More Labels

Jun 26, 2018

Yog-Vasishth-Gujarati-યોગવાસિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-1190

(૧૬૯) જીવનમુક્તનાં લક્ષણો અને તત્વજ્ઞની નિર્વિકાર દશા

વસિષ્ઠ કહે છે કે-બુદ્ધિ અંતર્મુખ હોવાથી જેને સુખના સાધન-રૂપ-વિષયો સુખ આપતા નથી અને દુઃખનાં સાધનો દુઃખ
આપી શકતાં નથી,તે મુક્ત કહેવાય છે.જેવી રીતે અવિવેકી પુરુષોની બુદ્ધિ ભોગોમાં આસક્ત થઈને તેમાંથી ખસતી નથી,
તેવી રીતે જેની બુદ્ધિ ચિદાકાશમાં અચળ સ્થિતિ રાખી (માત્ર ચૈતન્યમાં જ આસક્ત થઇ) તેમાંથી
વ્યથિત થતી નથી,તે મુક્ત કહેવાય છે.જેનું ચિત્ત (મન) ચિન્માત્ર આત્મામાં જ વિશ્રાંત થવાથી તેમાંથી ચંચળ થતું નથી
અને તેમાં જ પ્રીતિ બાંધી સ્થિર થઈને રહે તે મુક્ત કહેવાય છે.એટલે કે જેનું ચિત્ત પરમાત્મામાં વિશ્રાંત થઇ જઈ,
પાછું ફરીવાર દૃશ્ય (જગત) માં આસક્ત થતું નથી-તે જીવનમુક્ત કહેવાય છે.

રામ કહે છે કે-હે મહારાજ,જેને સુખનાં સાધનો સુખ ઉત્પન્ન ના કરે અને દુઃખનાં સાધનો દુઃખ ના ઉપજાવે,
તેવા મનુષ્યને તો અચેતન અને જડ જેવો માનું છું.

વસિષ્ઠ કહે છે કે-એક ચિદાકાશ (ચૈતન્ય કે પરમાત્મા) માં જ માત્ર નિષ્ઠા રાખવાથી જેનું ચિત્ત જ્ઞાનમય થઇ જાય છે,
ત્યારે તે કોઈ પ્રયત્ન કર્યા વિના જ સુખ-દુઃખને જાણતો (અનુભવતો) નથી,તેથી તે વિશ્રાંત પામેલો કહેવાય છે.
સર્વ પદાર્થોમાં વિવેકના લીધે જેના સર્વ સંદેહો વાસ્તવિક રીતે ક્ષીણ થઇ ગયા હોય છે તે પરમપદમાં વિશ્રાંત પામેલો
હોય છે,ને ત્યારે તે વ્યવહારમાં રહેલ હોય છતાં પણ તેનું ચિત્ત કોઈ પણ દેશ-કાળમાં કોઈ પણ વસ્તુની અંદર
રાગ વાળું (આસક્ત) થતું નથી.તેથી તે સદેહ છતાં જાણે તેઓ સુષુપ્તિને પ્રાપ્ત થઇ ગયા હોય તેવો વિદેહ
અને નિર્વિકાર દેખાય છે.આવા મનુષ્યો જડ જેવા ભાસે (દેખાય) છે પણ જડ હોતા નથી.

જે પ્રમાણે,જેઓ શય્યામાં સુખથી સુઈ,સ્વપ્નમાં સ્થિર રહ્યા હોય તે સૂતેલા કહેવાય છે,પણ તેઓ નિંદ્રાને પરવશ હોતા
નથી,તેથી તેઓ જડ કહેવાતા નથી,તે જ પ્રમાણે જીવનનો લાંબો પંથ કાપીને,થાકી જઈ તે જીવનથી નિવૃત્ત થઇ
શ્રમ-રહિત (જીવનમુક્ત) બન્યો હોય અને સુખનો તથા મૌનનો આશ્રય કરી,
તે જો બહિર્મુખ-પુરુષો આગળ કશી વાત કરતો ન હોય તો તેને જડ કહી શકાય નહિ.

આ દુઃખદાયી દૃશ્ય (જગત) ની અંદર જ્યાં,સર્વ (અજ્ઞાની કે અવિવેકી) પ્રાણીઓ જાગ્રત રહે છે,
ત્યાં તત્વજ્ઞ પુરુષ સુષુપ્તિને ધારણ કરે છે.આત્મ-સુખમાં નિમગ્ન થયેલો એ મહાપુરુષ દૃશ્યને જોતો જ નથી.
હે રામચંદ્રજી,જે પુરુષ સર્વ કર્મ-સમૂહનો અનાદર કરી પોતાના આત્મામાં જ સ્થિર થઈને રહે છે,
તે આત્મારામ કહેવાય છે,પણ તેને જડ કહી શકાતો નથી.

ખરેખર તો જડ એ મનુષ્ય છે કે-જે આખી જિંદગી ભોગોની પાછળ મંડ્યો રહ્યો હોય અને વૃદ્ધાવસ્થા-રૂપી-વજ્રનો
પ્રહાર થતાં (અત્યંત દુઃખ મળવા છતાં) જડ જેવો થઇ,કદી આત્મ-તત્વના સુખનો વિચાર પણ કરતો નથી.
   PREVIOUS PAGE          
        NEXT PAGE       
      INDEX PAGE