Jul 8, 2018

Yog-Vasishth-Gujarati-યોગવાસિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-1202

વસિષ્ઠ કહે છે કે-જો જગત વિષે,મારા (આગળ) વર્ણવેલા ક્રમ પ્રમાણે,સંપૂર્ણ રીતે વિચાર કરવામાં આવે તો,
સર્વ સત્તા-માત્ર જોવામાં આવે છે ને જેમાં  દ્વિત્વ-એકત્વની કલ્પના છે જ નહિ.
જેઓ અદૃશ્ય(નિરાકાર કે જોઈ ના શકાય તેવા) બ્રહ્મને જ દૃશ્ય-રૂપ,સદ-રૂપ-અસદ-રૂપ કે સાકાર-નિરાકાર
સમજે છે-તેમની દૃષ્ટિમાં કોઈ પણ દેશ-કાળમાં,જીવ-એ કર્તા કે ભોક્તા છે જ નહિ,તો સાવ નથી-એમ પણ નથી,
કેમ કે જીવ બ્રહ્મ-રૂપે જ અવશેષ રહે છે.આમ,ભ્રાંતિથી જ આ જગત ભાસે છે,બાકી બ્રહ્મ આકાશ-રૂપ જ છે.

જેમ આકાશની અંદર મચ્છરાં-આદિ જેવા આકારો (અનિર્વચનીયપણે) જાણે તેનાથી જુદા હોય તેવા ભાસે છે,
તેમ પરબ્રહ્મ (ચિદાકાશ)ની અંદર મન,બુદ્ધિ-આદિની સ્થિતિ સમજવી.
જેમ આકાશની અંદર શૂન્યપણું અભિન્ન-રૂપ રહ્યું છે,તેમ સત્તા-સામાન્ય-પરબ્રહ્મની અંદર બુદ્ધિ,દેહ,સંકલ્પ-આદિ
પદાર્થો અભિન્ન-રૂપે રહ્યા છે.જેવી રીતે,સુષુપ્તિમાંથી સ્વપ્નમાં પ્રવેશ કરનારા તે એક જ જીવનું સ્વપ્નસૃષ્ટિમાં
બીજા જીવ તરીકેનું (દ્વિત્વનું) હોવું સંભવતું નથી કે તે સ્વપ્નસૃષ્ટિમાં બીજા અનેક પદાર્થો દેખાવાથી
એકત્વ પણ નથી હોતું;તેવી રીતે જ બ્રહ્મનું સમજવું.

હે રામચંદ્રજી,ચિદાકાશની સ્વચ્છ કાંતિ,આ પ્રમાણે વિવર્ત (આભાસ)રૂપે પ્રકાશ પામે છે,બાકી વસ્તુતઃ તો
તેનો કશો વિવર્ત છે જ નહિ,તે તો પોતાના નિર્મળ-સ્વચ્છ સ્વરૂપની અંદર જ સદાકાળ રહેલું છે.
પરમાર્થ (પરમ-અર્થ)રૂપ વસ્તુ (ચિદાકાશ)નો,વિકારી અને ધર્મવાળો આકાર(જગત)-એ અવિદ્યા(માયા)રૂપી મેલને
લીધે જ પ્રતીતિમાં આવે છે,માટે એ દૃશ્ય (જગત) સ્વપ્નનગરના જેવું જ છે.
તે ધર્મ-વાળું પ્રતીતિમાં આવવા છતાં ધર્મ-રહિત છે અને અધિષ્ઠાન-ચૈતન્યથી અભિન્ન છે,
માટે ચિદાકાશ-રૂપે અવશેષ રહેનાર,તે ચિદાકાશ-એ આકાશથી પણ અતિ-સૂક્ષ્મ છે.

સ્વપ્નમાં રચાયેલ (બનેલ) ઘર,નગર-આદિની સૃષ્ટિ,એ શરીરમાં (હકીકતમાં) હોવી એ અસંભવ હોવાથી સત્ય નથી,
વળી તેમાં સંસ્કાર કે સ્મૃતિની પણ સત્તા હોતી નથી માટે નિંદ્રાના દોષને લીધે જે કંઈ (સ્વપ્નમાં) બીજું ભાન થાય છે,
તેની જ (જાગ્રતમાં) દીઠેલા અર્થની-સમાનતા ઉપરથી મૂઢો(અજ્ઞાનીઓ)એ 'સ્મૃતિ' આદિ સંજ્ઞાઓ કલ્પી છે.
આમ,સર્વ વિધિઓ અને સર્વ નિષેધો,સદૈવ(સદાકાળ) ભિન્ન-રૂપે અને મિશ્ર-રૂપે  તે પરબ્રહ્મની અંદર રહેલા નથી
અને (જો કે) કલ્પનાથી રહેલા પણ છે.માટે તે બ્રહ્મ જ સત્ય છે અને સર્વરૂપે -તે -પોતાના સર્વ-શક્તિમાન-પણાને
થઇ રહ્યા છે.તે બ્રહ્મ-સત્તા જ સર્વ-રૂપ થઇ રહેલ છે જેથી સર્વ,બ્રહ્મ-સત્તા-રૂપ જ છે.

ગોળ-ગોળ ફરતા (ભ્રમણ કરતા) મનુષ્યને તેની આસપાસની પૃથ્વી ભમતી લાગે છે,પણ જોડે ઉભેલા મનુષ્યને તે પૃથ્વી
ફરતી લાગતી નથી.આ બંને વાત પોત-પોતાની દૃષ્ટિ વડે સત્ય છે.પૃથ્વીના ભ્રમણનું પોતાને જે જ્ઞાન થાય છે તે
મિથ્યા (ખોટું) છે એમ ભ્રમણ કરનાર જાણતો હોય,તો પણ સ્થિરતાના અભ્યાસ વિના તેની દૃષ્ટિ શાંત થતી નથી,
તે જ પ્રમાણે જગતની ભ્રાંતિ મિથ્યા છે,છતાં તત્વજ્ઞાનના અભ્યાસ વિના તે શાંત થતી નથી.
   PREVIOUS PAGE          
        NEXT PAGE       
      INDEX PAGE