Jul 11, 2018

Yog-Vasishth-Gujarati-યોગવાસિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-1205

તે 'વિરાટ' અપરિચ્છીન્ન (અમર્યાદિત) હતો,વિસ્તીર્ણ હતો,અનેક પ્રાણીઓ વડે યુક્ત હતો,
અનેક પ્રકારના સ્થાવર-જંગમ જીવો-વાળો હતો,કલ્પના ને કાળ વડે સંયુક્ત હતો
અને કલ્પિત એવા અન્યોન્ય સમાગમ વડે યુક્ત હતો.
વસ્તુતઃ જોતાં તો (આગળ કહ્યું તે પ્રમાણે)એ ચિદાકાશનો 'પરમાણુ' અને 'વિરાટ' એ બંનેનું સ્વરૂપ ચિદાકાશ
જ છે.પ્રત્યેક જીવ સ્વપ્નમાં,દૃષ્ટા-દૃશ્ય-દર્શન,ભોક્તા-ભોગ્ય-ભોગ અને કર્તા-કાર્ય-ક્રિયા-એ ત્રણ ત્રિપુટીથી
મનોહર ત્રૈલોક્ય-નગરને,હૃદયની અંદર જાણે,અરીસામાં પ્રતિબિમ્બિત થઇ રહેલું હોય તેમ દેખે છે.

આવી રીતે ચિદાકાશના બીજા અનેક એવા પરમાણુના અતિ-સૂક્ષ્મ ઉદરમાં પણ
મોટાં અને વિશાળ એવાં અનેક જગતો રહેલાં છે અને તે જાણે જીવો વડે ઘટ્ટ રીતે ભરેલાં હોય તેવાં ભાસે છે.
એટલે જો આ અવિદ્યા (માયા) ને અવિદ્યાના સ્વરૂપે જોવામાં આવે તો તે અનંત છે
અને તેને જો બ્રહ્મ-રૂપે સમજવામાં આવે તો તો તે નિર્મળ બ્રહ્મ-રૂપે થઇ જાય છે.

આમ જગત-રૂપી અનેક સ્વપ્ન-સમૂહને જોનારો દૃષ્ટા,જો જગતને બ્રહ્મ-રૂપ સમજે-તો તે પોતે તેનો દૃષ્ટા નથી,
કેમ કે અદ્વિતીય બ્રહ્મ-સત્તામાં દૃષ્ટા-દૃશ્ય,દ્વૈત અને કારણ એ સર્વ ક્યાંથી રહી શકે?
આભાસ-રૂપે પ્રતીતિમાં આવતું અને સત્ય-રૂપે જણાતું આ સર્વ (જગત અને જગતના પદાર્થો) એ કેવળ ભેદથી રહિત
અને ચિદાકાશ-રૂપ છે.તે બ્રહ્મ સ્વચ્છ,અનાદિ અને અનંત છે અને પોતાના સ્વરૂપમાં જ સદાકાળ રહેલ છે.
સૂક્ષ્મ બુદ્ધિ વડે જોતાં,તે પરમાત્મા (બ્રહ્મ)ની અંદર બ્રહ્માંડોના લાખો સમૂહો,ભિન્ન નહિ છતાં ભિન્ન જેવા થઇ રહ્યા છે,
એમ ભાસે છે.પણ વસ્તુતઃ તો તે સર્વ આકાશ (ચિદાકાશ)ના સ્વરૂપે જ છે.

(૧૭૭) જ્ઞાન થતા જગત બ્રહ્મ-રૂપ જ છે

રામ કહે છે કે-હે મહારાજ,સ્વપ્ન-સંકલ્પ-આદિની જેમ જો આ જગત વિના કારણે જ,બ્રહ્મ-રૂપ-પરમપદમાંથી  
ઉત્પન્ન થતું હોય,તો પછી જો -વિના કારણે સર્વ ઇચ્છિત વસ્તુની સિદ્ધિ થવાનો પણ સંભવ છે,
તો -બીજી ધાન્ય-આદિ વસ્તુ,કોઈ દેશ-કાળમાં બીજ,ખેડ,વૃષ્ટિ-આદિ (કારણ)વિના કેમ થતી નથી?

વસિષ્ઠ કહે છે કે-અનાદિ-એવા આ વ્યવહારની અંદર જે મનુષ્ય,જે વસ્તુને,જેવા દૃઢ અભ્યાસ વડે,
જેવા પ્રકારની કલ્પી લે છે-તે મનુષ્યને તે વસ્તુ તેવા કાર્ય કે કારણ-રૂપે દેખાય છે.
અને આમ (આ પ્રમાણે) જો ન હોય -તો (કોઈ પણ)કારણના અભાવને લીધે કશી કલ્પના સંભવે નહિ.
આ (નરી આંખે દેખાતા ) દૃશ્યને (કે દૃશ્યમાં આવતા પદાર્થોને જેમ કે અહીં બીજ-ધાન્ય-આદિને)
જે કોઈ એક મનુષ્ય પોતાના મન વડે જેવા પ્રકારનું કલ્પી લે છે,તેવા પ્રકારનું જ તેને સમજે છે,અને તેને દેખે છે,
તો બીજો કોઈ મનુષ્ય જેવા પ્રકારે,પોતાની કલ્પના હોય,તે પ્રકારે તે દૃશ્યને તેવું જ સમજે છે ને તેને દેખે છે.
   PREVIOUS PAGE          
        NEXT PAGE       
      INDEX PAGE