Aug 22, 2018

Yog-Vasishth-Gujarati-યોગવાસિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-1236

(૧૯૦) બ્રહ્મ જ જગત-રૂપે ભાસે છે

વસિષ્ઠ કહે છે કે-જ્ઞાન-રૂપ એવા અધિષ્ઠાન-ચૈતન્યને જ્ઞેય-ભાવની પ્રાપ્તિ થવી તે બંધ કહેવાય છે અને
તે જ્ઞેય-ભાવની શાંતિ થઇ જઈ સ્વરૂપમાં સ્થિતિ થવી તે મોક્ષ કહેવાય છે.

રામ કહે છે કે-હે મહારાજ,જ્ઞાન-રૂપ-અધિષ્ઠાન-ચૈતન્યમાં કલ્પાયેલા જ્ઞેય-ભાવની શાંતિ શી રીતે થાય?
અને ઘણા સમયથી રૂઢ થઇ રહેલી "હું બંધાયેલ છું' એવી બુદ્ધિ શી રીતે નિવૃત્ત થાય?

વસિષ્ઠ : શમ-દમ-આદિ સાધનવાળા તથા દૃઢ અભ્યાસ વડે મેળવેલા સમ્યક-જ્ઞાન-રૂપી પ્રબોધ વડે ભ્રાંતિ
ટળી જાય છે અને નિરાકાર તથા શાંત એવી પોતાના સ્વરૂપ-રૂપી-મુક્તિનો લાભ થાય છે.

રામ : કૈવલ્ય એવો અદ્વૈત-ભાવ, એ બોધ કહેવાય છે
પરંતુ જે ઉત્પન્ન  થતાં જીવ સર્વ બંધનથી મુક્ત થઇ જાય,તે 'સમ્યક-જ્ઞાન' કોને કહેવું?

વસિષ્ઠ : જ્ઞાન પોતે અધિષ્ઠાન-ચૈતન્ય માત્ર છે.તેનો જ્ઞેય-ભાવ (જગત-આદિનો ભાવ) છે જ નહિ,પરંતુ કેવળ અવિનાશી
જ્ઞાન જ છે અને તે મન-વાણીથી અગોચર છે-એવો જે અંદર બોધ થવો-તે 'સમ્યક-જ્ઞાન' કહેવાય છે.

રામ : ચિદેક-રસ એવા જ્ઞાનમાં વળી તેનાથી જુદો એવો જ્ઞેય-ભાવ કેવો હોય? વળી 'જ્ઞાન' શબ્દ એ વ્યાકરણના નિયમ
પ્રમાણે ભાવ-અર્થમાં થયો છે કે કરણ અર્થમાં?

વસિષ્ઠ : બોધમાત્ર જ જ્ઞાન-પદ વડે ઓળખાય છે અને તે વ્યાકરણની પદ્ધતિ પ્રમાણે અહી ભાવ-અર્થમાં જ સમજવાનો છે.
પવન અને તેની ચપળતાની જેમ જ્ઞાન અને જ્ઞેય એ બંનેમાં કશો ભેદ નથી.

રામ : જો એમ જ હોય તો પછી આ જ્ઞાન-જ્ઞેય આદિનો ભ્રમ સસલાના શિંગડા જેવો છે.
છતાં તે ભૂત,ભવિષ્ય અને વર્તમાનનાં વિભાગ વડે કેમ સિદ્ધ-રૂપે પ્રતીતિમાં આવે છે?

વસિષ્ઠ: અમુક બહારના પદાર્થો છે-એવી ભ્રાન્તિને લીધે જ અહીં ભ્રમ બુદ્ધિનો ઉદય થાય છે-એમ સમજવું.
વસ્તુતઃ જોઈએ તો બહારનો કે અંદરનો-એવો કોઈ પદાર્થ જ સંભવતો નથી.

રામ : હે મહારાજ,હું,તમે ઈત્યાદિ પ્રત્યક્ષ દેખવામાં આવતી વસ્તુ
અને અનુભવમાં આવતાં મનુષ્યો નથી જ-એમ કેમ કહી શકાય -તે વિષે આપ કહો.

વસિષ્ઠ : આદિ સૃષ્ટિમાં વિરાટ-આદિ કંઈ પણ વસ્તુ ઉત્પન્ન થયેલી જ નથી,તેથી જ્ઞેય (અનુભવમાં આવતી વસ્તુ)
અસંભવ છે.(વસ્તુતઃ તો સર્વ ચિદાકાશમય છે અને સ્વપ્નની જેમ મિથ્યા છે-એમ સમજવાનું છે!!)
   PREVIOUS PAGE          
        NEXT PAGE       
      INDEX PAGE