Sep 3, 2018

Yog-Vasishth-Gujarati-યોગવાસિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-1248

રામ કહે છે કે-હું જ્ઞાનને લીધે નિર્વાણ-રૂપ જ થઇ રહ્યો છું,નિઃશંક થઇ રહ્યો છું,નિષ્કામ થઇ રહ્યો છું,
ચિત્તમાં નિર્વિક્ષેપ આત્મ-સુખને જ એકધારા પ્રવાહ-રૂપે ધારણ કરી રહ્યો છું
અને નિરંતર યથાસ્થિત અનંત આત્મ-સ્વરૂપમાં જ સ્થિર થઈને રહ્યો છું.
આમ પ્રબોધને પ્રાપ્ત થઇ ગયેલો હું આત્મા-રૂપ બ્રહ્મની અંદર કેમ સ્થિતિ ન રાખું?
હું જ સર્વદા અનંત એવી સર્વ વસ્તુ-રૂપ છું અથવા કશા-રૂપ પણ નથી,પરંતુ અત્યંત શાંત છું.
આ સર્વ કાંઇ છે જ નહિ,પણ સદ-રૂપ એક હું (બ્રહ્મ) જ છું ને સર્વ કાંઇ છે પણ તથા હું કશું નથી પણ.

અહો ! આ કેવી આશ્ચર્યકારક શાંતિ છે ! જે કંઈ જાણવા યોગ્ય હતું તે મેં જાણ્યું,
ને મોક્ષસુખ મેળવ્યું.આ સમસ્ત વસ્તુઓનો સમૂહ (જગત)મારી દૃષ્ટિમાં બિલકુલ છે જ નહિ.
છેવટના સાક્ષાત્કાર વડે પ્રબોધને ઉત્પન્ન કરનારું આત્મ-સ્વ-રૂપ મને ઓળખાયું છે.
કે જેમાં જન્મ-મરણ-જરા-આદિ દુઃખોનું નામ પણ નથી.

(૧૯૪) રામનું પોતાના જ્ઞાન અનુસાર ગુરુની પાસે કથન

રામ કહે છે કે-સર્વે જીવોના,સર્વે ભાવોમાં જયારે જયારે જે જે ભોગના નિમિત્ત વડે સ્વયંપ્રકાશ ચિદાત્મા,
જેવા જેવા વિવર્ત (વિલાસ કે આભાસ)ને ધારણ કરી લે છે,તેવા તેવા વિવર્તને પોતે નાના પ્રકારના ભોક્તા-રૂપ
જીવોના આધારે અનુભવે છે.જેમ,સૂક્ષ્મ એવાં અનેક પ્રકારનાં કિરણો એક જ ઘરમાં ભેગાં મળ્યા છતાં જુદાં જ
રહે છે,તેમ,એક જ નિરવયવ બ્રહ્મની અંદર અનંત સૃષ્ટિઓ ભેગી મળ્યા છતાં જુદી જ રહે છે,
કેમ કે તે નિરવયવ બ્રહ્મની અંદર (તે સૃષ્ટિઓ) તાદાત્મ્યના અધ્યાસથી જ રહેલી છે.

જેમ,એક જ ઘરની અંદર,અનેક પ્રકારના રત્નોનો ઘાટો કિરણ-સમૂહ એકબીજાને સંકડાશ ન થાય
તેમ પ્રવેશ કરે છે અને ગતિ કરે છે તેમ,એક જ પરમાત્માની અંદર પ્રત્યક્ષ અને પરોક્ષ એવો
જગત-રૂપી કિરણસમૂહ એકબીજાને પરસ્પર સંકડાશ ન થાય તેમ પ્રવેશ કરે છે અને ગતિ કરે છે.

જેમ,પ્રકાશતા એવા અનેક દીવાઓનો અનુભવ કેટલાક દેખતા માણસોને થાય છે પણ કેટલાક (આંધળા) માણસોને
થતો નથી,તેમ આ આત્મ-પ્રકાશ વડે પ્રકાશિત એવી અનેક સૃષ્ટિઓનો અનુભવ કેટલાકને
(સમાન કર્મ-વાસના આદિને યોગે) પરસ્પર થાય છે અને કેટલાકને નથી પણ થતો.
જેમ,પ્રત્યેક જળના પરમાણુમાં,જળ-પરમાણુનો રસ રહ્યો હોય છે,તેમ,ચિદેકરસ પરમાત્માની અંદર,
સૃષ્ટિના ધારાઓની પરંપરાઓ સર્વથા સર્વત્ર નિરંતર રહેલી છે,તેને ગણવા કોણ સમર્થ થઇ શકે?
   PREVIOUS PAGE          
        NEXT PAGE       
      INDEX PAGE