Aug 11, 2018

Yog-Vasishth-Gujarati-યોગવાસિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-1225

વસિષ્ઠ કહે છે-જેમ પુરુષના નખ-પગ વગેરે એક શરીરના અવયવ-રૂપ છે,તેમ આ સ્થાવર-જંગમ,નિરવયવ હોવા છતાં
ચિદાકાશના એક અવયવ જેવા જ છે.સ્વપ્નની જેમ સૃષ્ટિના આરંભકાળમાં પોતાના સંકલ્પની અંદર જગતનું જેવું રૂપ
સ્ફૂર્યું,તેવું રૂપ આજ પર્યંત સુધી રહેલ છે.તેની સ્થિતિ અધિષ્ઠાન ચૈતન્યની સત્તા વડે છે,તેથી તે જડ-રૂપે પ્રતીતિમાં
આવવા છતાં તેનો અભાવ અને તેની ચિદ-રૂપ સ્થિતિ છે.એમ કહેવામાં આવે છે.
આમ એ ચેતન તત્વ એ નિરવયવ અને શાંત છે,તેના યથાસ્થિત સ્વરૂપમાં જ રહેલ છે.

જેમ,સ્વપ્ન-સંબંધી પ્રપંચની,સુષુપ્તિથી માંડીને પ્રબોધ સુધીની સ્થિતિ નિંદ્રાની અંદર જ રહેલી છે એમ મનાય છે,
તેમ,સૃષ્ટિની પણ અમુક આદિકાળ છે અને અમુક અંતકાળ છે,એવી કલ્પના અધિષ્ઠાનમાં કલ્પવામાં આવે છે.
અનાદિ-અનંત પરમાત્મા જ સત્યરૂપે સર્વમાં રહેલા છે,તેથી મારી દૃષ્ટિમાં પ્રલય,સૃષ્ટિ,સ્થિતિનું નામ પણ નથી જ.
ચિદાકાશની અવિદ્યા-રૂપી નિંદ્રામાં વાસના-રૂપે જે સ્વપ્ન-ભાગ પ્રગટ થયેલો છે,તે ઉપાધિ-રૂપ અંશના પ્રાધાન્યથી
'જીવ' કહેવાય છે અને દેવ,દાનવ,મનુષ્ય-આદિના શરીર-રૂપ પણ તે (અવિદ્યા કે માયા) જ છે.
કે જે અજ્ઞાનરૂપી નિંદ્રાનો ક્ષય થતાં,તેનું પોતાનું  વાસ્તવિક સ્વરૂપ ઓળખાતાં,પોતાની મેળે જ સુષુપ્તિના
જેવી દશાને ઉત્પન્ન કરે છે કે જે (દશા)નો પરિપાક થતાં -તેને 'મોક્ષ' નામે કહેવામાં આવે છે.

રામ કહે છે કે-હે મહારાજ,દેવ-અસુર આદિ ભેદો વડે ચિત્ત કેટલા પ્રકારનું છે?તેની અંદર અવિદ્યા ક્યાં સુધી રહે છે?
અને જગત પણ ક્યાં સુધી રહે છે? આત્મજ્ઞાન શી રીતે મળે છે?

વસિષ્ઠ કહે છે કે-'ચિત્ત' જ દેવ-અસુર-નર-આદિ-રૂપ છે તેમ તમે સમજો.તેનું પ્રમાણ અનંત છે એમ સમજવું.
અને તેમાં બ્રહ્માથી માંડી સ્તંભ સુધી હજારો જગતો એક પરમાણુની જેમ રહેલાં છે.
ઉપર આકાશમાં ચક્ષુ-ઇન્દ્રિયને પ્રેરવામાં આવે અને સૂર્ય-પ્રદેશથી પણ ઉપરના પ્રદેશનો જે કંઈ તે (ચક્ષુ-ઇન્દ્રિય)ને
જ્ઞાનનો અનુભવ થાય છે તે 'ચિત્ત'નું જ સ્વરૂપ છે.તે અનંત અને નિર્મળ આકારવાળું છે,ને એક ચિદાત્માનું
(તે સંસારના કારણરૂપ હોવાથી) વિકટ-રૂપે છે.

તેના સમષ્ટિ-સ્વરૂપની અંદર જયારે લોકો(ત્રૈલોક્ય)ની સમૃદ્ધિ બ્રહ્માંડ-આદિની કલ્પના વડે ખડી થઇ જાય છે,
ત્યારે સૃષ્ટિનો અનુભવ થાય છે,એટલે 'ચિત્તમાંથી જ સૃષ્ટિનો ઉદય થયો છે'-એમ કહેવામાં આવે છે.
તે ચિત્ત જ જીવરૂપ છે અને અનાદિ-અનંત છે.ઘડામાં જેમ આકાશ રહે છે તેમ વિધાતાને અનુસરીને તે સર્વ દેહોમાં
રહે છે,ને વિધાતાની ઈચ્છા-અનુસાર જ તેમાંથી નીકળી જાય છે-ને તેમાં રહેતું નથી.

જેમ,નદીનો પ્રવાહ,જમીનના ઊંચા-નીચા પ્રદેશોને ગ્રહણ-ત્યાગ કરતો રહે છે,તેમ,મન (ચિત્ત) પણ શરીરનું
ગ્રહણ કરે છે અને ત્યાગ પણ કરે છે.જેમ,ખરું સમજવામાં આવતાં ઝાંઝવાના જળની ભ્રાંતિ શાંત થઇ જાય છે,
તેમ,આ જીવને પણ જ્ઞાન વડે આત્મ-સ્વરૂપનો બોધ થતાં દેહ-આદિની ભ્રાંતિ શમી જાય છે.
   PREVIOUS PAGE          
        NEXT PAGE       
      INDEX PAGE