May 18, 2018

Yog-Vasishth-Gujarati-યોગવાસિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-1159

(૧૫૧) અગ્નિ સર્વને બાળી નાખશે
બીજા મુનિ કહે છે કે-ક્ષણવારમાં જ તમારા આશ્રમમાં જ્યાં તમારો દેહ સૂતો હતો,તે અગ્નિથી ભસ્મરૂપ થયો.
તમારા બંને દેહ એ રીતે જ ભસ્મ થયા પછી તે અગ્નિ,વનને પણ નિઃશેષ કરીને શાંત થઇ ગયો.
એટલે તે સર્વ ભસ્મને વાયુએ વિખેરી નાખી.આથી તે આશ્રમ,વન,બંને દેહો ક્યાંય દેખાતાં નથી.
તમારાં બંને શરીર નાશ પામ્યાં,એટલે સિદ્ધ થાય છે કે સ્વપ્નમાં તમને ભ્રમ થયો હતો તેથી તમારો ચિદાત્મા જ
એ સર્વ-રૂપે જણાયો હતો.આથી જ તે પુરુષ કે તે પુરુષના ગળાનું છિદ્ર દેખાતું નથી.

ઓજ(તેજ) સહિત તે સૂઈ ગયો હતો અને તેથી ઓજ સહિત તેના દેહનો અગ્નિથી નાશ થઇ ગયો.
હે મુનિ,તેથી જ તમારા એ બંને દેહ તમારા જોવામાં આવ્યા નહિ.હમણાં તમે અનંત એવા સ્વપ્ન-સંસાર-રૂપી
જાગ્રત (અવસ્થા)માં રહેલા છો.(તમારું સ્વપ્ન જ જાગ્રત ભાવને પ્રાપ્ત થઇ રહેલું છે)
અને અહી અમે સર્વ તમારા સ્વપ્ન-પુરુષ જ છીએ અને તમે અમારા સ્વપ્ન-પુરુષ છો.

વસ્તુતઃ જોઈએ તો આત્મા-રૂપ ચિદાકાશ સર્વદા પોતાના અદ્વિતીય સ્વ-રૂપમાં જ રહેલું છે,
તમે જો કે પ્રથમ સ્વપ્ન-પુરુષ-રૂપ છો,તો પણ તે દિવસથી માંડીને તમને જાગ્રતની પ્રતીતિ થઇ છે,
આથી તમે જાગ્રત અવસ્થાના પુરુષ-રૂપ થઇ રહ્યા છો અને ગૃહસ્થપણામાં સારી રીતે સ્થિર થઇ  રહેલા છો.
આ સર્વ (કથાનો સાર)આદિથી માંડીને અંત સુધી,જેવું દૃશ્ય-રૂપે જોયું તે મેં કહી બતાવ્યું ,
છતાં તમને સંદેહ રહેતો હોય તો તમે પોતે ધ્યાન વડે તે જોઈ શકો છો.

(૧૫૨) સ્વપ્ન-પદાર્થની સત્યતા વિષેની શંકાનું નિવારણ

મુનિ (વ્યાધને) કહે છે કે-મને ઉપર પ્રમાણે કહી તે મુનિ મૌન ધારણ કરી રહ્યા,અને હું પછી
જાણે પવનમાં વહ્યો જતો હોઉં તેમ વિસ્મયને પ્રાપ્ત થઈ ગયો.ઘણી વાર પછી મેં તેમને કહ્યું કે -
હે મુનિશ્રેષ્ઠ,ખરેખર આ સર્વ સદ-સ્વપ્ન-રૂપ છે (યથાર્થ છે) એમ મને જણાય છે.

બીજા મુનિ કહે છે કે-જો બીજું (જાગ્રત-આદિ)સત્ય સંભવતું હોય,તો હજી 'આ સ્વપ્ન-આદિ શું સત્ય છે?'
એવો પ્રશ્ન ઘટે પણ જ્યાં જાગ્રત-સંબંધી દૃશ્યની પણ અલ્પ સત્તા છે (એટલે તે જો મિથ્યાભૂત છે)ત્યાં પછી
સ્વપ્ન-આદિના સત્યતા-પણાની તો શી વાત કરવી? સ્વપ્નની જેમ જ આ સૃષ્ટિ,પૃથ્વી-આદિથી રહિત છતાં,
દેખાય છે.હે મુનિ,આજના આપણા સ્વપ્નના કરતાં પણ જાગ્રત-રૂપે પ્રસિદ્ધ આ સૃષ્ટિ-રૂપ સ્વપ્ન,
વધારે શુદ્ધ ચિદઘન-રૂપ છે.આ વિષે હું એક યુક્તિ કહું છું તે તમે સાંભળો.
   PREVIOUS PAGE          
        NEXT PAGE       
      INDEX PAGE