Aug 9, 2018

Yog-Vasishth-Gujarati-યોગવાસિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-1223

કદંબ તપસ્વી (કુંદદંતને) કહે છે કે-હું સમાધિ વિના રહી શકતો નથી,માટે હું ફરી સમાધિમાં પ્રવેશ કરું તે પહેલાં
હું હમણાં તમને બોધ કરીશ જો કે- તે બોધ અભ્યાસ વિના તમારા ચિત્તમાં ચોંટશે નહિ.માટે એ સંબંધમાં
હું તમને એક બીજી યુક્તિ કહું છું,તે તમે સાંભળો અને તે પ્રમાણે તમે કરો.
અયોધ્યા નામની નગરીના દશરથ રાજાના એક રામ નામના પુત્ર છે તેની પાસે તમે જાઓ.તેમના કુળગુરૂ
મુનિશ્રેષ્ઠ વસિષ્ઠ રામને સભામાં જ્ઞાનનો ઉપદેશ આપતા હશે,તેમની દિવ્ય કથા સાંભળીને તમે પરમપદમાં
વિશ્રાંત થઇ જશો. આ પ્રમાણે કહીને તે કદંબ-તપસ્વી સમાધિમાં નિમગ્ન થયા.

કુંદદંત (રામ અને વસિષ્ઠને) કહે છે કે-તે કદંબ તપસ્વીના કહેવાથી હું અહીં આવ્યો છું.આ મારો વૃતાંત છે.
રામ (વસિષ્ઠને) કહે છે કે-ઉપર પ્રમાણે પોતાની વાત કહેવામાં કુશળ એવો આ કુંદદંત છે અને તે,તે દિવસથી
માંડીને હંમેશાં મારી પાસે જ રહ્યો છે,ને હાલ મારી પડખે જ બેઠો છે.તેણે મોક્ષના ઉપાય-રૂપ આ સંહિતા
પણ સાંભળી છે.આ કુંદદંત (દ્વિજ) આજે નિઃસંશય થયો છે કે નહિ તે આપ જ તેને પૂછો.

વસિષ્ઠ (કુંદદંતને) કહે છે કે-હે નિષ્પાપ બ્રાહ્મણ,શું તમારા સંશયની નિવૃત્તિ થઇ છે? અવશ્ય જાણવા યોગ્ય અને
મોક્ષ આપનારું બ્રહ્મ-તત્વ મેં અહી વર્ણવ્યું છે,તે તમારા સમજવામાં બરાબર આવ્યું છે?

કુંદદંત કહે છે કે-મારા સર્વ સંશયો દૂર થયા છે અને જાણવા યોગ્ય બ્રહ્મ-તત્વ અખંડિત રીતે મેં જાણી લીધું છે.
હવે,સર્વ સંશયથી રહિત થયેલું મારું ચિત્ત જ મને જય આપનાર છે.જે જાણવાનું છે,જે જોવાનું છે ને જે પ્રાપ્ત કરવાનું છે
તે મેં નિર્બાધ-રૂપે પ્રાપ્ત કરી લીધું છે ને હવે હું પરમપદમાં વિશ્રાંત થયો છું.

(૧૮૬) સર્વ બ્રહ્મરૂપ જ છે

વસિષ્ઠ (રામને) કહે છે કે-સંતોષની અને અનુકંપાની વાત છે કે,આ મહાત્મા કુંદદંતની જ્ઞાનમાં વિશ્રાંતિ થઇ છે,
એટલે તે હસ્તામલકની જેમ જગતને બ્રહ્મરૂપ જ દેખે છે.આ સર્વ જગત ભ્રાંતિમાત્ર જ છે કેમ કે જન્મ-આદિ-વિકારથી
રહિત બ્રહ્મ જ તેવા રૂપે ભાસે છે,એટલે કે (જગતની) ભ્રાંતિ બ્રહ્મરૂપ  છે અને
તે બ્રહ્મ એક તથા નિર્વિકાર છે.જે વસ્તુ જે દેશકાળમાં જેના વડે જ્યાં સુધી જેવા પ્રકારે ભાસે છે,
તે વસ્તુ તે દેશકાળમાં તેના વડે ત્યાં સુધી તેવા પ્રકારે થઇ રહેલી અનુભવાય છે.

વસ્તુતઃ જોઈએ તો પરમ મંગલમય,શાંત,નિર્વિકાર,નિઃસંકલ્પ,અજર,સર્વવ્યાપી,શૂન્ય-અશૂન્ય,અજન્મા,
અનાદિ,અને અનંત -પરબ્રહ્મ જ સત્ય છે.શબલબ્રહ્મ (બળ કે શક્તિ-કે માયાવાળું બ્રહ્મ) જે જે અવસ્થાને
પોતાના સંકલ્પ વડે અતિશય પુષ્ટિ આપે છે,તે તે અવસ્થાને હજારો શાખાઓની જેમ ફેલાવી દે છે.
   PREVIOUS PAGE          
        NEXT PAGE       
      INDEX PAGE