Aug 7, 2018

Yog-Vasishth-Gujarati-યોગવાસિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-1221

કદંબ તપસ્વી કહે છે કે-મૌન નહિ છતાં,નિઃસંકલ્પપણાનો આશ્રય કરીને,પાષાણની જેમ સ્થિતિ રાખવી,
અને સત્ય-રૂપ છતાં અસત્ય દેહ-આદિ ભાવનો આભાસ રાખી સાક્ષી-ચૈતન્ય-રૂપે તટસ્થ થઇ રહેવું,
તે બ્રહ્મ-સ્થિતિ-રૂપ કહેવાય છે.જો સર્વ નિરાકાર-એકરસ-રૂપ બ્રહ્મમય છે તો પછી ભાવ-અભાવ-આદિ
વસ્તુની પ્રવૃત્તિ કે નિવૃત્તિ કેવી હોય? જેમ,એક જ નિંદ્રાની અંદર,સદા એક સ્થિતિવાળી ચિત્ત-સત્તામાં,
સુષુપ્તિ-સ્વપ્નના વિલાસો,નિરંતર જાણે વિચિત્ર આકારે દેખાતા અનુભવમાં આવે છે,
તેમ,જાગ્રત-આદિમાં પણ સદા એક-સ્થિતિમાં રહેનારી બ્રહ્મ-સત્તામાં,તેની સત્તાથી જ
પ્રતીતિમાં આવતી અનેક સૃષ્ટિઓ જાણે વિચિત્ર-રૂપે રહી હોય તેમ જણાય છે.

જેમ,દહીં-આદિ દ્રવ્ય સાથે સાકર આદિ બીજું દ્રવ્ય મળી જતાં,બીજા કોઈ જુદા જ કાર્યને ઉત્પન્ન કરે છે,
તેમ,પ્રાણીઓના અંતઃકરણમાં પ્રગટ-રૂપે જણાતું સાક્ષી-ચૈતન્ય,ચક્ષુ-આદિ ઇન્દ્રિયો દ્વારા બહાર નીકળી
ઘટ-પટ-આદિ પદાર્થો સાથે મળી (આવરણ-ભંગ વડે) પરસ્પરના સંબંધથી 'ત્રિપુટી'ની સ્ફૂર્તિને ઉત્પન્ન કરે છે.

વસ્તુતઃ સર્વે પદાર્થો સદા નિરવયવ (આકાશ જેવા) અને ચિત્ત-સત્તામાત્ર છે.તેઓ એક ચિત્ત-સત્તાને જ અધીન છે,
તેથી તેઓ સૃષ્ટિના આદિકાળમાં જેવા ભાસતા હતા તેવા જ હજુ સુધી પણ ભાસે છે.
આ સર્વ પદાર્થોની સ્થિતિ પણ ચિત્ત-સત્તાને અધીન છે તેથી તેઓ સંકલ્પ-અનુભવ-આદિના આધારે રહેલ છે.
દ્રવ્યોની 'શક્તિ'ઓ પણ વસ્તુતઃ જોતાં તો દ્વૈતના આકાર-ગ્રહણથી રહિત છે ને અચળ-બ્રહ્માકાર છે.

બ્રહ્મા,વિષ્ણુ અને મહેશ-એ સર્વ સહિત આ સર્વ જગત સ્વપ્નની જેમ અવિદ્યમાન જ છે,છતાં દેખાય છે અને અનુભવાય છે.
સ્થાવર-જંગમ-રૂપે થઇ રહેલ ચિદાકાશ-રૂપ-જળની અંદર,સ્વપ્નની જેમ જ હર્ષ-ક્રોધ-શોક-આદિથી ઉત્પન્ન થતા
વિકારો-રૂપી-તરંગો દેખાય છે.જેમ સંકલ્પ-નગર,જ્યાં સુધી સંકલ્પ કાયમ રહે છે,ત્યાં સુધી સંકલ્પ અનુસાર અનુભવમાં
આવે છે,તેમ આ જગત પણ જ્યાં સુધી સંકલ્પ હોય ત્યાં સુધી અનુભવમાં આવે છે.

વિધાતાના સંકલ્પ-રૂપ એવી 'નિયતિ' દરેક વસ્તુને નિયત-રૂપે સ્થાપન કરનાર છે અને તે જ સ્થિર થઇ રહેલી છે.
અને તે વડે જ સ્થાવર-જંગમ જીવ ક્રમવાર પોતપોતાની મર્યાદામાં રહ્યા છે.કોઈ એક ચોક્કસ ઈશ્વરી નિયમ વડે જ
જંગમ જીવો જંગમમાંથી અને સ્થાવર જીવો સ્થાવરમાંથી ઉત્પન્ન થાય છે.એ નિયતિના બળથી જ જળ નીચે ગતિ કરે છે
અને અગ્નિનું ઉર્ધ્વ-જલન થાય છે.એનાથી જ દેહ-રૂપી યંત્રો ને સૃષ્ટિ ચાલ્યા કરે છે.

કુંદદંત કહે છે કે-પ્રથમ જે કંઈ જોવામાં આવ્યું હોય તેનું સમરણ થાય છે અને પછી તે અનુસાર
પોતાના સંકલ્પોનો ઉદય થાય છે.હવે,જો પ્રથમ સૃષ્ટિની શરૂઆતમાં,તેની પૂર્વે કશું નહિ હોવાથી,
કોને પૂર્વે દીઠેલી સૃષ્ટિના સ્મરણનું ભાન થાય છે?
   PREVIOUS PAGE          
        NEXT PAGE       
      INDEX PAGE