાટ કરી રહેલાં મછરાંની સાથે ગણગણાટ અને ક્રીડા કરીને
પોતાનું એક દિવસનું આયુષ્ય ગાળી નાખ્યું અને બીજે દિવસે પોતાની પત્ની મછરીની સાથે બાળલીલાપૂર્વક
તૃણ પર હીંચકા ખાવા માંડ્યા અને થાકીને વિશ્રામ લેવા બેસતું હતું તેટલામાં હરણાના પગ તળે આવીને
તેના ચૂરેચૂરા થઇ ગયા.મરણ સમયે તેને હરણનું મોઢું જોવામાં આવવાથી,તે મછરાનો પ્રાણ તે હરણાના આકારની
ભાવનામાં ગયો અને આગળ કહેલા ક્રમ મુજબ,તે ઇન્દ્રિય-આદિ ભાવનું ગ્રહણ કરીને મૃગ-રૂપ થઇ ગયો.

વનમાં વિહાર કરતા તે મૃગને કોઈ પારધીએ માર્યો અને મરણ  સમયે પારધીના મુખ પર દૃષ્ટિ પડવાથી તે
પારધી-રૂપ થયો.એ પારધી વનમાં ફરતાં કોઈ મુનિના વનમાં જઈ પહોંચ્યો અને ત્યાં તેણે વિશ્રાંતિ કરી.
મુનિનો સત્સંગ થતાં મુનિએ તેને બોધ આપ્યો.
મુનિ કહે છે કે- હે પારધી,તું ભ્રાંત થઇ જઈ (અજ્ઞાનને લીધે) આ શું કરે છે?
અતિ લાંબા જન્મ-મરણ-આદિ સંસારનાં દુઃખો ભોગવવા માટે તું મૃગોને કેમ મારે છે? ક્ષણભંગુર એવા
આ જગતની અંદર મહાફળ આપનાર અહિંસા-આદિ શાસ્ત્ર-મર્યાદાને તું શું કામ પાળતો નથી?

આયુષ્ય ક્ષણભંગુર છે,ભોગો-વિલાસો,વીજળીના ચમકારા જેવા ચંચળ છે,અને આ શરીર ક્ષણવારમાં પડી જાય તેવું છે.
માટે હે પુત્ર,અનર્થોની પરંપરા-રૂપ-સંસારથી ત્રાસ પામી જઈ તું,અહિંસા,અભયદાન-આદિ ઉપાયોથી
સર્વ અનર્થની નિવૃત્તિ કરનાર અને નિરતિશય આનંદ આપનાર,આત્યંતિક દુઃખ-નિવૃત્તિ-રૂપ મોક્ષની શોધ કર.

(૧૩૭) પરકાયા-પ્રવેશ કરવાથી સ્વપ્ન-આદિનો અનુભવ

પારધી (મુનિને) કહે છે કે-હે મહારાજ,જો આપે કહ્યું તેમ મારે દુઃખ-નિવૃત્તિ કરવી હોય તો,તે દુઃખોનો ક્ષય થવામાં
હેતુ-રૂપ થાય એવો વ્યવહારનો જે ક્રમ,કે જે અતિ કઠિન કે અતિ મૃદુ ના હોય,તે વિષે આપ મને કહો.

મુનિ કહે છે કે-હમણાં જ તું આ ધનુષ્યબાણને મૂકી દઈ,પ્રથમ તું,મુનિઓમાં પ્રસિદ્ધ એવા યમ-નિયમ-વિચાર-આદિ
આચારોનો આશ્રય કર અને દુઃખથી રહિત સ્થિતિથી અહીં રહે.

મુનિએ આ પ્રમાણે કહ્યું એટલે પારધીએ ધનુષ્ય-બાણને મૂકી દઈ ઋષિનો આચાર પાળવા માંડ્યો
અને માગ્યા વગર જે કંઈ મળે તે વડે પોતાનું ઉદર-પોષણ કરવા માંડ્યું.યમ-નિયમ-આદિનું સારી રીતે પાલન કરીને,
તે પારધી,થોડાક જ સમયમાં,સારાસારનો વિવેક કરવાની શાસ્ત્ર-પદ્ધતિમાં પ્રવેશ કરવા લાગ્યો.
   PREVIOUS PAGE          
        NEXT PAGE       
      INDEX PAGE