Jun 5, 2018

Yog-Vasishth-Gujarati-યોગવાસિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-1174

આ પ્રમાણે આ અવિદ્યા અનંત છે,અનેક પ્રકારની શાખા-પ્રશાખા-આદિના વિસ્તાર વડે સુશોભિત છે,
જડ છે,હૃદયને મનોહર દેખાય તેવી છે,આસક્તિ (મોહ) ઉત્પન્ન કરનાર છે.
તે અંદર સાવ શૂન્ય છે અને મોહ-મમત્વ આદિ ગ્રંથિવાળી છે.તે ઉપરઉપરથી કોમળ દેખાય છે પણ
અનુભવ સમયે સુખ-દુઃખ-આદિ રૂપી કાંટા-વાળી જણાય છે.તે મિથ્યા ફળની આશંકાને ઉત્પન્ન કરનાર છે
અને આમ નિષ્ફળ છતાં ચિત્તનું હરણ કરનાર છે.વિવેકી-પુરુષો તેને પસંદ કરતા નથી.

સૃષ્ટિના આરંભકાળમાં જ આ સૃષ્ટિનો આરંભ થવાનું કશું 'કારણ' નથી,તો 'કારણ'ના અભાવના લીધે આ જગત કેવું હોય?
તે તમે જ કહો.અનંત જગતો જેવા પ્રકારે ચિદાકાશમાં કલ્પવામાં આવે છે,તેવા પ્રકારે તે ચિદાકાશમાં ભાસે છે.
એમાં શું આશ્ચર્ય? હમણાં (હાલ)પણ તમે પોતે અથવા બીજા કોઈ પણ,ચિદાકાશની અંદર સંકલ્પમય નગરો રચી શકો છે.
કદાચિત જો તેનો એકરસથી અભ્યાસ કરવામાં આવે તો દૈવેચ્છાથી તે પોતાનું પૂર્વરૂપ છોડી દે છે
અને થોડા સમયમાં જ મનોમય દૃઢ પરિણામ(જગત કે સૃષ્ટિ) ને પ્રાપ્ત થાય છે.

જે પુરુષો અનાદિ (પૂર્વ-સિદ્ધ) વસ્તુ અને પોતાનાં કર્મ આદિ વડે કલ્પિત વસ્તુ,એ બંને સત્ય છે,
એવા દૃઢ સંકલ્પ વડે સ્વીકારી લે છે,તે પુરુષોને જેમ યજ્ઞ-આદિ કરનારને અવશ્ય સ્વર્ગ-આદિની પ્રાપ્તિ થાય છે
તેમ,ક્રમે કરીને બંનેને પ્રાપ્ત થાય છે.વળી જેની બુદ્ધિ એક વિષયમાં જ સત્યતાને માનનાર હોય છે તે એકને જ પ્રાપ્ત
થાય છે.જેમ અંદર કલ્પનાના બળથી પુણ્ય-યોગે નિરંતર સિદ્ધ અવસ્થાનો આવિર્ભાવ પ્રતીતિમાં આવે છે
તેમ,કલ્પનાના બળથી પાપના યોગ વડે નરક-આદિ દુઃખોની પણ પ્રતીતિ થાય છે.

આ દેહ ભલે હોય કે ના હોય,પણ ચિદાત્મા જેવો દૃઢ સંકલ્પ કલ્પી લે છે,તેવું જ તેના અનુભવમાં આવે છે,
કેમ કે સર્વના દેહ પણ મનોમય જ છે.બુદ્ધિને સ્થિર કરીને જીવ એક દેહાકારે રહેલા 'બુદ્ધિ-સંકલ્પ'ને જે ભાવમાં મુકે છે,
તે જ ભાવ-રૂપ-બીજી યોનિને તે આકાશની અંદર દેખે છે.હવે આ બીજી-યોનિ પણ તેની પોતાની બુદ્ધિના સંકલ્પનું જ
એક (જાતનું) પરિણામ છે.શુભ સંસ્કારવાળો પુણ્યાત્મા જીવ શુભ લોકોને દેખે છે અને લાંબા કાળ સુધી અનુભવે છે,
તો અશુભ સંસ્કારવાળો પાપી-જીવ લાંબા સમય સુધી અશુભ લોકોને દેખે છે અને અનુભવે છે.

વસ્તુતઃ જોતાં તો,એ જીવ અને તેને અનુભવમાં આવતા શુભ-અશુભ-લોકો એ બંને ચિદાકાશ-રૂપ જ છે.
શુદ્ધ પુણ્યાત્મા જીવ (કલ્પનાથી) સિદ્ધ લોકને (સ્વર્ગને) દેખે છે અને અનુભવે છે.ત્યારે અશુદ્ધ પાપી જીવ (કલ્પનાથી)
નરકોની અંદર અતિ દુઃખોને અને અતિ અશુદ્ધ પદાર્થોને દેખે છે તથા અનુભવે છે.
અમુક મનુષ્યોને 'અમુક દુષ્કર્મથી અમુક ફળ (નર્ક) પ્રાપ્ત થાય છે' એવા પ્રકારની ભાવના,પહેલાંના એવા અનેક
જન્માંતરમાં થયેલા અનુભવ વડે દૃઢ રીતે બંધાઈ ગયલી હોય છે,અને એ ભાવનાને લીધે જ તેનો આત્મા
તે નરકને પ્રાપ્ત (કલ્પના કે સંકલ્પથી) પ્રાપ્ત થઇ જાય છે અને દુઃખ ભોગવે છે.
વસ્તુતઃ તો પુણ્ય-પાપ,સ્વર્ગ-નરક,સુખ-દુઃખ-આદિ સર્વ ભ્રાંતિ-રૂપ કલ્પનાને લીધે મનોમય જ છે-
છતાં પણ તે ઘણા લાંબા સમયથી અનુભવેલા દૃશ્ય-પ્રપંચ (માયા)માંથી સ્વેચ્છાથી જ કોઈ કાળે પ્રચલિત થાય છે.
   PREVIOUS PAGE          
        NEXT PAGE       
      INDEX PAGE