Jun 20, 2018

Yog-Vasishth-Gujarati-યોગવાસિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-1184

(૧૬૬) ખ્યાતિઓ વિષે વર્ણન

વસિષ્ઠ કહે છે કે-હે રામચંદ્રજી,'આત્મ' શબ્દ અને 'ખ્યાતિ'શબ્દ-એ બંનેથી રહિત એવો 'આત્મ-ખ્યાતિ' શબ્દ છે.
અને તે શિલાના અંદરના ગર્ભ જેવી એકરસ છે.સૃષ્ટિના આદિકાળથી આરંભી ચિદાકાશ જ આવા-રૂપે પ્રસરી રહેલું છે.
ખ્યાતિ શબ્દથી અને ખ્યાતિ શબ્દના અર્થથી-રહિત સ્વયંપ્રકાશ આત્માને જ વિદ્વાનો 'આત્મ-ખ્યાતિ' શબ્દ-રૂપ સમજે છે.
જો કે આ આત્મા સર્વ જગત-રૂપ છે અને તેનામાં કશી પણ ખ્યાતિ રહી નથી.
વળી કોઈ ખ્યાતિએ તેને કોઈ પણ દેશ-કાળમાં પ્રખ્યાત કરેલો નથી,તેથી તેમાં 'અખ્યાતપદ' જ ઘટી શકે છે.

પરબ્રહ્મની અંદર ખ્યાતિ કે અખ્યાતિ-એ બંને પ્રકારની વાણીની યુક્તિ ખરી નથી,કેમ કે અદ્વિતીય વસ્તુની
અંદર ખ્યાતિ કે અખ્યાતિ કેવી હોય? અખ્યાતિ,અસતખ્યાતિ,અન્યથા ખ્યાતિ અને આત્મખ્યાતિ-એ સર્વ
ચિન્માત્ર રૂપ પ્રકાશનો ચેતન સત્તા વડે પ્રતીતિમાં આવતો એક ચમત્કાર જ છે,ને તેની વિભૂતિઓ જ છે,
તેમ જ તે તેની સત્તા વડે જ અનુભવમાં આવે છે.આત્મ-ખ્યાતિ એવા નામપદને પણ છોડી દઈને,
તેનો જે મૂળ અર્થ છે,તે અંતે તો અનાદિ-અનંત એવા નિષ્પ્રપંચ બ્રહ્મની અંદર જ લય પામે છે.

આ સંબંધમાં હું એક આખ્યાન કહું છું તે તમે સાંભળો.કે જે દ્વૈત-દ્રષ્ટિનું ખંડન કરી જ્ઞાનનો ઉજાસ આપનાર છે.
કરોડો યોજન લાંબી-પહોળી એક મહાવિશાળ નિર્મળ શિલા છે.અને તેની ચારે બાજુથી શ્યામ એવું આકાશ જો
ભીંત-રૂપ હોય તો તે તે આકાશના જેવી જ નિર્મળ,કઠિન અને વિશાળ  છે.(એટલે કે તે શિલા આકાશરૂપ જ છે)
તે શિલાના અંદર કોઈ પણ સાંધાઓના બંધન નથી,તે ઘાટી છે અને વજ્રના જેવી દૃઢ અને સ્થિર છે.
અસંખ્ય કલ્પોના સમૂહ સુધી તે અવિનાશી છે.તેની વિશિષ્ટ જાતિ કોઈના જાણવામાં આવતી નથી,
તેમ જ તે કયા દેશ-કાળમાં કયા પ્રકારે થઇ હતી-તે પણ કદી કોઈના જાણવામાં નથી.

પંચમહાભૂતો અને પ્રાણીઓથી રહિત,તેના જઠરની અંદર અનેક પદ્મના સમૂહો,શંખો,ગદાઓ તથા ચક્રો-આદિ રેખા-રૂપે
અને તેના અંગ-રૂપે રહેલાં છે.શિલાના ગર્ભની અંદર પંચમહાભૂતો વાળું જગત હતું જ નહિ,
પરંતુ તેણે પોતાની 'રેખા'ના જ એ સર્વ નામો પાડ્યાં હતાં અને દેહો-રૂપી રેખાઓની અંદર પોતાની
'જીવ' એવી સંજ્ઞા (નામ) પાડી હતી,

રામ કહે છે કે-શિલા તો સ્વભાવિક રીતે જડ જ હોય છે,તો તેમાં ચૈતન્ય ક્યાંથી હોય?
અને જો તે જડ હોય તો પછી તે પોતાની રેખાનાં,આકાશ,વાયુ,જીવ-આદિ નામો કેમ કલ્પી શકે?

વસિષ્ઠ કહે છે કે-વિશાળ અને ઉજ્જવળ એ શિલા ચેતન પણ નથી અને જડ પણ નથી.
તેની જાતિને કોણ જાણી શકે? અને તે વખતે (તેને જાણવા) ત્યાં બીજો કોણ હોય?

રામ કહે છે કે-તો શિલાના ગર્ભની અંદર રહેલી રેખાને કોણ અને કેવી રીતે દેખે છે ?
તે શિલાની અંદર તે વિચિત્ર રેખાઓ કોને,ક્યારે અને શી રીતે આલેખી? તે વિષે આપ કહો.
   PREVIOUS PAGE          
        NEXT PAGE       
      INDEX PAGE