More Labels

Jun 17, 2018

Yog-Vasishth-Gujarati-યોગવાસિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-1181

વસિષ્ઠ કહે છે કે-યોગ્ય અધિકારી પુરુષો,પોતાના હૃદયમાંથી અવિદ્યા-રૂપી કચરો નીકળી ગયા પછી,
બ્રહ્મમાં જ ચિત્ત રાખી રહે છે,બ્રહ્મમાં જ પ્રાણને ધારણ કરીને રહે છે.પરસ્પર બોધ કરે છે,ભગવદ-ગુણનું
વર્ણન કરે છે,શુભ વાર્તાલાપ કરે છે અને પ્રસન્ન થઇ આનંદ પામે છે.આવા પોતાની અવિચ્છિન્ન ભક્તિ વડે પ્રીતિપૂર્વક
ભજનારા અને નિરંતર વિચારયુક્ત વિવેકી અધિકારીઓને હું (યોગ વાસિષ્ઠના જ્ઞાન-રૂપી-બોધનો)
ઉત્તમ બુદ્ધિનો યોગ આપું છું,તેથી તેઓ તે અવિનાશી પદને પ્રાપ્ત થાય છે.

પુરુષ પ્રયત્ન વિના બ્રહ્મ-રૂપ-તત્વજ્ઞાન સિદ્ધ થતું નથી.તે જ્ઞાનમય ઉત્તમ સ્થિતિનો લાભ વિનાયત્ને શી રીતે મળે?
તે તત્વજ્ઞાનથી થતી એક ઉત્તમ વિશ્રાંતિ આગળ ઇન્દ્રપદ પણ ઘાસના જેવું અતિ તુચ્છ છે.
અજ્ઞાન-રૂપી નિંદ્રામાં સૂતેલા અને વિષય-ભોગમાં આસક્ત રહેલા અવિવેકી મનુષ્યો જેવી રીતે  દૃશ્ય (જગત)ને
આસક્તિથી જુએ છે,તેવી રીતે શાંત તત્વજ્ઞ મહાત્માઓ દૃશ્યમાં આસક્તિ ના બાંધતા,
નિરતિશય આનંદ-રૂપ-પરમપદને અતિ આસક્તિથી જુએ છે.

અતિશય યત્ન કાર્ય વિના આ દુર્લભ-મોક્ષ-પદ કદી પણ પ્રાપ્ત થતું નથી.અતિ અભ્યાસ-રૂપ-વૃક્ષનું ફળ એ પરમપદ છે.
એમ તમે સમજો.એટલા માટે જ મેં તમને અભ્યાસની દૃઢતા વિષે વારંવાર કહ્યું છે.એટલે તમારે
'આ ગ્રંથ (કે બોધ) અને આ અભ્યાસ શું કામ કરવો?' એવી અશ્રદ્ધાવાળી બુદ્ધિ રાખવી નહિ.
કોઈ અતિકુશળ બુદ્ધિવાળાને જ અભ્યાસની અપેક્ષા રહેતી નથી પણ સામાન્ય બુદ્ધિવાળા પુરુષના હૃદયમાં તો
(ઘણી વખત) આ વિશિષ્ટ આત્મ-તત્વ આટલું બધું વિસ્તારપૂર્વક કહેતાં પણ (તેને) સમજી શકાતું નથી.

આ શાસ્ત્ર (યોગ-વાશિષ્ઠ) માં (વારંવાર આવર્તન કરી) કહેલા બોધનું,જો વારંવાર આવર્તન કરવામાં આવે,
ઘણા લાંબા સમય સુધી તેનો સ્વાદ લેવામાં આવે,તેનું શ્રવણ કરવામાં આવે,કે તેની કથા કરવામાં આવે,
તો અજ્ઞાની પણ તત્વજ્ઞ બની જાય છે.કોઈ મનુષ્ય જો આ શાસ્ત્રનું એકવાર અવલોકન કરીને
'મેં તો એ જોઈ (વાંચી) લીધું છે' એમ કહી તેને છોડી દે છે,તેને બીજાં શાસ્ત્રોથી પણ કશો લાભ થતો નથી.
(અદ્વૈત કે વેદાંતનું) આ આખ્યાન ઉત્તમ છે,અને વેદની જેમ સદા તેનું અધ્યયન કરવું,વ્યાખ્યાન કરવું,
કેમ કે તે પુરુષાર્થ-રૂપી-ફળને આપનાર છે.

જે ફળ આ શાસ્ત્રથી પ્રાપ્ત થાય છે તે જ ફળ વેદથી પણ પ્રાપ્ત થાય છે.આ શાસ્ત્રનું જ્ઞાન મળવાથી કર્મ અને જ્ઞાન
એ બંને પવિત્ર થઇ જાય છે.વળી આ શાસ્ત્ર જાણ્યાથી,વેદાંતનો તર્કપૂર્વક સિદ્ધ થતો સિદ્ધાંત સહેલાઈથી જણાઈ જાય છે.
તેથીજ આ આખ્યાન શાસ્ત્ર-દૃષ્ટિમાં ઉત્તમ ગણાયું છે.આ હું તમને દયાર્દ્રપણાથી કહું છું (અભિમાનથી કે માયાથી નહિ)
તમે પણ આ શાસ્ત્રમાં કહ્યા મુજબ વિચારવાથી,આ દૃશ્ય-સમૂહને માયા-રૂપ મિથ્યા સમજશો,
માટે આનો 'વિચાર' કરો.આ શાસ્ત્રને વિચારવાથી બીજાં શાસ્ત્રો પણ (સમજી શકાય તેવાં)રુચિકર થાય છે.
માટે આ આખ્યાન અનાર્ય છે (અતિ મહત્વનું નથી)  એમ સમજી તેનો અનાદર કરશો નહિ.
   PREVIOUS PAGE          
        NEXT PAGE       
      INDEX PAGE