Jul 9, 2018

Yog-Vasishth-Gujarati-યોગવાસિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-1203

વસિષ્ઠ કહે છે કે-મોક્ષના ઉપાય-રૂપ આ (યોગ-વાસિષ્ઠ)શાસ્ત્રનો અભ્યાસ કરવો કે શ્રવણ કરવો-એ
દૃશ્યની શાંતિ કરવાનો ઉત્તમ ઉપાય છે.તેના જેવો બીજો કોઈ ઉપાય થયો નથી અને થશે પણ નહિ.
ચિત્ત(મન)ના 'સ્વરૂપની સ્થિતિ' -એ સંસાર સાથે નિત્ય સંબંધ રાખે છે.તેથી તે ચિત્ત જાગ્રત તથા સ્વપ્નમાં
રહેલું હોય ત્યારે અને લય પામે ત્યારે-તેને યત્ન વડે રોકવામાં આવે તો પણ તે રોકાતું નથી,
પણ તે જ મન - બોધ વડે તે બાધિત થઇ જાય છે ત્યારે સંસારને દેખતું નથી.

દૃશ્ય અને શરીર એ બંને વિના ચિત્ત નિરંતર રહી શકતું નથી.તેમની સાથે તેનો નિત્યનો સંબંધ છે.
આ જન્મમાં કે જન્માંતરમાં બોધનો ઉદય થયા પછી,તે ત્રણે, છેવટે પોતાની મેળે જ શાંત થઇ જાય છે.
આમ,ચિત્ત,દૃશ્ય અને શરીર-એ ત્રણેનું કારણ અવિદ્યા (અજ્ઞાન કે માયા) છે
અને શુદ્ધ બુદ્ધિવાળા પુરુષને આ શાસ્ત્ર વાંચવામાં આવતાં (ને બોધ થતાં) તે ત્રણે શાંત થઇ જાય છે.

(પરમ)પદ-પદાર્થને જાણનારો વિવેકી પુરુષ,ખેદને પામી જઈ,જો નિવૃત્ત થઇ જાય,તો આ ગ્રંથનો જે કંઈ
પ્રથમ (પહેલાં કે આગળ)નો ભાગ તેનાથી સમજાયો ના હોય તે -તેને પાછળથી (કે ફરીથી વાંચતાં)
ખૂબ સહેલાઈથી સમજાઈ જાય છે.માટે ભ્રાંતિની નિવૃત્તિ કરવાને માટે આ શાસ્ત્ર ઉપાય-રૂપ છે-તેમ સમજો.
આ શાસ્ત્ર બીજાના જેવું સાધારણ નથી પણ અસાધારણ છે તેવું અનુભવમાં આવે છે.
તેથી આ મહા-શાસ્ત્રનો આખો-કે અડધો ભાગ પણ યથાશક્તિ વિચારવો-કે જેથી દુઃખનો ક્ષય થાય છે.

જો કદાચિત 'આ શાસ્ત્ર ઋષિ-પ્રણિત છે' (એટલે કે ઋષિની સ્મૃતિ-રૂપ છે) એવા પ્રમાદ(કે વિચાર) થી,
આ (યોગ વાસિષ્ઠ)શાસ્ત્રમાં રુચિ ના થતી હોય (કે રસ પડતો ના હોય કે સમજાતો ના હોય) તો પછી,
બીજા કોઈ ઉપનિષદ(વેદાંત) આદિ આત્મ-વિદ્યાના શાસ્ત્રનો વિચાર (કે અભ્યાસ) કરવો.
પણ અવિચાર-રૂપ અનર્થ અવસ્થાને વૃથા ગાળવી નહિ.જ્ઞાનના સાર-રૂપ (તમને ગમે તેવા) શાસ્ત્રના શ્રવણ-આદિ
ઉપાય વડે બોધ (જ્ઞાન) ને પ્રાપ્ત કરી લઇ દૃશ્યનો આત્મામાં લય કરી દેવો.

આયુષ્યની એક ક્ષણ પણ સર્વ રત્નો (કે ખૂબ ધન)આપવાથી મળી શકતી નથી.તો પછી આયુષ્યની ક્ષણોને વૃથા
ગાળી નાખવી-એ એક મોટો પ્રમાદ (આળસ) છે.આ દૃશ્ય (જગત) પ્રત્યક્ષ અનુભવમાં (પ્રતીતિમાં)આવે છે,
છતાં જેમ,સ્વપ્નમાં થતું  પોતાનું મરણ-એ પ્રતીત થયા છતાં મિથ્યા (ખોટું) છે તેમ મિથ્યા જ છે.
અને આ વાતનો બરોબર સાચી રીતે  બોધ થવાથી જ તે સહેલાઈથી સમજાઈ જાય છે.
   PREVIOUS PAGE          
        NEXT PAGE       
      INDEX PAGE