Aug 13, 2018

Yog-Vasishth-Gujarati-યોગવાસિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-1227

વસિષ્ઠ કહે છે-સૃષ્ટિના આદિકાળમાં શબલ-બ્રહ્મ (શક્તિશાળી કે શક્તિવાળું બ્રહ્મ) પોતાના સ્વરૂપની અંદર
જે કલ્પના જેવા પ્રકારે ઉઠાવે છે,તે જ પ્રમાણે તેનો અનુભવ (આપણને) થાય છે,કેમ કે તેમાં બીજું કંઈ પ્રતિબંધક નથી.
આ હિરણ્યગર્ભ (બ્રહ્મા) અને તેનાથી થયેલ આ જગત પણ તેની એક કલ્પના છે.
પછી તે હિરણ્યગર્ભે પ્રજાઓને કલ્પી લીધી તથા તપ,દાન,ગુણ,વેદ,શાસ્ત્ર,પંચમહાભૂતો અને જ્ઞાનના ઉપદેશો
પણ કલ્પી કાઢ્યા.તેની સાથે સાથે તપસ્વીઓ-આદિ જે કંઈ (વર-શાપ) કહે
તે સિદ્ધ થાય એવો નિયમ પણ કલ્પી કાઢ્યો.(તપસ્વીઓના ગુણ (ક્રોધ-વગેરે)થી  શાપ અને શાપની સિદ્ધિ
એ સર્વ કલ્પના-માત્ર જ છે.એમ કહેવાનો આશય છે!!)

એ પ્રજાપતિ (હિરણ્યગર્ભ કે બ્રહ્મા)માં રહેલ ચિદ-ધાતુ વસ્તુતઃ નિર્વિકલ્પ હોવા છતાં જેવા સંકલ્પ કરે તેવા જ
(આપણને) અનુભવ થાય છે.જેમ,સંકલ્પ-નગરની અંદર શિલાનું નૃત્ય પણ સત્ય-રૂપે કલ્પાય છે,
તેમ,જગત-રૂપી (હિરણ્યગર્ભના)સંકલ્પ-નગરની અંદર પણ પ્રજાપતિનો સંકલ્પ (શાપ કે શાપની સિદ્ધિ) સત્ય જ છે.
શુદ્ધ એવા આત્મ-ચૈતન્યને,જેને  જેવું અને જેવા પ્રકારનું સમજાયું હોય,તેને બીજાનું અશુદ્ધ સંસ્કારવાળું આત્મ-ચૈતન્ય
અન્યથા કરવા સમર્થ થઇ શકતું નથી.જે વિષયનો ઘણા લાંબા સમય સુધી અભ્યાસ કરાયો હોય,
તેને આત્મ-ચૈતન્ય વિશેષ કરી દેખે છે અને બીજાને અલ્પ-પ્રમાણથી દેખે છે.

સ્વપ્ન,જાગ્રત અને વર્તમાન સમયમાં બધું વિદ્યમાન છતાં,અભ્યાસ-અનભ્યાસ જ તેની વિશેષ કે અલ્પ પ્રતીતિ થવામાં
હેતુ-રૂપ છે.વસ્તુતઃ એક ચિદાકાશ જ પોતાના સ્વરૂપમાં પોતાના જ વિવર્ત (આભાસ)ને પ્રસરી દે છે
અને દૃષ્ટા-દૃશ્ય-દર્શન-એ ત્રિપુટી-રૂપે પોતાના સ્વરૂપને જ દેખતું હોય તેમ ભાસે છે,બીજું કંઈ નથી.
દૃષ્ટા અને દૃશ્ય-એ બંને ચિદાકાશ-રૂપ છે કેમ કે ચિદાકાશ એ સર્વ-વ્યાપી છે.
માટે જે વસ્તુ જે દેશ-કાળમાં જેવી દૃઢ કલ્પના વડે જેવા પ્રકારની કલ્પવામાં આવે છે,
તે વસ્તુ તે દેશ-કાળમાં તેવા જ પ્રકારની આપણને પ્રતીતિમાં આવે છે.

જેમ વાયુમાં ચલન-શક્તિ રહી છે,જળમાં દ્રવ-ભાવ રહ્યો છે,બ્રહ્મમાં માયા-શક્તિ રહી છે,તેમ વિરાટ (બ્રહ્મા)ના
અંગની અંદર જગત રહેલું છે.બ્રહ્મ તે વિરાટ (બ્રહ્મા)ના આત્મા-રૂપ છે ને આપણા પણ આત્મા-રૂપ છે.
જગતનું અને આત્માનું સ્વરૂપ વિચારી જોતાં તે અત્યંત વિશાળરૂપ છે,
તેથી શૂન્યપણાની અને આકાશની જેમ બ્રહ્મનો અને જગતનો કોઈ ભેદ નથી.

આમ,અજ્ઞાન-બુદ્ધિથી જોતાં અજ્ઞાની (અવિવેકી)ઓને તેમની દૃષ્ટિથી જગત દેખાય છે,પણ હકીકતમાં તો
મન-બુદ્ધિ-આદિ સર્વ જગતનો ક્રમ (કે દ્વૈત) કોઈ ત્રણે કાળમાં ઉત્પન્ન જ થયો નથી.વળી તે કારણ-રહિત છે,
તેથી સર્વ અદ્વૈત-રૂપ જ છે.મરણ પછી આ શરીરમાં મન-બુદ્ધિ-આદિથી રહિત (જડ) જેવી જે અવસ્થા
અનુભવમાં આવે છે અને પાષાણ-આદિમાં જેમ જડ-સત્તા રહી છે,
તેમ,પરમાત્માની પણ (મન-બુદ્ધિ-આદિથી રહિત) નિર્વિક્ષેપ અવસ્થા સમજી લેવી.
   PREVIOUS PAGE          
        NEXT PAGE       
      INDEX PAGE