Aug 14, 2018

Yog-Vasishth-Gujarati-યોગવાસિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-1228

(૧૮૭) વસ્તુઓનો સ્વભાવ

રામ કહે છે કે-વિચિત્ર એવા અસંખ્ય પદાર્થોનો એક જ અમુક ચોક્કસ નિયમ કેમ હોય છે?અને પદાર્થોનો
એક જ પ્રકારનો અચલ સ્વભાવ કેમ હોય છે? દેવતાઓ અસંખ્ય હોવા છતાં સૂર્ય જ કેમ ઉગ્ર કાંતિવાળા છે?
અને દિવસો શા કારણથી લાંબા-ટૂંકા થાય છે?

વસિષ્ઠ કહે છે કે-વિધાતાને,પ્રથમ સૃષ્ટિના આરંભ-કાળમાં,કાકતાલીય ન્યાયની જેમ,જેવા જેવા નિયમ-વાળું,
જે જે વસ્તુનું ભાન થયું અને જેવા સ્વરૂપે તથા જેવા કાર્ય-કારણભાવથી તેની સ્થિતિ કલ્પાઈ,
તેવા જ પ્રકારે તે આજ પર્યંત જગતના નામથી ઓળખાય છે.
વિધાતા (સર્જનહાર) સર્વ શક્તિમાન છે,તેથી આદિકાળમાં જે જેવું ભાસ્યું તેવું જ સત્ય-રૂપ થઇ રહ્યું,
કેમ કે તેના પોતાનામાં સત્ય-સંકલ્પ હોવાને લીધે તેને જે ભાન થયું,તે અન્યથા (જુદું) કેમ થઇ જાય?

બ્રહ્મા,પોતે પોતાની ચિત્ત-સત્તાને લીધે,જે પ્રમાણે થઇ રહ્યું છે અને જે પ્રમાણે લાંબા કાળથી ભાસે છે,
(તે જગતના આરંભનું) માયાની અંદર સૃષ્ટિ-રૂપે ભાન થાય છે અને (પ્રલયકાળમાં) અભાન થાય છે.
સર્વ વસ્તુની અંદર જે કંઈ અનાદિ ચોક્કસ નિયમ-રૂપ વસ્તુ 'શક્તિ' રહેલી છે,તેને જ 'નિયતિ' એવું નામ
આપવામાં આવ્યું છે.વસ્તુતઃ અમુક,અમુક પ્રકારનું છે અને તમુક,તમુક પ્રકારનું છે,
એવા નિયમ-રૂપે 'બ્રહ્મ' પોતે જ ભાસી રહ્યું છે,અને તેને જ 'નિયતિ' શબ્દ-રૂપે કહેવામાં આવે છે.
અને તે જ સૃષ્ટિ (થવાના) અને સંહારના રૂપને ધારણ કરે છે.

સૃષ્ટિ અને પ્રલયના પ્રવાહની અભિન્ન સત્તાને લીધે સૃષ્ટિ અને પ્રલય એવા નામને ધારણ કરી રહેલ ચિદાકાશ-રૂપ
(બ્રહ્મ-સ્વરૂપ)ની અંદર આ સર્વ રહેલું છે.આ સર્વ સૃષ્ટિની નિયમિત વ્યવસ્થા,તે વિધાતાના વિલાસ (વિવર્ત) ને
અનુસરીને છે.એ ચિદાકાશ ક્ષણને કલ્પ-રૂપ અને કલ્પને ક્ષણ-રૂપ સમજે અને કરી મુકે તો તે પ્રમાણે થઇ જાય છે.
સ્વપ્નની જેમ,તે તે દેશ,તે તે કાળ,તે તે ક્રિયા,તે તે દ્રવ્ય,અને તે તે ઉદય-આદિ સર્વ 'સ્વ-ભાવે' જ ચિન્માત્ર-તત્વનો
એક વિવર્ત (વિલાસ કે આભાસ) છે.વસ્તુતઃ જોઈએ તો સર્વ આકાશ-રૂપ (નિરાકાર) છે.

આ કલ્પ (કાળ કે સમય) એ પણ બ્રહ્મના એક નિમેષ(આંખના પલકારા) રૂપ છે.ને કલ્પ સુધી પદાર્થો
(સ્વ-ભાવથી) એક-રૂપ થઇ રહે છે.સ્વભાવનું તત્વ જાણનારા તત્વજ્ઞ પુરુષો આ એક-રૂપ રહેવાની
સ્થિતિને 'સ્વભાવ' શબ્દથી ઓળખે છે.સર્વમાં અનુસ્યુત (એક સરખું) રહેલું એવું ચિત્ત-સ્વરૂપ જ
'સ્વભાવ-રૂપ' છે.જેમ કે,એક જ અગ્નિ દેશ-કાળના ભેદ વડે અનેકરૂપ થઇ રહે છે,છતાં પણ પોતાના
મૂળ સ્વરૂપને છોડતો નથી.તે અગ્નિ,તે સર્વ ઉષ્ણ વસ્તુમાં અનુસ્યુત ઉષ્ણ પ્રકાશના રૂપને ધારણ કરે છે.
આને જ 'સ્વભાવ' કહેવામાં આવે છે.
   PREVIOUS PAGE          
        NEXT PAGE       
      INDEX PAGE