Apr 21, 2018

Yog-Vasishth-Gujarati-યોગવાસિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-1132

મુનિ (સાધુ બનેલ પારધીને) કહે છે કે-કોઈ નાડીઓમાં રસ-રક્ત-આદિ ધાતુઓ ભરાઈ રહેતી હતી,તો કોઈ ઠેકાણે
તે ધાતુઓ બહાર નીકળતી હતું.ક્યાંક સહેલાઈથી સંચાર થવાથી પ્રાણવાયુ સ્પષ્ટ-પણે ગતિ કરતો હતો,
તો ક્યાંક  રસ્તો રોકાઈ રહેવાથી અસ્પષ્ટપણે ગતિ કરતો હતો,આથી સાતેય ધાતુમાં કાંઇ સડો પેસતાં,તે ધાતુમાં
વધઘટ થવાને લીધે ભાવિ રોગોનું સૂચન થતું હતું.છિદ્રોમાં ગતિ કરતા પવન વડે તે શરીર શબ્દાયમાન થઇ રહ્યું હતું.
તેના હૃદય-રૂપી-કમળની નાળના છિદ્રની અંદર અગ્નિ (જઠરાગ્નિ) જાજ્વલ્યમાન થઇ રહ્યો હતો.

પ્રાપ્ત થતા વાસનામય પદાર્થો વડે તે શરીર અંદર ભરપૂર થઇ રહ્યું હતું.વાયુઓ સહિત ઇન્દ્રિયો વડે તે બંધાયેલું હતું.
પણ સાક્ષી-રૂપ-આત્મ-ચૈતન્યની દૃષ્ટિએ જોઈએ તો તે સ્વચ્છ હતું.છતાં,ચિત્ત-વૃત્તિઓને લીધે કોઈ ઠેકાણે તે
શાંત-અશાંત કે ક્ષોભને પ્રાપ્ત થતું દેખાતું હતું.મેં તેના હૃદયની અંદર રહેલા તેજ (ઓજસ) ધાતુમાં પ્રવેશ કર્યો.
પછી મેં,જીવની સાક્ષાત ઉપાધિ-રૂપ એવા મનોમય,વિજ્ઞાનમય,અને આનંદમય કોશોમાં પ્રવેશ કર્યો.
ત્યાર બાદ મેં પ્રવેશથી થયેલા શ્રમ વડે ઉત્પન્ન થયેલી વ્યગ્રતાને મૂકી દીધી
અને મારા હૃદયની અંદર રહેલા ઓજ (તેજ)ની જેમ જ તેમાં સ્વસ્થપણે સ્થિતિ કરી.

હવે પોતાના સ્વપ્નની જેમ જ મેં તે(મનુષ્યના જીવ)ની સ્વપ્ન-સૃષ્ટિ અખંડિતપણે જોઈ.
તે સૃષ્ટિમાં સૂર્ય,પર્વત,સમુદ્ર,દેવ,દાનવ અને માનવ રહ્યાં હતાં.તથા વનો અને નગરોની રચના જોવામાં આવતી હતી.
એ સ્વપ્નસૃષ્ટિ અનાદિ-કાળથી પ્રવાહ-રૂપે ચાલ્યા આવતા આ જગતના જેવી જ સ્થિર દેખાતી હતી.
હું વિચાર કરવા લાગ્યો કે 'હું વિશેષ કરીને જાગ્રત અવસ્થામાં જ રહું છું,ને જાગ્રત માં નિંદ્રા અવસ્થા હોતી નથી,
તો હું નિંદ્રાને પ્રાપ્ત નહિ થયા છતાં શું હું સ્વપ્નને દેખું છું?' પ્રબોધને પ્રાપ્ત થઈને મેં તેનું સ્વરૂપ ઓળખ્યું.

તે આ ચિદાત્માનું પ્રસિદ્ધ એવું એક ઈશ્વરી રૂપ હતું.તે પોતાના ચિદાકાશમય સ્વરૂપને ઘટપટ,જગત,જીવ-આદિ
જેવાંજેવાં નામ-રૂપે દૃઢ અધ્યાસ-રૂપ દેખે છે-તેવાં નામ-રૂપે તે પોતે થઇ જાય છે.આમ છતાં તે પોતાના
નિર્મળ-નિર્વિકાર સ્વરૂપને છોડતું નથી.(ત્યારે) મેં જાણ્યું કે-જે કંઈ હમણાં મારા જોવામાં આવે છે
તે 'સ્વપ્ન' એવા નામથી કહેવાય છે,કે જે ચૈતન્યનો જ એ વિવર્ત (વિલાસ) છે.

ચિદાત્મા પોતાના ચિદાકાશમય સ્વરૂપની અંદર જે વિવર્ત-ભાવ-રૂપ થઇ રહે છે,તે કંઇક સ્વપ્ન-રૂપ તો કંઇક
જાગ્રત-રૂપ  કહેવાય છે બાકી જાગ્રત અને સ્વપ્ન એ બંને કંઈ જુદા પદાર્થ નથી.
જાગ્રત અવસ્થામાં સ્વપ્ન,સ્વપ્ન-રૂપ જણાય છે અને સ્વપ્નાવસ્થામાં જાગ્રત સ્વપ્ન-રૂપ છે.સ્વપ્નની અવસ્થામાં
સ્વપ્ન પોતે જ જાગ્રત-રૂપ જણાય છે અને જાગ્રત અવસ્થામાં જાગ્રત પોતે જાગ્રત-રૂપ જણાય છે.
આમ જાગ્રત અવસ્થા પણ બે પ્રકારે 'કલ્પાય' છે.
   PREVIOUS PAGE          
        NEXT PAGE       
      INDEX PAGE