Jun 16, 2018

Yog-Vasishth-Gujarati-યોગવાસિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-1180

વસિષ્ઠ કહે છે કે-ઇન્દ્રિયો-રૂપી સેનાનો નાયક (સેનાપતિ) તે ચિત્ત (મન) જ છે,તેથી ચિત્તને જીતી લેવાથી
ઇન્દ્રિયો જીતાઈ જાય છે.ને પોતાના જીવાત્માને હ્રદયમાં બ્રહ્મની સાથે એક કરી દઈ,સ્થિર રહેનારા તત્વજ્ઞ પુરુષનું મન,
તો પોતાની મેળે જ શમી જાય છે.બ્રહ્મમાં ચિત્તને રોકી રાખવાથી,જેવું તે ચિત્ત શાંતિને પ્રાપ્ત થાય છે,
તેવું તપ,તીર્થ,વિદ્યા અને યજ્ઞ આદિ ક્રિયાઓના સમૂહ વડે શાંતિ પામતું નથી.
માટે જે જે કંઈ વિષય બળાત્કારથી સ્મરણ-પથમાં આવે તેનો અધિષ્ઠાન ચૈતન્યમાં લય કરી દેવો,
અને પોતાના દૃઢ નિશ્ચય વડે જ તે વિષયોના સંસ્કારોને જડમૂળથી ઉખેડી નાખવા.

પોતાના પુરુષ પ્રયત્ન વડે જો ચિત્તને જો વિષયોમાંથી નિરંતર રોકી રાખવામાં આવે તો પરમપદ મળે છે.
'સ્વધર્મના વ્યવહાર વડે જે કંઈ પ્રાપ્ત થાય છે તે જ મને રુચે છે,બીજું કશું રુચતું નથી' આવા નિશ્ચય વડે તમે વજ્રના જેવા
દૃઢ થઈને રહો.નિષિદ્ધ પદાર્થોની ઈચ્છાને ત્યજીને,જે પુરુષ શમનું અને સંતોષનું સંપાદન કરી રહ્યો હોય છે,
તે જિતેન્દ્રિય છે.અંદર ચિદાત્માની રસિકતા વિષે અને બહાર વિષય-આદિમાં નિરસતા વિષે,
જેનું ચિત્ત ઉદ્વેગ પામતું નથી,તેની ચિત્ત ઉપશમ પામી (કે શમી) જાય છે.

ચિત્તનો બહિર્મુખ થવાનો જે પ્રયત્ન છે,તેને રોકી રાખવાથી તે વિષય તરફ દોડવાના
પોતાના દુર્વ્યસનને છોડી દે છે.આમ ચિત્ત ચપળતાથી રહિત થઇ જાય-એટલે તે વિવેક તરફ વળે છે.
અને આવો વિવેકી કે ઉદાર ચિત્તવાળાઓ પુરુષ જિતેન્દ્રિય કહેવાય છે કે જે વાસના-રૂપી-તરંગોના
વેગ વડે સંસાર-સાગરમાં તણાતો નથી,તે જગતને વાસ્તવ-રૂપે (સત્ય-રૂપે)દેખે છે.
જેમ,નિર્જળ પ્રદેશમાં થયેલી (ઝાંઝવાની) જળ-ભ્રાંતિ,જો તેનું સત્ય-અવલોકન કરવામાં આવે તો
નિવૃત્ત થઇ જાય છે,તેમ,સંસારની ભ્રાંતિ પણ સત્ય અવલોકનથી શાંત થઇ જાય છે.

પરમપદ બ્રહ્મની અંદર આદિ-મધ્ય-અંત એવા કોઈ પ્રદેશની કલ્પના નથી,આ અવિદ્યા પણ તેનું જ એક રૂપ છે,
બાકી અવિદ્યા એ કંઈ તેનાથી બીજી વસ્તુ નથી.જીવ જગ્રતમાંથી સ્વપ્નમાં જાય છે અને સ્વપ્નમાંથી જાગ્રતમાં જાય છે,
તે જીવ ભલે પ્રબુદ્ધ હો કે અપ્રબુદ્ધ હો,પરંતુ તે સદા એક-સાક્ષી-રૂપે જ રહેલો છે.
સ્વપ્નની અને જાગ્રતની અંદર,સુષુપ્તિ અને તુરીય-એ બંને સદાકાળ રહેલાં છે.અને વિવેકી પુરુષ,એ
જાગ્રત અને સ્વપ્ન-એ બંનેને 'તુરીય-રૂપ' જ સમજે છે.તેની દૃષ્ટિમાં અવિદ્યા છે જ નહિ.તે દ્વૈત-પ્રપંચ(જગત)માં
રહેવા છતાં અદ્વૈત-દૃષ્ટિમાં જ રહે છે.અને તેને દ્વૈતની (હું-તમે-આદિ) કલ્પના રહેતી જ નથી.
   PREVIOUS PAGE          
        NEXT PAGE       
      INDEX PAGE