May 26, 2018

Yog-Vasishth-Gujarati-યોગવાસિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-1165

મુનિ કહે છે કે-જેઓ તત્વના યથાર્થ સ્વરૂપને ઓળખનારા છે,તેઓની દૃષ્ટિમાં ચિદાકાશની અંદર આ વિચિત્ર જગતનું
સ્વરૂપ વિદ્યમાન લાગવા છતાં તે નહિ જેવું જ છે.જેમ ચંદ્ર પર રહેનાર પુરુષની દૃષ્ટિમાં પૃથ્વી પર રહેલા
મનુષ્યો અને પદાર્થોનો સમૂહ (અતિ દૂર હોવાને લીધે)અત્યંત અસત્ય જેવો જ લાગે છે,તેમ,પોતાના આત્માથી
અનન્ય-રૂપે જગતને સમજનાર તત્વજ્ઞની દૃષ્ટિમાં પણ આ જગત (દૃશ્ય-રૂપે) અત્યંત અસત્ય જણાય છે.

વળી વળીને જો સૃષ્ટિ-આકાશ-વગેરેનું તમે અવલોકન કર્યા કરશો-તો તમારો સમય એમ જ ચાલ્યો જશે.
અને મહાવિશાળ આકાશની અંદર ફરતાં જ રહીને કોઈ ફળ નહિ મળવાને લીધે તમે ઉદ્વેગ પામશો.
પછી તમે અનંત આકાશને પૂરી રહેલા પોતાના મોટા દેહને જોઇને કહેશો (વિચારશો) કે-
આ મારો દેહ એવડો મોટો છે કે તેનું કોઈ માપ થઇ શકે તેમ નથી.અને હજુ હું એ આકાશને
(મારું શરીર મોટું કરીને) પુરતો રહું છે,પણ હવે મારું ભાવિ શું છે તે જાણી શકાતું નથી !

હાય! આ દૃશ્ય-રૂપ-ઘોર અવિદ્યા અનંત છે-એમ અનુભવમાં આવે છે.અને સર્વત્ર સમાનતાનો બોધ કરનાર બ્રહ્મજ્ઞાન
વિના બીજા કશાથી તેનું પરિમાણ (માપ) થઇ શકતું નથી.માટે આ અતિ વિશાળ ભારભૂત દેહને હું છોડી દઉં કેમ કે
આ દેહ વડે સત-સંગતિ કે શાસ્ત્રોનું અવલોકન એ કશું પણ થઇ શકશે નહિ.
ખરે,અનંત આકાશની અંદર નિરાધારપણે રહેલું આ મારું શરીર કેવું નકામું છે !

તમે આવો વિચાર કરશો અને પ્રાણને શરીરની બહાર લઇ જવાની ધારણા બાંધશો.અને શરીરને છોડી દેશો.
આમ તમે શરીરનો ત્યાગ કરશો એટલે પછી વાયુના કરતાં પણ અતિસૂક્ષ્મ એવો તમરો પ્રાણ-યુક્ત-જીવ,
વાયુની જેમ જ આકાશની અંદર રહેશે.અને તમારો દેહ નિર્જીવ થઈને નીચે પડશે,અને તે શરીર પૃથ્વી-લોક,
તથા પર્વતો આદિના ચૂરેચૂરા કરી નાખશે.પછી રુધિરથી રહિત થઇ રહેલી ભગવતી (કાલી કે શક્તિ)
પોતાના માતૃગણો સાથે એ દેહનું ભક્ષણ કરશે એટલે પૃથ્વી નિર્દોષ થઇ જશે.
હે વ્યાધ,તમારો સર્વ વૃતાંત તમે સાંભળી લીધો છે,હવે તમે તાડના વનમાં તપશ્ચર્યા કરી યથેચ્છ કરો.

વ્યાધ કહે છે કે-અહો મહારાજ,હજી મારે અક્ષય દુઃખ ભોગવવાનું બાકી રહ્યું છે,કેમ કે મેં 'દુઃખ'ને જ ભ્રાંતિથી
પુરુષાર્થ-રૂપ સમજીને મારે હાથે જ વૃથા સંકલ્પથી વહોરી લીધું છે.તમે મને ભાવિ અર્થની સ્થિતિ કહી તે
ભાવિ કોઈ પણ યુક્તિથી બદલાય એમ છે કે નહિ? તે વિષે આપ મને કહો.
   PREVIOUS PAGE          
        NEXT PAGE       
      INDEX PAGE