Jul 10, 2018

Yog-Vasishth-Gujarati-યોગવાસિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-1204

(૧૭૬) ચિદાકાશના પરમાણુમાં બ્રહ્માંડ ભાસે છે

રામ કહે છે કે-હે મહારાજ,અસંખ્ય જગતો હમણાં વિદ્યમાન (દેખાય) છે,અસંખ્ય જગતો હવે પછી થશે અને
અસંખ્ય જગતો થઇ ગયેલાં છે તો તે જગતોની કથા વડે આપ શો અને શા માટે બોધ કરો છો?

વસિષ્ઠ કહે છે કે-જગત-રૂપી સ્વપ્નોની અંદર શબ્દ અને તે શબ્દના અર્થનો જે સંબંધ છે-
તે અતીત,વર્તમાન-આદિના દૃષ્ટાંત વિના બરાબર તમારા સમજવામાં આવે નહિ,તેમ જ અહીં શ્રવણના
અધિકારી થયેલા પુરુષોને પણ તે બરાબર સમજાય નહિ,તેથી મારું (આ રીતે) કહેવું તે વ્યર્થ નથી.
જે કથા વાચ્ય-વાચક-ભાવરૂપે નિશ્ચિત થયેલા અર્થ અને શબ્દ વડે કહેવામાં આવે-તે જ અંદર સમજણમાં
ઉતરે છે,બાકી બીજી રીતે કથા સમજાતી નથી કે વ્યવહાર-ઉપયોગી થતી નથી.

જયારે તમે (જાણવાનું જેણે જાણી લીધું છે તેવા)વિદિતવેદ્ય થઇ,નિર્મળ (ત્રિકાળ)જ્ઞાનવાળા થશો,ત્યારે તે સર્વને
તમે પ્રત્યક્ષ રીતે દેખશો.'જેમ,સ્વપ્નની અંદર ચિન્માત્ર તત્વ જ પોતે સૃષ્ટિ-રૂપ ભાસે છે,તેમ,અતીત અને ભાવિ
સર્વ સૃષ્ટિના આદિકાળમાં ચિન્માત્રતત્વ જ પોતે તે તે સૃષ્ટિ-રૂપ થઇ જાય છે'
એટલો જ અંશ અહીં ઉપયોગી છે,બાકી બીજું કશું અહીં ઉપયોગી નથી.

આ સંબંધમાં બ્રહ્માજીએ મને જે પૂર્વે આખ્યાન કહ્યું હતું તે તમે સાંભળો.પૂર્વે કોઈ એક સમયે મેં બ્રહ્માજીને
પૂછ્યું હતું કે-'આ જગતનો સમૂહ કેટલો મોટો છે? અને કયા અધિષ્ઠાનની અંદર તેની પ્રતીતિ થાય છે ?
તે વિષે આપ મને કહો' મારા આવા પ્રશ્નથી તે નીચે પ્રમાણે બોલ્યા.

બ્રહ્મા (વસિષ્ઠને)કહે છે કે-બ્રહ્મ જ આ સર્વ જગત-રૂપે ભાસે છે.
સત્પુરુષોને તે બ્રહ્મ-સત્તા-રૂપે અનંત જણાય છે અને અવિવેકીઓને તે જગત-રૂપે અનંત જણાય છે.
આ વિષે બ્રહ્માંડાખ્યાન કે બ્રહ્માંડપિંડ નામે ઓળખાતું -એક શુભ આખ્યાન કહું છું તે તમે સાંભળો.
આકાશમાં રહેલી શૂન્યતાની જેમ,ચિદાકાશની અંદર ચિદાકાશથી અભિન્ન-રૂપે રહેલો ચિદાકાશનો જ
એક પરમાણુ રહેલો છે.આકાશ જેમ પોતાના શૂન્ય-ભાવને દેખે છે તેમ,તેણે પોતાના આત્માની અંદર,
પોતાની મેળે જ (પોતાનું નિર્વિકાર-પણું નહિ છોડતાં-સ્વપ્નની જેમ) પોતાનો જીવભાવ (સમષ્ટિ-જીવપણું) જોયો.

પછી એ જીવ પોતાના સ્વરૂપને અહંકાર-રૂપે જોવા લાગ્યો.
તે અહંકારે પોતાના સ્વરૂપની અંદર બુદ્ધિ-ભાવને જોયો.
એ બુદ્ધિએ 'હું મન-રૂપ છું' એવા ભાવને પોતાની અંદર દીઠો.
પછી જેમ અવિવેકીની બુદ્ધિ -એ સ્વપ્નના પર્વતને -તે નિરાકાર છતાં સાકાર-રૂપે દેખે છે,તેમ,તે બુદ્ધિએ,
(મનથી કે કલ્પનાથી) સ્વપ્નના જેવા દેહની અંદર,નિરાકાર એવી પંચ ઇન્દ્રિયોને સાકાર રીતે જોઈ.
અને આમ ચિદાકાશનો તે પરમાણુ,મનોદેહ (મનથી બનેલ દેહ)ની સમષ્ટિ-રૂપ બની ગયો,
અને પોતાના સ્વરૂપને ત્રિલોકી-રૂપ 'વિરાટ'ના આકારે જોવા લાગ્યો.
   PREVIOUS PAGE          
        NEXT PAGE       
      INDEX PAGE