Jun 23, 2018

Yog-Vasishth-Gujarati-યોગવાસિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-1187

વસિષ્ઠ કહે છે કે-આ દૃશ્ય (જગત) જેવું ભાસતું હોય તેવું ભલે સુખથી ભાસો.એ પ્રતીતિમાં આવવા છતાં પણ,
ચિદાકાશ-રૂપ હોવાથી તેને સત્ય કે અસત્ય-એવું કંઈ જ કહી શકાતું નથી.
પ્રપંચ (માયા) નું સ્વરૂપ કંઈ જ નથી પરંતુ કંઇક અનિર્વચનીય તો છે.આ જગત આવું છે-આવું નથી-સત્ય છે-અસત્ય છે-
એવા લોક પ્રચલિત વૃતાંતને વિવેકી તત્વજ્ઞ પુરુષ જ જાણી શકે છે.અવિવેકી નહિ.

વિવેકી પુરુષ પોતે જ સર્વના હૃદયમાં આત્મા (કે બ્રહ્મ)રૂપે રહેલો છે.આથી તેના વિલાસ(વિવર્ત)રૂપે
પ્રગટ જણાતું આ દૃશ્ય (જગત)માંનું  'આ બાહ્ય બ્રહ્માંડ છે અને આ તેની અંદર રહેલું શરીર છે'
એવી ભેદની 'કલ્પના' વડે તેણે 'નામો' (સંજ્ઞાઓ)ની રચના કરી છે.આમ આ સર્વ (નામોની કલ્પનાની) ઘટના,
એ મહા-ચિત્ત-સત્તાની જ છે.તો પછી-અહીં બાહ્ય-અંદર,દૃશ્ય-દૃશ્યપણું-આદિ શું હોય?
સર્વ જગત આવા (નામ)રૂપે વિદ્યમાન હોવા છતાં પરમ-મંગલમય-બ્રહ્મ-રૂપે છે-એમ સમજીને,
પ્રણવ (ॐ)માં અભેદ-કલ્પના વડે તે જગતનો લય કરી દઈને તમે શાંત થઈને રહો.

વાચ્ય(જે વાંચવાનું છે તે) અને વાચક (વાંચનાર)ની દૃષ્ટિ રાખ્યા વિના શાસ્ત્રાર્થનો વિચાર થતો નથી.
તે 'વિચાર' પણ તે (બ્રહ્મ)ના વિકલ્પ-વાળા અવયવો સહિત કરાયો હોય તો જ તે સમજી શકાય તેવું બને છે.
જેમ દીવા વિના રાત્રિના અંધકારમાં 'પ્રત્યક્ષ જ્ઞાન' થતું નથી,તેમ આવા 'વિચાર' વિના,
શાસ્ત્રનો અર્થ સમજી શકતો નથી.(શાસ્ત્રની સિદ્ધિ થતી નથી)
માટે જ આવા અનેક વિકલ્પોની શાસ્ત્રમાં કલ્પના કરવામાં આવી છે.

માટે (શાસ્ત્રોના જ્ઞાનથી) અંદર થયા કરતી,અનેક વિકલ્પો અને સંકલ્પની કલ્પનાને,
યથાર્થ-'વિચાર'થી નિર્મળ થયેલી 'બુદ્ધિ'થી દુર કરો તથા સર્વ શાસ્ત્રના સાર-રૂપ અને મહાપુરુષાર્થ-રૂપ-આત્મામાં
મનને 'એક-નિષ્ઠા-વાળું' રાખો અને આ સંસારમાંથી ઉડીને એ 'એક-નિષ્ઠા'થી મોક્ષ-પદને પ્રાપ્ત થાઓ.

(૧૬૮) સૃષ્ટિનો અધ્યારોપ અને તેનો નિષેધ

વસિષ્ઠ કહે છે કે-જેમ,વૃક્ષ 'હું આ પ્રમાણે શાખાઓને બનાવીશ' એવી બુદ્ધિ સહુ પ્રથમ બાંધ્યા વિના જ,
શાખાઓને ઉત્પન્ન કરે છે,તેમ,જન્મ-આદિ વિકારથી રહિત પરમાત્મા,આકાશના જેવા વિસ્તીર્ણ આત્માની અંદર
શૂન્ય છતાં વિચિત્ર 'પ્રપંચના અધ્યાસ' (માયા)ને સ્વાભાવિક-રીતે જ ઉત્પન્ન કરી લે છે.
જેમ,મહાસાગર,સહુ પ્રથમ કોઈ પણ બુદ્ધિની કલ્પના કર્યા સિવાય જ આવર્ત (તરંગ) ને ઉત્પન્ન કરે છે,
તેમ,સર્વેશ્વર પરમાત્મા,સહુ પ્રથમ કશી કલ્પના કર્યા વિના જ જગતના આભાસને સ્વાભાવિક રીતે જ ઉત્પન્ન કરે છે.
અને પછી,તે પોતે જ જગતના આકારે દેખાતા પોતાના વિલાસોની જ મન-બુદ્ધિ-અહંકાર-આદિ
અનેક પ્રકારની સંજ્ઞાઓને કલ્પી લે છે.
   PREVIOUS PAGE          
        NEXT PAGE       
      INDEX PAGE