Apr 27, 2018

Yog-Vasishth-Gujarati-યોગવાસિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-1138

વસિષ્ઠ કહે છે કે-જયારે આહાર-આદિ વડે રૂંધાઇ રહેલ નાડીઓમાં,કોઈ પણ ઠેકાણે પ્રાણ પિંડીભૂત (પિંડવાળો)
થઇ જાય છે,અને મંદ સંચાર (ગતિ)વાળો થઈને શાંત રહે છે,ત્યારે સુષુપ્તિ અવસ્થા ઉદય પામે છે.
એટલે કે નાડીઓ જયારે અન્ન-આદિથી ભરાઈ જાય છે-અથવા તો-શ્રમ,કલેશ કે ખેદ વગેરેથી જયારે ક્ષીણ થઇ જાય છે,
ત્યારે પ્રાણ(વાયુ) મંદ સંચારવાળો અને માનસિક ક્રિયાથી રહિત થાય છે,ને સુષુપ્તિ અવસ્થાનો ઉદય થાય છે.
વળી (દેહને) ચાંપવા-ચોળવા-આદિ ક્રિયાથી નાડીઓ જયારે કોમળ થાય છે ને તે નાડીઓ રુધિર-આદિ
વડે પૂર્ણ થઇ જાય  છે,ત્યારે પ્રાણ કોઈ જગ્યાએ લીન થઇ જાય છે ને સુષુપ્તિ અવસ્થાનો આવિર્ભાવ થાય છે,
કે જે અવસ્થામાં (પ્રાણનો) કશો પણ વ્યાપાર હોતો નથી.

મુનિ (સાધુ બનેલ પારધીને) કહે છે કે-પછી હું જે મનુષ્યના હૃદયની અંદર બેઠો હતો,તે આહાર વડે સારી રીતે તૃપ્તિ પામીને
ઘાટી નિંદ્રાને પ્રાપ્ત થઇ ગયો.ત્યારે હું તે મનુષ્યના ચિત્ત સાથે એકતાને પ્રાપ્ત થઇ ગયો હોવાથી,
તેની સાથે જ (મારી સ્વતંત્રતાને મૂકી દઈ) સુષુપ્તિ અવસ્થાનો (ગાઢ નિંદ્રાનો) અનુભવ કરવા લાગ્યો.

પછી જયારે તે મનુષ્યના ઉદરમાં રહેલું અન્ન જીર્ણ થઇ ગયું,નાડીઓના માર્ગો સ્ફુટ થઇ ગયા અને પ્રાણવાયુ સ્વાભાવિક
રીતે નાડીમાર્ગોમાં સંચાર કરવા લાગ્યો,એટલે સુષુપ્તિ અવસ્થાનું જોર ઘટવા લાગ્યું.
એટલે જાણે હૃદયમાંથી જ પ્રગટ થયું હોય તેવું સૂર્ય-આદિ જગત,ત્યાં (હૃદયમાં) જ જોવામાં આવ્યું.
તે જગતના કોઈ એક નગરમાં હું પોતાની ભાર્યા (પત્ની) સાથે બેઠો છું.એવું મારા જોવામાં આવ્યું.
પછી અનેક પ્રકારના ગતિવાળા તરંગો વડે ભરપૂર જળના સમૂહમાં (સ્ત્રી-પુત્ર-વગેરે સાથે) હું વહ્યો જતો હતો.
એ જગતમાં મેં અનેક પ્રકારના દુઃખોનો અનુભવ કર્યો.

ત્યારે એકાએક મને મારા જુના અભ્યાસને લીધે,મારા સમાધિ-વાળા પૂર્વ-રૂપનું સ્મરણ થયું કે-
'અહો,હું બીજા જગતની અંદર તપસ્વી-રૂપ થઇ રહ્યો હતો અને બીજા કોઈની સ્વપ્ન-દૃષ્ટિ જોવાની ઇચ્છાથી મેં તેની અંદર
પ્રવેશ કર્યો છે,હું પોતે જ તેના સ્વપ્નની અંદરના ભ્રમને જોઈ રહ્યો છું'
આમ મને મારા પૂર્વ-રૂપનું સ્મરણ થયું,એટલે હું વર્તમાનના પ્રપંચના દૃઢ અભ્યાસથી ઉત્પન્ન થયેલા મિથ્યા જ્ઞાન વડે
દેખાતા દેહ વડે તરંગોમાં વહ્યો જતો હતો,તેમ છતાં હું પરિતાપ પામ્યા વિના સુખિયો થઇ રહ્યો.

વારંવાર જગતનો નાશ થયા કરતો જોઇને મેં વિચાર કર્યો કે-અહો,આ આશ્ચર્યની વાત છે કે જાગ્રત,સ્વપ્ન અને
સુષુપ્તિ-એ ત્રણે અવસ્થા-રૂપી ત્રણ નેત્રને  ધારણ કરનારો અને ઈશ્વરનો અંશ હોવાથી ઈશ્વર-રૂપ એવો,
આ 'જીવ',આ માયા-રૂપી પ્રવાહમાં ઘાસની જેમ વહ્યો જાય છે ! એ ખરેખર ખેદની વાત છે.
   PREVIOUS PAGE          
        NEXT PAGE       
      INDEX PAGE