Apr 20, 2018

Yog-Vasishth-Gujarati-યોગવાસિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-1131

એક દિવસ તે પારધીએ મુનિને પૂછ્યું કે-હે ભગવન,પ્રાણીઓની અંદર રહેલું સ્વપ્ન,જાગ્રતની જેમ બહાર કેમ
દેખાય છે?અને બહાર રહેલો જાગ્રત-પ્રપંચ સ્વપ્ન-રૂપ થઇ અંદર કેમ દેખાય છે? પ્રાણીઓને સ્વપ્ન શી રીતે
દેખાય છે? અંદર અને બહાર રહેલો પ્રપંચ સ્વપ્ન-રૂપ થઇ કેમ દેખાય છે? અને જો આ પ્રપ્રંચ સ્વપ્ન-રૂપ જ
હોય તો પછી,તે અંદર અને બહાર એમ બે પ્રકારે કેમ દેખાય છે?

મુનિ કહે છે કે-હું પણ જયારે પહેલાં વિવેકી દશામાં હતો ત્યારે મારા ચિત્તમાં પણ કોણ જાણે ક્યાંથી
આ તને આવેલ વિતર્ક જ ઉત્પન્ન થયો હતો.પછી તેના વિષે નિર્ણય કરવાની ઇચ્છાથી
મેં 'ધારણા'નો અભ્યાસ શરુ કર્યો,અને પદ્માસન વાળી 'આત્મા-રૂપ-ચિત્ત-સત્તા'ની અંદર સ્થિર થઈને રહ્યો.
તે (ધારણાની) સ્થિતિ વડે જ વિષયોમાં વિક્ષિપ્ત થઇ રહેલા ચિત્તનું 'પ્રત્યાહાર' દ્વારા પોતાના હૃદય (પ્રાણ)માં
આકર્ષણ કરી નાખ્યું.પછી 'પ્રાણ'ની અંદર રહેલી ચિત્ત-સત્તાની પ્રેરણાથી મેં જીવની-ઉપાધિ-રૂપ-ચિત્તની સાથે
'પ્રાણ'ને (પુષ્પમાંથી બહાર નીકળતી સુગંધની જેમ) શરીરમાંથી (રેચક પ્રાણાયામ વડે) બહાર કાઢ્યો.

પછી બાહ્ય આકાશમાં રહેલા એ 'ચિત્તથી યુક્ત પ્રાણ' (પ્રાણવાયુ)ને મેં મારી આગળ ઉભેલા કોઈ મનુષ્યના
મુખ પાસેના પ્રાણ (વાયુ)માં જોડી દીધો.આમ તે મનુષ્યનો પ્રાણ(વાયુ) મારા પ્રાણ(વાયુ) સાથે મિશ્ર થઇ ગયો.
પછી તે (મનુષ્ય) મને (મારા પ્રાણ(વાયુ)ને) પોતાના હૃદયમાં (શ્વાસથી)લઇ ગયો.
આમ હું (મારો પ્રાણ કે ચૈતન્ય) તે (મનુષ્ય)ના પ્રાણવાયુ-રૂપ ઘોડાથી તેની અંદર પેઠો હતો અને
પરસ્પર મળેલા બંને પ્રાણ (ચૈતન્ય) ને અનુસરી રહ્યો હતો.
આ રીતે તેના દેહમાં પ્રવેશ (પરકાયા પ્રવેશ) કરી,મેં મારી બુદ્ધિથી આ સંકટોનો અનુભવ કર્યો.

(નોંધ-ઉપર ટૂંકમાં વર્ણન કરેલી આ પરકાયા પ્રવેશની યોગની એક પદ્ધતિ છે.કે જે કોઈ ઉચ્ચ સિદ્ધોએ જ સિદ્ધ કરેલી
હોય છે.જેમાં સિદ્ધ પોતાનો પ્રાણ (ચૈતન્ય) બહાર કાઢે એટલે તેનું શરીર મૃતપાય જ થઇ જાય છે.
તેમ છતાં તે જીવ પાછો પોતાના શરીરમાં આવવા ઈચ્છે તો તે પાછો આવી શકે છે.પણ આ સમય દરમિયાન
તેનું પાર્થિવ શરીર સચવાયેલું હોવું જોઈએ !! એટલે કે કોઈ જો તે શરીરનો નાશ કરે તો તે પાછો ના આવી શકે!
માનવામાં ન આવે તેવી આ પદ્ધતિનું આદિ શંકરાચાર્યનું પોતાનું એક ઉદાહરણ છે!) (મંડનમિશ્ર-ભારતી સાથે)

જીવ (ચૈતન્ય)ના રહેવાના ઘર-રૂપ તે શરીર,રસથી ભરેલી અનેક નાડીઓ વડે,ચારે બાજુ વ્યાપ્ત થઇ રહ્યું હતું.
પાંસળાના હાડકા-રૂપી પાંજરા વડે અને યકૃત-આદિ પિંડો વડે ભરેલું હતું કે જેમાં મારે માંડ અંદર પેસી શકાય
તેવું હતું.જઠરાગ્નિના જોરથી અસ્ફુટ રીતે અવાજ કરી રહેલા સર્વ ઉષ્ણ અવયવો વડે તે વીંટાયેલુ હતું.
વળી તે શરીરમાં જીવન જળવાઈ રહે (જીવતું રહે) તે માટે તેમાં ચિત્તની તથા પ્રાણ આદિ વાયુઓની ક્રિયા
નિરંતર ચાલ્યા કરતી હતી.તે શરીરમાં ચોતરફ ઘાટો અંધકાર પથરાઈ રહ્યો હતો,તેમાં ગરમી ભરી હતી
અને તે અનેક સંકટોના આશ્રય-રૂપ હતું,અને તે (શરીર)ને નરકની ઉપમા આપવી -તે યોગ્ય જ હતી.
   PREVIOUS PAGE          
        NEXT PAGE       
      INDEX PAGE