Jun 21, 2018

Yog-Vasishth-Gujarati-યોગવાસિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-1185

વસિષ્ઠ કહે છે કે-તે અતિ-દૃઢ શિલા કોઇથી ભેદી  શકાય કે આલેખી શકાય તેમ નથી અને તેનો કોઈ ભેદનાર
કે આલેખનાર પણ નથી.આ સર્વ એ અપાર અને અનંત (બ્રહ્મ-રૂપ) દેહવાળી એ શિલાથી વ્યાપ્ત છે.
એ શિલાની અંદર અનંત વૃક્ષો,પર્વતો,નગરો-વગેરે અનંત રેખાઓ-રૂપે રહેલાં છે.તેમાં પ્રતિમા (મૂર્તિ) ની જેમ
દેવતાઓ અને દૈત્યો.સ્થૂળ-સૂક્ષ્મ,સાકાર-નિરાકાર-રૂપે રેખાના આકારે રહેલા છે.તે શિલાની અંદર આકાશ નામની
એક વિશાળ રેખા રહેલી છે અને તેના મધ્યમાં સૂર્ય-ચંદ્ર-નામની ઉપ-રેખાઓ પણ રહેલી છે.

રામ કહે છે કે-હે મહારાજ,શિલાના ઘાટા ગર્ભની અંદર રહેલી એ રેખાઓને કોણે દીઠી છે?
તે કેવા પ્રકારની છે? અને શી રીતે જોવામાં આવે છે? તે મને કહો.

વસિષ્ઠ કહે છે કે-હે રામચંદ્રજી,એ શિલાના ગર્ભમાં રહલી તે સર્વ પ્રકારની રેખાઓ એવા જ પ્રકારની મેં જોઈ છે.
જો તમારી ઈચ્છા હશે તો તમે પણ સમાધિ વડે તેને જોઈ શકશો.

રામ કહે છે કે-એ શિલા તો વજ્રના જેવી દૃઢ છે અને તેને ભાંગીને તેની અંદર જોઈ શકાય તેમ નથી,
છતાં તમે અંદર રહેલી રેખાઓ શી રીતે જોઈ?

વસિષ્ઠ કહે છે કે-હે રામચંદ્રજી,આ હું (બ્રહ્મ-રૂપ) વસિષ્ઠ નામનો દેહધારી પણ એ શિલાના (બ્રહ્મ-રૂપ) ગર્ભમાં
રહેલો હોવાથી,હું પણ એક રેખા-રૂપ જ છું,તેથી ત્યાં રહી હું એ સર્વ રેખાઓને નિર્બાધ-પણે જોઉં છું.
બાકી બીજા કોઈ પ્રકારે તો તે શિલાને ભાંગવા કોણ સમર્થ થઇ શકે?

રામ કહે છે કે-એ શિલા કઈ? તમે પોતે કોણ અને ક્યારે રહ્યા છો?અને આ શિલાના નામ (ઉદાહરણ)થી
તમે શું કહ્યું અને શું દીઠું ? તે મને કહો.

વસિષ્ઠ કહે છે કે-આ જે મેં તમને શિલાના ઉદાહરણથી જે આખ્યાન કહ્યું-તે પરમાત્માની મહાસત્તા જ છે,
બાકી બીજી કોઈ વિશાળ શિલા નથી.પરમાત્માની મહા-સત્તા-રૂપ-શિલાના છિદ્ર-રહિત ગર્ભની અંદર આપણે સર્વ
એ શિલાના માંસની જેમ રહ્યા છીએ.આકાશ એ પરમાત્માની મહાસત્તારૂપી શિલાના એક અંગ-રૂપ છે.
પંચમહાભૂતો સહિત આપણને પણ તે શિલાની અંદર જ રહેલા છીએ અને વસ્તુતઃ તેનાથી જુદા નથી.

આ સર્વ (દૃશ્ય)બ્રહ્મ વડે ભરપુર છે અને ચિન્માત્ર તત્વ વડે ઘટ્ટપણે વ્યાપ્ત છે.પારમાર્થિક તત્વ વડે
તે એકરસ-રૂપે થઇ રહેલું છે.એમ વિવેકીઓ સમજે છે (ને તે સમજાવવા માટે આ શિલાનું દૃષ્ટાંત છે )
આ સર્વ પ્રપંચ (માયા) પણ છિદ્રથી રહિત છે,અનાદિ છે અને અનંત છે અને મધ્યભાગથી પણ રહિત,
મહા-ચૈતન્ય-રૂપી શિલાના એક ગર્ભ-રૂપ છે.વળી તે બ્રહ્મ-રૂપ-આત્માએ જ પોતાની કલ્પના વડે,
જગત,સૃષ્ટિ,ભુવન,દૃશ્ય-આદિ નામોની ઘટના કલ્પી લીધેલી છે.
   PREVIOUS PAGE          
        NEXT PAGE       
      INDEX PAGE