Aug 10, 2018

Yog-Vasishth-Gujarati-યોગવાસિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-1224

વસિષ્ઠ કહે છે-બ્રહ્માંડ પણ એક પરમાણુ-રૂપ છે,કેમ કે તે ચિદાકાશની અંદર રહેલું છે.
તે જ રીતે એક પરમાણુ પણ બ્રહ્માંડ-રૂપ છે,કેમ કે તેની અંદર ચિત્ત-સત્તાને લીધે આ આખું જગત રહેલું છે.
આમ આ સર્વ આદિ-મધ્ય-અંતથી રહિત અખંડ અને શાંત ચિદાકાશ-રૂપ જ છે.
માટે જ જાતિ-આદિ બંધને તોડી નાખી,નિર્વિકાર બની નિર્વાણદશામાં યથાસ્થિતપણે રહો.

વ્યવહાર-દૃષ્ટિથી જોતાં તો બ્રહ્મ પોતે જ દૃશ્ય અને દૃષ્ટા-રૂપ થઇ રહે છે અને
તે પોતે જ ચિદ-રૂપ,જડરૂપ, વસ્તુ-રૂપ થઇ રહે છે-તો- પોતે જ કશા-રૂપ નથી એમ પણ જણાય છે.
વસ્તુતઃ દૃષ્ટિથી જોતાં તે બ્રહ્મ પોતાની સ્વરૂપ સ્થિતિ (યથા-સ્થિતિ)માં જ સદા સ્થિર થઇ રહેલ છે.
આમ,ચિદ-રૂપ બ્રહ્મ,પોતાના વાસ્તવિક સ્વરૂપને છોડ્યા વિના જ્યાં જેવી વાસના (કે માયા) બંધાય ત્યાં
તેવા પ્રકારે થઇ જાય છે-એથી દ્વૈત-સિદ્ધિ થાય છે-એમ કદી માનવાનું નથી કેમ કે-બ્રહ્મ પોતે યથાસ્થિતપણે જ રહેલ છે.

શૂન્યપણા અને આકાશની જેમ બ્રહ્મ અને દૃશ્ય (જગત) એ બંનેનું એકપણું છે.દૃશ્ય જ બ્રહ્મરૂપ છે અને બ્રહ્મ જ
દૃશ્ય-રૂપ છે.તે દૃશ્ય સાકાર પણ નથી કે નિરાકાર પણ નથી.અશાંત પણ નથી કે શાંત પણ નથી.(બ્રહ્મરૂપ છે)
જેમ જાગી ગયા પછી સ્વપ્નમાં પ્રતીતિ આવેલા આકારો રહેતા નથી એટલે તે નિરાકાર જ જણાય છે,
તેમ જાગ્રતમાં પણ દેહ-આદિ પદાર્થો પ્રતીતિમાં આવવા છતાં નિરાકાર છે,ચિદ્રુપ છે,
અને પોતાને અનુભવમાં આવવા છતાં મિથ્યા જ છે.

જેમ,મનુષ્ય પોતે ચિદ્રુપ હોવા છતાં નિંદ્રાના સંકલ્પથી જડ બની જાય છે,તેમ,સ્થાવર જીવ પણ પોતે વસ્તુતઃ
ચિદ્રુપ હોવા છતાં જડરૂપ થઇ જાય છે.જેમ,સુષુપ્તિ-રૂપી-ઉપાધિમાં એકરૂપ થઇ ગયેલો જીવ,સ્વપ્ન અને જાગ્રત
એ બંને દશાને સેંકડો જગતોની કલ્પના સાથે પ્રાપ્ત થાય છે,તેમ ચિદાકાશરૂપ જીવ જ જડ એવા સ્થાવરભાવ પછી
જંગમભાવને પ્રાપ્ત થાય છે.આમ તે જીવની સ્થાવર-જંગમાત્મક સ્થિતિ ચિદાકાશની અંદર ચિદાકાશરૂપે રહેલી છે,
છતાં તે સ્વપ્નની જેમ પ્રતીતિમાં આવતાં લાખો જગતો  સાથે છેક મોક્ષ સુધી ભાસ્યા કરે છે.

જેમ,નિંદ્રામાં રહેલ મનુષ્ય પોતામાં જડતાનો અધ્યાસ આરોપી લે છે,તેમ,જીવ-ચૈતન્ય પણ જડવસ્તુમાં પોતાના
જડ-ભાવના અધ્યાસને આરોપી લે છે.બાકી એ અધ્યસ્ત જડતા વડે કંઈ તે ચૈતન્યનો જડભાવ થઇ જતો નથી.
તે ચિદાકાશ જ પોતાને જડ-રૂપે સમજનારા જીવને પોતાનું સ્થાવર સ્વરૂપ દેખાડે છે
અને પોતાને જંગમરૂપે સમજનારાને જંગમ સ્વરૂપ દેખાડે છે.
   PREVIOUS PAGE          
        NEXT PAGE       
      INDEX PAGE