More Labels

May 25, 2018

Yog-Vasishth-Gujarati-યોગવાસિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-1163

મુનિ કહે છે કે-હે વ્યાધ,હું તમને આ પ્રમાણે બોધ આપ્યા કરું છું પણ તમે માની લીધેલી 'જગતના સત્યપણાની ભ્રાંતિ'માં
જ તમારી બુદ્ધિ વિશ્રાંત થઇ રહી છે.જો કે તે ક્ષણવાર પ્રબોધ (વિવેક)નો ઉદય થતાં તે પરમપદમાં વિશ્રાંત થાય છે,
પરંતુ તે બુદ્ધિ હજી દૃઢ રીતે પરમપદમાં વિશ્રાંત થતી નથી.
જેમ લાકડું એ કમંડળ-આદિનો આકાર ધારણ ના કરે ત્યાં સુધી તેમાં જળ રહી શકતું નથી,
તેમ,આ બોધ પણ 'અભ્યાસ' વડે પરમ ઉત્કૃષ્ટ પરિણામને ના પામે ત્યાં સુધી,તે ચિત્તની અંદર પ્રવેશ કરતો નથી.

અભ્યાસ વડે ચિત્ત જયારે બોધની અંદર વિશ્રાંત થાય છે,ત્યારે તેની દ્વૈત-અદ્વૈત-સંબંધી સર્વ દૃષ્ટિ ક્ષીણ થઇ જાય છે,
અને ત્યારે નિર્વાણની દશા પ્રાપ્ત થાય છે,એમ અનુભવીઓનું કહેવું છે.
માન-મોહ,સંગદોષ,દ્વંદ્વો,કામના,મૂઢતા-વગેરેથી રહિત ને અધ્યાત્મ-વિષયમાં ને સમતાના અનુભવમાં
સ્થિર થયેલા,તત્વવેત્તાઓ તે પરમ-અવિનાશી-પદને પામે છે.

(૧૫૫) વ્યાધની તપશ્ચર્યા વગેરે

એ પ્રમાણે તે મુનિનાં વચન સાંભળી,એ વ્યાધ તે વનની અંદર વિસ્મયથી જડ જેવો બની ગયો.તેનું ચિત્ત પોતાના અભ્યાસ
વિના પરમપદમાં વિશ્રાંત થયું નહિ.'આ જે કહે છે તે જ નિર્વાણપદ છે કે કાંઇ બીજું નિર્વાણપદ હશે?'
એવા સંશયને લીધે એ વ્યાધ મૂર્ખ મનુષ્યની જેમ શાંતિને પામ્યો નહિ.
'આ જગત અવિદ્યા-રૂપ જ છે' એવું તેના ચિત્તમાં બરોબર રીતે સ્થિર નહિ થવાથી તેણે વિચાર્યું કે-
'આ દૃશ્ય અવિદ્યા નામની બ્રહ્મની શક્તિથી ઉત્પન્ન થયેલું છે અને તે સત્ય છે'

પછી તેણે પોતાના ચિત્તમાં નિર્ણય કર્યો કે-આ દૃશ્ય કેટલે દુર સુધી હશે? તે વાત હું તપ વડે કોઈ અપૂર્વ શરીર મેળવીને
જોઇશ.ભાવ અને અભાવ-એ બંને રૂપે પ્રતીતિમાં આવતા આ દૃશ્યના અંતે (દૃશ્યનો જ્યાં અંત થાય છે ત્યાં) હું સુખેથી
રહી શકીશ.માટે જ્યાં આકાશ પણ ન હોય તેવા રહસ્ય-સ્થળમાં હું જાઉં.
આવો પોતાના હૃદયમાં નિર્ણય કરીને તે મૂર્ખ (વ્યાધ) અવિવેકી જ રહ્યો.
ને તે મુનિએ આપેલો ઉપદેશ અભ્યાસના અભાવે નિષ્ફળ નીવડ્યો.

ત્યાર બાદ તે પારધીએ (વ્યાધે) પોતાનો પારધી-ભાવ છોડી દીધો અને મુનિઓની સાથે તપ કરવાનો પ્રારંભ કર્યો.
હજારો વર્ષ સુધી તેણે મોટું તપ કર્યું.ને પછી કોઈ સમયે તેણે મુનિને પૂછ્યું કે-'મને આત્મ-વિશ્રાંતિ ક્યારે મળશે?"
   PREVIOUS PAGE          
        NEXT PAGE       
      INDEX PAGE