Aug 8, 2018

Yog-Vasishth-Gujarati-યોગવાસિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-1222

કદંબ તપસ્વી કહે છે કે-સ્વપ્નમાં અનુભવાતા પોતાના મરણની જેમ,આ સર્વ અપૂર્વ જ દેખાય છે
અને તે સમયે જે દેખાયું-તે 'પહેલું દેખાયું' ગણાય છે,તથા તેનો જ અભ્યાસ થતાં,તેની પછી 'સ્મૃતિ' થાય છે.
ચિદાકાશની અંદર ચિત્ત-સત્તાને લીધે જગત-રૂપ-સંકલ્પ નગર ખડું થઇ જાય છે.તે સત્ય પણ નથી કે અસત્ય
પણ નથી કેમ કે કોઈ સમયે તેની પોતાની મેળે જ પ્રતીતિ થાય છે અને કોઈ સમયે નથી પણ થતી.
જો ચેતન-સત્તા વડે જ સ્વપ્ન-સંકલ્પ-આદિનો અનુભવ થાય છે
તો પછી શુદ્ધ ચિદાકાશનું સંકલ્પ-નગર(જગત) ચિત્ત-સત્તા વડે કેમ સ્મરણમાં ના આવે?

હર્ષ,ક્રોધ,સુખ,દુઃખ આદિથી રહિત બનીને તત્વજ્ઞ પુરુષો પ્રાકૃત માર્ગમાં ચાલ્યા જાય છે અને કુંભારના ચક્રની જેમ
પ્રારબ્ધ વેગ વડે ગતિ કરતા રહે છે.જેમ નિંદ્રાની નિવૃત્તિ થતાં સ્મરણમાં આવતું સંકલ્પ-નગર પણ ચિદાકાશ-રૂપ છે
તેમ,ત્રૈલોક્યની ભ્રાંતિ પણ તત્વજ્ઞાન થતાં ચિદાકાશ-રૂપ જણાય છે-એમ તમે સમજો.
ચિદાકાશનો જે એક 'આભાસ' જગત શબ્દ વડે કહેવાય છે-તે ચિદાકાશ-રૂપ જ છે -બીજું કંઈ નથી-એમ સમજો.

જેની અંદર આ સર્વ રહેલું છે,જેનાથી આ સર્વ થયેલું છે,જે પોતે જ સર્વ-રૂપ થઇ રહેલ છે,જે સર્વવ્યાપી છે તથા
સર્વની સત્તા જેને અધીન હોવાથી જે સર્વના અધિષ્ઠાન-રૂપ છે,તે પરબ્રહ્મ જ સર્વદા સર્વ-રૂપ થઇ રહેલ છે,
કે જે (બ્રહ્મ)ની અંદર સંસારની પ્રતીતિ થાય છે-તથા જેવું તમને તે દૃશ્યનું ભાન હવે પછી થવાનું છે -
તે મેં તમને કહી બતાવ્યું.માટે હે વિપ્ર,હવે તમે ઉઠો અને પોતાને ઘેર જઈ ઇચ્છિત સત્કર્મ સુખથી કરો.
હું પણ સમાધિ ઉતરી જવાને લીધે દુઃખિત જેવો બની ગયો છું
માટે હવે હું ઘણા લાંબા સમય માટે સમાધિમાં પ્રવેશ કરું છું.

(૧૮૫) કુંદદંતને વસિષ્ઠથી થયેલું જ્ઞાન

કુંદદંત (રામને) કહે છે કે-ઉપર પ્રમાણે કહીને એ વૃદ્ધ મુનિએ ધ્યાન વડે આંખો મીંચી દીધી,
એટલે તેમના ચિત્ત અને પ્રાણની ક્રિયા બંધ થઇ ગઈ અને ચિત્રમાં આલેખેલ હોય તેવા થઇ નિશ્ચળ થઇ ગયા.
હવે અમે બંને ઘેર જવાને ઉત્સુક થઇ ગયા ને ધીરે ધીરે ત્યાંથી ચાલી ઘેર પહોચ્યા ને સાતે ભાઈઓને મળ્યા.
ઘણા લાંબા સમય સુધી જુની વાતો કરતા અમે ત્યાં જ રહ્યા.પછી તે સાતે ભાઈઓ ક્રમવાર નાશ પામી ગયા.
ફક્ત આઠમો (મારો મિત્ર) મુક્ત થઇ ગયો અને તે પણ પછી કાળે કરીને નાશ પામી ગયો.
મિત્રના વિયોગથી દુઃખી થવાથી હું ફરીવાર એ કદંબ-તપસ્વી પાસે ગયો.
તે તપસ્વી ત્રણ માસે સમાધિમાંથી નિવૃત્ત થયા હતા ત્યારે મેં તેમને મારા દુઃખની વાત કહી.
   PREVIOUS PAGE          
        NEXT PAGE       
      INDEX PAGE