Jun 22, 2018

Yog-Vasishth-Gujarati-યોગવાસિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-1186

(૧૬૭) ખ્યાતિનો નિષેધ અને આત્મ-તત્વનું નિરૂપણ

વસિષ્ઠ કહે છે કે-આત્મખ્યાતિ,અસતખ્યાતિ,ખ્યાતિ,અખ્યાતિ અને અન્યથાખ્યાતિ-એ સર્વ શબ્દો અને
તે શબ્દોના અર્થ સંબંધી દૃષ્ટિઓ-એ તત્વજ્ઞ પુરુષને (સસલાના શિંગડા જેવી) મિથ્યા જ ભાસે છે.
નિરાકાર ચિદાકાશની અંદર કોઈ દિવસ એ કલ્પના સંભવતી જ નથી.અનિર્દેશ્ય આત્મ-તત્વ-રૂપે રહેલો
વિવેકી પુરુષ તો ખ્યાતિ-અખ્યાતિ-આદિના મૂળરૂપ એવી ચિત્તની ચેષ્ટાથી રહિત થઈને સદાકાળ શાંત રહે છે.
આ સર્વ આત્મખ્યાતિ-આદિ કલ્પનાઓ આકાશ-રૂપ ચિન્માત્ર તત્વમાંથી જ ઉદય પામે છે.(કે આરોપાય છે)

માટે વિવિધ શબ્દો અને તેના અર્થને છોડી દઈને કેવળ પરમાર્થ-પરાયણ થઈને રહો.ને આમ થતાં,ગતિ-સ્થિરતા
આદિ ક્રિયાના કારણરૂપ  જગત પણ સર્વ પ્રવૃત્તિથી રહિત,આકાશના જેવું નિઃસંકલ્પ,અવિચ્છિન્ન ને સ્વચ્છ ભાસે છે.
તે અનેક પ્રકારના શબ્દો વાળું હોવા છતાં શિલાની જેમ મૌનને ધારણ કરી રહેલું,ને તે નિરંતર ગતિમાન છે છતાં  
પર્વતના જેવું અતિ સ્થિર ભાસે છે.તે અનેક પ્રકારના આરંભોવાળું છે છતાં મહાશૂન્ય અને નિષ્કલંક ભાસે છે.

રામ કહે છે કે-જાગ્રત અને સ્વપ્ન-રૂપે પ્રતીતિમાં આવતું આ દૃશ્ય,સ્મૃતિ વડે જ દેખાય છે-એમ હું માનું છું.
વિદ્યમાન ન હોવા છતાં દેખાતા પદાર્થોનું સ્મરણ થવું તેજ તેમાં કારણરૂપ જણાય છે.

વસિષ્ઠ કહે છે કે-જે સર્વ પદાર્થોની સત્તા-રૂપે રહેલું છે,ચિદ-રૂપ છે,અવિનાશી છે અને અપરિમેય છે,તે સત્ય-તત્વ
કાકતાલીયની જેમ પોતાના વિવર્ત (આભાસ) રૂપે પ્રતીતિમાં આવે છે-ને તે જ જગત છે એમ તમે સમજો.
આત્મા પોતે બ્રહ્મ-રૂપ છે.બ્રહ્મ પોતાના સ્વચ્છ સ્વભાવને નહિ છોડતાં,પોતે જ વિવર્ત-રૂપે અનેક આકારે
કલ્પે છે,અને પોતાના ચેતનપણાથી જ અમુક જાગ્રત છે,અમુક સ્વપ્ન છે,અમુક સુષુપ્તિ છે અને અમુક તુર્ય છે-
એવી અનેક સંજ્ઞાઓને પણ તેણે જ કલ્પી લીધેલી છે.બ્રહ્મ-આત્મા જેવી સંજ્ઞાઓ (નામો) પણ કલ્પેલી જ છે.
વસ્તુતઃ તો કશો ભેદ (દ્વૈત) નથી પણ સર્વ પરમ-શાંત-ચિદાકાશ-નિરાકાર-રૂપ જ છે.

'નિર્વિકાર ચિદાકાશનું જગત-રૂપે ભાન થવું અને જગત-રૂપે ભાન ન થવું- એ બંને વાત એક જ અધિષ્ઠાનમાં કેમ ઘટી શકે?'
એવી શંકા કરવી યોગ્ય નથી કેમ કે આકાશમાં રહેલ પવન જેમ ચપળતા અને સ્થિરતા ધારણ કરે છે
તેમ,સ્વભાવથી જ તે પરમ-તત્વ સવિકલ્પ અને નિર્વિકલ્પ-ભાવને ધારણ કરે છે.
વાસનાના ઉદય વડે,જેમ જેમ એ ચિદાકાશ સ્ફૂરણને ધારણ કરે છે તેમ તેમ આ જગતનો ભાસ થાય છે.
બાકી વાસ્તવિક રીતે નિરંતર ચિદાકાશ પોતાના સ્વરૂપની અંદર રહેલું છે.
   PREVIOUS PAGE          
        NEXT PAGE       
      INDEX PAGE