Aug 21, 2018

Yog-Vasishth-Gujarati-યોગવાસિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-1235

આતિવાહિક (મનોમય) દેહને ઘણા લાંબા સમય (કાળ)સુધી,પોતાનો અનુભવ ઉદિત થાય છે,
એટલે તેને ઝાંઝવાના જળની જેમ,પોતાનામાં આધિભૌતિક(સ્થૂળ)પણાની બુદ્ધિ ઉત્પન્ન થાય છે.
એટલે આ જગત સત્યના જેવી પ્રતીતિ આપે છે.વસ્તુતઃ તે ઝાંઝવાના જળની જેમ ભ્રાંતિરૂપે અસત્ય છે.
સર્વ વસ્તુ આતિવાહિક-દેહ-રૂપ (મનોમય) છે,છતાં અવિવેકી પુરુષો તેમાં મિથ્યા એવા આધિભૌતિક
(સ્થૂળ) ભાવને સત્યની જેમ (આસક્તિને લીધે) સ્વીકારી લે છે.

'અમુક હું છું,અમુક મારું છે' એ મિથ્યા ભ્રમ છે (કેમ કે સર્વ ચિદાકાશ રૂપ છે)
સર્વના આદિ-રૂપ એવા વિધાતાનો આ આતિવાહિક દેહ ભાવનાને લીધે આધિભૌતિકતાને ધારણ કરી લે છે
અને પછી પૃથ્વી-આદિ કઠિન આકારને ધારણ કરે છે.'હું બ્રહ્મ-રૂપ છું'એવા પોતાના ચિદ્રુપ-ભાવને છોડી દઈ,
તે ચિદાકાશ (બ્રહ્મ) 'હું અમુક મનુષ્ય આદિ-રૂપ છું અને અમુક પૃથ્વી મારા આધાર-રૂપ છે'
એવી ભાવનાને બાંધી બેસે છે.

આમ અસત્યમાં બુદ્ધિ થવાથી તે જીવ ભાવનાના બળથી બંધાઈ જાય છે અને બીજી અનેક ભાવનાઓ કરતાં
તે અનેક પ્રકારના ભાવોને અનુસરે છે.પ્રથમ તો તે આદિ જીવ વૈદિક અને લૌકિક એવા શબ્દોને સર્જે છે,
પછીતે સંકેત,સંજ્ઞાઓ તથા ચેષ્ટાઓને ઉત્પન્ન કરે છે.તે વડે જ તે ચોતરફના વ્યવહારને કલ્પી લે છે.
મન જે કલ્પના કરે છે,તેને તે પ્રમાણે જ તે અનુભવે છે.જે જેની અંદર આસક્ત હોય તે તેને કેમ જ દેખે?
આ પ્રમાણે આ જગતની ભ્રાંતિ અસત્ય છે છતાં પ્રૌઢ-રૂપે પ્રતીતિમાં આવે છે.

કોઈ પણ દેશકાળમાં કશી પણ આધિભૌતિકતા (સ્થૂળતા) છે જ નહિ,પરંતુ આતિવાહિકપણું જ અભ્યાસના યોગે
આધિભૌતિક ભાવને ધારણ કરે છે.સૃષ્ટિના મુક-રૂપ એવા વિધાતામાંથી જ આવો મોહ ઉત્પન્ન થયો છે,
તેથી એ સ્રષ્ટિ-રૂપ ભ્રમ,મિથ્યા છતાં  અનુભવમાં આવે છે.મહાત્માઓને પણ તે પ્રારબ્ધ-ક્ષય થતાં સુધી
તે પ્રતીતિમાં આવે છે.

બ્રહ્મ પોતે જ જગત-જીવ આદિના આકારે ભાસી રહ્યું છે.શાશ્વત એવા બ્રહ્મની વિના જગતનું બીજું કારણ નથી.
જો કે 'કારણ  વિના કાર્ય સંભવતું નથી'એવા નિયમને લીધે તે 'બ્રહ્મ એ કારણ છે' એવી કલ્પના કરવી પડે છે ખરી,
પણ વસ્તુતઃ તો તે નિર્વિકાર-નિરાકાર બ્રહ્મની અંદર કાર્ય-કારણ-આદિ ભાવનો સંભવ જ નથી,
તેથી આ જગતનો આકાર ભ્રાંતિમાત્ર જ છે અને સત્ય નથી.
   PREVIOUS PAGE          
        NEXT PAGE       
      INDEX PAGE